Get The App

એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
એકનાથ શિંદેના આ એક નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે અને ભાજપ બંને આશ્ચર્યચકિત ! BMC અંગે પણ મોટી અપડેટ 1 - image


BMC Mayoral Controversy : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ભાજપ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે શિંદેએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે ભાજપ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનું મોટો ઝટકો લાગ્યો છે. 

શિંદેએ રાજ ઠાકરેની પાર્ટી સાથે મિલાવ્યા હાથ

વાસ્તવમાં શિંદેએ કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં રાજ ઠાકરેની મનસે સાથે હાથ મિલાવ્યા છે, જેના કારણે ભાજપ એકલું પડી ગયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે શિંદેની પાર્ટી અને રાજ ઠાકરેની પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. બંને પાર્ટીએ આ પાલિકા માટે ગઠબંધન કરતા હવે શિંદેની શિવસેનાને પાલિકાની સત્તા મળી જશે.

...તો શિંદે ભાજપને આપશે મોટો ઝટકો

કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં કુલ 122 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી શિવસેનાએ 53, ભાજપે 50, ઉદ્ધવની શિવસેનાએ 11 અને રાજ ઠાકરેની MNSએ પાંચ બેઠકો જીતી હતી. હવે ચૂંટણી બાદ શિંદેએ મનસેના પાંચ કોર્પોરેટરનું સમર્થમ મેળવી લીધું છે. આ મહાનગરપાલિકાની સત્તા કબજે કરવા માટે કુલ 62 બેઠકો હોવી જરૂરી છે. શિંદેએ મનસેના સમર્થનથી કુલ 58 બેઠકો મેળવી લીધા બાદ હવે તેમની નજર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી કોર્પોરેટરો પર છે. જો ઉદ્ધવની પાર્ટીના ચાર કોર્પોરેટરો શિંદેને સમર્થન આપશે તો શિંદેની પાર્ટીની કુલ બેઠકનો આંકડો 62 પર પહોંચી જશે અને તેઓ પાલિકામાં સત્તા મેળવી શકશે. આમ તો શિંદે ભાજપનું સમર્થન મેળવીને આરામથી સત્તા હાંસલ કરી શકે છે, જોકે આ નિર્ણય બંને પાર્ટી વચ્ચે ખેંચતાણ હોવાના સંકેત આપી રહી છે. એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે આ વિસ્તારના સાંસદ હોવાથી તેઓ અહીં ભાજપનું વર્ચસ્વ વધવા દેવા માંગતા નથી તેવું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો : અમેરિકા માટે કેમ જરૂરી છે ભારતથી 1700 કિમી દૂર આવેલું ડિયેગો ગાર્સિયા? ડીલના 1 વર્ષમાં ટ્રમ્પનો યુટર્ન

લોટરી પ્રક્રિયા મુજબ મહિલા નેતા બનશે મુંબઈના મેયર !

બીજી તરફ મુંબઈ સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે મેયર પદની અનામતની લોટરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં મુંબઈમાં મેયરનું પદ સામાન્ય મહિલા શ્રેણી માટે અનામત રાખવામાં આવ્યું છે જેથી હવે કોઈ મહિલા નેતા મુંબઈના મેયર બનશે તે સ્પષ્ટ થઈ ગયું છે.

જાણો શું છે લોટરી સિસ્ટમ?

શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સામાજિક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે લોટરી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે, કઈ શ્રેણીના ઉમેદવાર મેયર પદ માટે ચૂંટણી લડી શકશે. મુંબઈ મહાનગરપાલિકામાં આ વખતે લોટરી દ્વારા મેયરનું પદ મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે. આ લોટરી સિસ્ટમ લોકશાહીમાં પારદર્શિતા લાવવા અને અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી તથા મહિલાઓને સમાન તક મળે તે હેતુથી અમલમાં મૂકવામાં આવી છે. સચિવાલય ખાતે વરિષ્ઠ અધિકારીઓ અને રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં સીલબંધ બોક્સમાંથી કાપલીઓ કાઢીને આ અનામત નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો : ચાંદીના ભાવમાં રૂ.20,000 તો સોનાના ભાવમાં રૂ.5,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત