VIDEO : મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, રાયગઢમાં 400 ફુટ ઊંડી ખીણમાં ખાબકી SUV, 6 લોકોના મોત

Maharashtra SUV Accident : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં તામ્હિની ઘાટ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતમાં છ યુવકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર પિકનિક મનાવવા ગયેલા યુવકોની એસયુવી કાર 400 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, આ દુર્ઘટના મંગળવારના વહેલી સવારે થઈ હતી, પરંતુ પોલીસને તેની જાણ ગુરુવારે સવારે મળી હતી. મૃતક યુવકોની ઉંમર 18થી 22 વર્ષની હતી અને તેઓ સોમવારે મોડી સાંજે પુણેથી થાર એસયુવીમાં સવાર થઈને નીકળ્યા હતા.
ફોન બંધ આવતાં પરિવારને ચિંતા થઈ
પરિવારજનોએ મંગળવારે સવારે યુવકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સતત ફોન સ્વિચ ઑફ આવતાં તેમને ચિંતિત થયા હતા. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી યુવકો ગુમ થયાની જાણ કરી હતી. પરિવારજનોએ માહિતી આપ્યા બાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને રસ્તા પર એક રેલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. રેલિંગ તૂટેલી જોઈને પોલીસને શંકા ગઈ અને તેમણે શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યા બાદ એસયુવી રેલિંગ તોડીને નીચે ખીણમાં પડી હોવાની જાણ થઈ હતી.
ડ્રોનમાં એસયુવી ઝાડ પર ફસાયેલી દેખાઈ
ડ્રોન દ્વારા લેવાયેલી તસવીરોમાં જોવા મળ્યું કે, એસયુવી ઊંડી ખીણમાં એક ઝાડ પર ફસાયેલી હતી. આ દૃશ્ય જોતાં જ બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. કલાકોની ભારે મહેનત બાદ પોલીસ અને સ્થાનિક લોકો ખાઈમાં નીચે ઉતરીને એસયુવી સુધી પહોંચ્યા હતા. તેમાંથી છ યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમને બહાર કાઢીને ઉપર લવાયા બાદ તેમની ઓળખ થઈ શકી હતી.
આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી

