For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PM મોદીના નિવેદન મુદ્દે નારાજ થયા શરદ પવાર, કહ્યું- ‘હું તેમની વ્યક્તિગત બાબતો પર બોલવા માંગતો નથી’

Updated: May 4th, 2024

PM મોદીના નિવેદન મુદ્દે નારાજ થયા શરદ પવાર, કહ્યું- ‘હું તેમની વ્યક્તિગત બાબતો પર બોલવા માંગતો નથી’

Maharashtra Lok Sabha Elections 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં શરદ પવારના પરિવાર અને મનમોહન સિંહની ટીકા કર્યા બાદ શરદ પવારે તેમના પર નિશાન સાધી વળતો જવાબ આપ્યો છે. આ ઉપરાંત મોદીએ ઉદ્ધવ ઠાકરે પર કરેલા નિવેદન મામલે પણ વડાપ્રધાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘વડાપ્રધાને વર્ષ 2014ની ચૂંટણીમાં જીવનજરૂરી ચીજવસ્તુની કિંમતો સાત દિવસમાં ઘટાડવાનું પહેલું વચન આપ્યું હતું, પરંતુ તેમણે વચન પુરુ કર્યું નથી. તેમણે 400 રૂપિયાના ગેસ સિલિન્ડરની કિંમતો 50 ટકા ઘટાડવાનું  વચન આપ્યું હતું, જોકે આજના સમયમાં તેની કિંમતો 1160 રૂપિયા છે અને કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે.’

મનમોહન સિંહ ચુપચાપ કામ કરી દેશને પરિણામ આપતા હતા : શરદ પવાર

વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) પર કરેલી ટિપ્પણીનો જવાબ આપતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે (Sharad Pawar) કહ્યું કે, ‘મોદી આજે પણ તેમના (મનમોહન સિંહ) જ નિર્ણયો લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી પોતાના અને મનમોહન સિંહના 10 વર્ષના કાર્યકાળની તુલના કરે છે, પરંતુ મનમોહન સિંહની વિશેષતા એ હતી કે, તેઓ ચુપચાપ કામ કરતા હતા અને કોઈપણ હોબાળો કર્યા વગર દેશને પરિણામ આપતા હતા. હું વડાપ્રધાન મોદીના કામના પરિણામો વિશે તો નથી જાણતો, પરંતુ તેઓ ચર્ચા, ટીકા-ટિપ્પણી પાછળ ઘણો સમય ખર્ચ કરી નાખે છે. વડાપ્રધાને ઘણા વચનો આપ્યા હતા, પરંતુ તેમણે એકપણ વચનો પુરા કર્યા નથી. લોકો વડાપ્રધાન મોદીથી નિરાશ છે.’

‘મોદીએ તેમના પરિવારનું ધ્યાન ક્યાં રાખ્યું?’

વડાપ્રધાન મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘અમારા કારણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તૂટી નથી. પાર્ટીનું નેતૃત્વ કોણ કરશે, તે મુદ્દે પવારના ઘરમાં ઝઘડો થઈ ગયો છે. આ ઉંમરે તેઓ પરિવારમાં ધ્યાન આપી શકતા નથી, તો મહારાષ્ટ્રને કેવી રીતે સંભાળશે?’ ત્યારે શરદ પવારે વડાપ્રધાનની આ ટિપ્પણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘મોદીએ તેમના પરિવારનું ધ્યાન ક્યાં રાખ્યું? હું તે મુદ્દે બોલવા માંગતો નથી. તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ ચિંતાજનક છે, પરંતુ હું તેમની વ્યક્તિગત બાબતો નહીં બોલું.’

‘ઉદ્ધવ ઠાકરેએ મોદીની મદદ લેવાનો સમય ન આવે...’

વડાપ્રધાને કહ્યું હતું કે, ‘ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) મારા દુશ્મન નથી, સંકટ સમયે તેમની મદદ કરનાર હું પ્રથમ વ્યક્તિ છું.’ જેનો જવાબ આપતા શરદ પવારે કહ્યું કે, ‘ભલે તેમણે લાખો વખત કહ્યું હોય, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ મોદીની મદદ લેવાનો સમય ન આવે, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.’

Gujarat