Delhi Red Fort Car Blast Case : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને દિલ્હીમાં લાલ કિલ્લા બહાર થયેલા ભયાનક વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. NIAની ટીમે જમ્મુ અને કાશ્મીર તેમજ ઉત્તર પ્રદેશમાંથી વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આમ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છની ધરપકડ કરી લેવાઈ છે. પટિયાલા હાઉસ કોર્ટના જિલ્લા સત્ર ન્યાયાધીશના આદેશ પર NIAની ટીમે ચારેયને ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલા ચાર આરોપી
- ડૉ. મુઝમ્મિલ શકીલ ગનાઈ : જમ્મુ-કાશ્મીરના પુલવામાનો રહેવાસી
- ડૉ. અદીલ અહેમદ રાથર : જમ્મુ-કાશ્મીરના અનંતનાગનો રહેવાસી
- મુફ્તી ઈરફાન અહેમદ વાગે : જમ્મુ-કાશ્મીરના શોપિયાનો રહેવાસી
- ડૉ. શાહીન સઈદ : ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી
આરોપીઓની પૂછપરછ શરૂ
NIAની તપાસ અનુસાર, આ તમામ આરોપીઓએ આ આતંકવાદી હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં 15 નિર્દોષ લોકોનાં મોત થયાં હતાં અને અનેક ઈજાગ્રસ્ત થયા હતા. ઝડપાયેલા ચારેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. NIAના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.
અગાઉ બે આરોપીની ધરપકડ કરાઈ
આ પહેલા NIAએ બે આરોપી આમિર રાશિદ અલી અને જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરી હતી. કાર વિસ્ફોટમાં વપરાયેલી કાર આમિરના નામે નોંધાયેલી હતી, જ્યારે દાનિશે હુમલામાં સામેલ આતંકવાદીને ટેકનિકલ સહાય પૂરી પાડી હતી.


