'કોઈ દિલ્હી ગયું અને કહ્યું પપ્પા મને માર્યો...', નામ લીધા વગર ઉદ્ધવ ઠાકરેનો એકનાથ શિંદે પર કટાક્ષ

Maharashtra Political News : મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા કથિત મતભેદોના રિપોર્ટ વચ્ચે એકનાથ શિંદેએ બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે મુલાકાત કરી હતી. અટકળો છે કે, શિંદેએ BMC અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ સાથેના તણાવને લઈને પોતાનો પક્ષ રજૂ કર્યો છે. ચર્ચા છે કે, શિંદે ફડણવીસથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, બંને પક્ષો સત્તાવાર રીતે આ બાબતનો ઈનકાર કરતા રહ્યા છે. હવે આ મામલે શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર કટાક્ષ કર્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર કટાક્ષ કર્યો
ફડણવીસ-શિંદે (CM Devendra Fadnavi And Eknath Shinde) વચ્ચે કથિત મતભેદ મામલે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘હું પણ ધારાસભ્ય છું. બધા લોકો પોતાના ફંડનો ઉપયોગ અલગ-અલગ વિકાસ કાર્યો માટે કરે છે. પહેલા અમે અખબારોમાં વાંચતા હતા કે, સત્તા પક્ષના લોકો વિપક્ષના ધારાસભ્યોને ફંડ આપવામાં મુશ્કેલી ઊભી કરે છે. પરંતુ હવે તો એવું છે કે સત્તા પક્ષના ધારાસભ્યો વચ્ચે જ અણબનાવના સમાચાર આવી રહ્યા છે.’ શિંદેના દિલ્હી પ્રવાસનો ઉલ્લેખ કર્યા વિના ઠાકરેએ કહ્યું કે, ‘આજે જ તમે પેપરમાં વાંચ્યું હશે કે કોઈ તો દિલ્હી ગયું... પપ્પા તેણે મને માર્યો... આ લાચારી કેમ છે? જો યોગ્ય સમયે, યોગ્ય ઉંમરે, સારું શિક્ષણ મળ્યું હોત, તો આ બધું ન થાત.’
અજિત પવાર પર પણ કટાક્ષ
ઠાકરેએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (Ajit Pawar) પર પણ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘જો પિતાએ કૌભાંડ કર્યું હોય તો પુત્ર તેનાથી પણ મોટું કૌભાંડ કરશે, એવું ન થવું જોઈએ. જો કોઈ વ્યક્તિને સારું શિક્ષણ અને સંસ્કાર ન મળે તો એવું થાય છે કે, આપણે સારા વ્યક્તિને પણ ઉઠાવીને જેલમાં પૂરી દઈએ છીએ. સોનમ વાંગચુક તેનું સાચું ઉદાહરણ છે.’
આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી

