Trump Slams Diego Garcia Deal : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અવાર-નવાર કંઈક ને કંઈક બોલીને વિશ્વભરમાં ખળભળાટ મચાવતા રહે છે. તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલા પર કબજો કર્યા બાદ ગ્રીનલેન્ડ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે ટ્રમ્પે હિંદ મહાસાગર પર આવેલા ‘ચાગોસ દ્વીપસમૂહ’ પર નજર બગાડી છે, જે ભારત માટે ચિંતાનો વિષય બની ગયો છે.
બ્રિટન મોરેશિયસને આપશે ટાપુ, ટ્રમ્પને પડ્યો વાંધો
વાસ્તવમાં બ્રિટન 'ડિયેગો ગાર્સિયા' જેવા મહત્ત્વના ટાપુ ધરાવતા ચાગોસ દ્વીપસમૂહનું સાર્વભૌમત્વ મોરેશિયસને સોંપવા જઈ રહ્યું છે, જેની ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ' પર આકરી ટીકા કરી છે. ટ્રમ્પે લખ્યું છે કે, 'ચોંકાવનારી વાત એ છે કે આપણું હોશિયાર નાટો સાથી બ્રિટન હાલમાં કોઈ પણ નક્કર કારણ વગર ડિયેગો ગાર્સિયા ટાપુ મોરેશિયસને સોંપવાની યોજના બનાવી રહ્યું છે. આ ટાપુ પર અમેરિકાનું અત્યંત વ્યૂહાત્મક અને મહત્ત્વનું સૈન્ય મથક આવેલું છે. આંતરરાષ્ટ્રીય શક્તિઓ જેમ કે ચીન અને રશિયા બ્રિટનની આ નબળાઈને નોંધી રહ્યા છે, જે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે.'
ટ્રમ્પે એવું પણ કહ્યું કે, બ્રિટન-મોરેશિયસની સમજૂતીના કારણે અમેરિકાને ગ્રીનલેન્ડ પર કબજો કરવાનું કારણ મળી ગયું છે. જોકે ટ્રમ્પની પોતાની જ સરકારે અગાઉ બ્રિટનની સમજૂતીનું સમર્થન કર્યું હતું, હવે ટ્રમ્પે યુ-ટર્ન લઈ બ્રિટન પર નિશાન સાધ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, માત્ર અમેરિકા જ નહીં ભારત માટે પણ તે ટાપુ ખૂબ જ મહત્ત્વનો છે.
ડિએગો ગાર્સિયા ટાપુ પર બ્રિટન-અમેરિકાનો કાળો ઈતિહાસ
- હિંદ મહાસાગરમાં આવેલો નાનો ડિએગો ગાર્સિયા ટાપુ બ્રિટિશ ઈન્ડિયન ઓશન ટેરિટરીનો ભાગ છે. આ ટાપુ ભારતથી લગભગ 1770 કિલોમીટર દૂર આવેલો છે. આ ટાપુ પર અમેરિકાનું સૈન્ય મથક પણ છે, જ્યાં બી-52 બોમ્બર વિમાનો, લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવા હથિયારો અને કથિત પરમાણુને લગતી સાધમ-સામગ્રી પણ હોવાનું કહેવાઈ રહ્યું છે.
- 1960ના દાયકામાં બ્રિટન અને અમેરિકાને ટાપુ પર સૈન્ય મથક બનાવવાનું હતું, તેથી તેઓએ અહીંના મૂળ રહેવાસીઓ (ચાગોસિયન)ને બળજબરીથી હાંકી કાઢ્યા હતા. તાજેતરના વર્ષોમાં આંતરરાષ્ટ્રીય કોર્ટોએ ટાપુ પર બ્રિટનના કબજાને ગેરકાયદેસર ગણાવ્યો છે.
- અમેરિકા આ ટાપુ પર આવેલા પોતાના સૈન્ય મથકનો ઉપયોગ કરીને પશ્ચિમ એશિયા, આફ્રિકા અને આખા ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં પોતાની તાકાત દેખાડી શકે છે. ઈરાન, ચીન, ભારત અને દરિયાઈ માર્ગ તમામ અમેરિકાની પહોંચમાં છે. ટેકનિકલ રીતે આ ટાપુ મોરેશિયસનો છે, જે ભારતનો નજીકનો દેશ છે.
ડિએગો ગાર્સિયાનું વ્યૂહાત્મક મહત્વ
સૈન્ય મથકના મહત્ત્વ મુજબ ‘ડિએગો ગાર્સિયા’ વિશ્વનું સૌથી મહત્ત્વનું સ્થળ છે. અહીંથી અમેરિકા ચીનના વધતા પ્રભાવને અટકાવી શકે છે. આ ટાપુ પર આવેલું અમેરિકન સૈન્ય મથક મલક્કાની સામુદ્રધુની નજીક આવેલું છે અને આ સામુદ્રધુની દક્ષિણ-પૂર્વ એશિયામાં આવેલો એક અત્યંત મહત્વનો સાંકડો દરિયાઈ માર્ગ છે, જે મલય દ્વીપકલ્પ અને ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુની વચ્ચે સ્થિત છે. ભૌગોલિક રીતે તે હિંદ મહાસાગરને દક્ષિણ ચીન સમુદ્ર (પ્રશાંત મહાસાગર) સાથે જોડે છે. આ માર્ગ લગભગ 930 કિલોમીટર લાંબો છે અને વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ વેપાર માર્ગોમાં તેની ગણના થાય છે.
ટ્રમ્પ સરકારે પહેલા સમર્થન કર્યું પછી વિરોધ
ટ્રમ્પ સરકારે વર્ષ 2025માં બ્રિટન અને મોરેશિયસ વચ્ચે થયેલી સમજૂતીનું સમર્થન કર્યું હતું. આ સમજૂતી હેઠળ બ્રિટન મોરેશિયસને ચાગોસ દ્વીપસમૂહની સંપ્રભુતા સોંપી દેશે. જ્યારે ટાપુ પર આવેલું અમેરિકન સૈન્ય મથક 99 વર્ષના ભાડાપટ્ટે જ રહેશે. ટ્રમ્પે આ સમજૂતી અને નિર્ણયને ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવી હતી.
બીજીતરફ ટ્રમ્પે વર્ષ 2026માં ટ્રુપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બ્રિટનની ટીકા કરી છે. તેમણે લખ્યું છે કે, 'આપણું NATO સાથી બ્રિટન હાલમાં કોઈ પણ નક્કર કારણ વગર ડિયેગો ગાર્સિયા ટાપુ મોરિશસને સોંપવાની યોજના બનાવી રહ્યું છે. આ ટાપુ પર અમેરિકાનું અત્યંત વ્યૂહાત્મક અને મહત્ત્વનું સૈન્ય મથક આવેલું છે. આંતરરાષ્ટ્રીય શક્તિઓ જેમ કે ચીન અને રશિયા બ્રિટનની આ નબળાઈને નોંધી રહ્યા છે, જે ભવિષ્યમાં જોખમી સાબિત થઈ શકે છે.'
વ્યૂહાત્મક મહત્ત્વ: હિંદ મહાસાગરમાં અમેરિકા-બ્રિટનનું મજબૂત સૈન્ય મથક
હિંદ મહાસાગરમાં સ્થિત ડિયેગો ગાર્સિયા ટાપુ પર 1960ના દાયકાથી બ્રિટન અને અમેરિકાનું સંયુક્ત સૈન્ય મથક કાર્યરત છે. મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા અને પૂર્વ આફ્રિકામાં લશ્કરી કામગીરી માટે આ મથક અત્યંત વ્યૂહાત્મક માનવામાં આવે છે. મે 2025માં થયેલા નવા કરાર મુજબ, બ્રિટન આ ટાપુઓનું સાર્વભૌમત્વ મોરિશસને સોંપશે, પરંતુ ડિયેગો ગાર્સિયા પરનું સૈન્ય મથક આગામી 99 વર્ષ સુધી બ્રિટન પાસે લીઝ પર રહેશે.
રસપ્રદ વાત એ છે કે, અગાઉ ટ્રમ્પ વહીવટીતંત્રે જ આ કરારને ટેકો આપ્યો હતો, પરંતુ હવે ટ્રમ્પે અચાનક 'યુ-ટર્ન' લઈને તેનો આકરો વિરોધ કર્યો છે. બીજી તરફ, બ્રિટિશ સરકારે ટ્રમ્પની ટીકાનો જવાબ આપતા જણાવ્યું છે કે, કાયદાકીય ગૂંચવણો ટાળવા અને સૈન્ય મથકની સુરક્ષા જાળવી રાખવા માટે આ કરાર રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ અનિવાર્ય હતો.
ટાપુ પર અમેરિકન સૈન્ય મથક ભારતની સુરક્ષા માટે સંવેદનશીલ
અમેરિકા આ ટાપુનો ઉપયોગ કરીને અનેક દેશોની મુશ્કેલી વધારી શકે છે. ટાપુ પરથી ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન જેવા દેશો પર હુમલો કરી શકાય છે. 9/11ના હુમલા બાદ અને ઈરાક યુદ્ધ બાદ ટાપુનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. આ ટાપુ ભારતથી માત્ર 1770 કિલોમીટર દૂર હોવાના કારણે ભારતની સુરક્ષા માટે પણ સંવેદનશીલ છે. જો અમેરિકા ટાપુ પરથી કોઈ કાર્યવાહી કરશે તો તેની અસર હિન્દ મહાસાગર પર પડી શકે છે, જેના કારણે ભારતને નુકસાન થવાની સંભાવના વધી શકે છે. અમેરિકન સૈન્ય મથકમાં સેટેલાઈટ ટ્રેકિંગ, સબમરીન સપોર્ટ અને લાંબા અંતરના બોમ્બર છે, જેનાથી અમેરિકાની સૈન્ય તાકાત દર્શાવે છે અને તેનાથી આસપાસના તમામ દેશોને પણ ખતરો છે.
હિંદ મહાસાગરમાં ચીનના પ્રભાવને રોકવા ભારતની સક્રિયતા
આ સમગ્ર વિવાદમાં ભારતની ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની છે. જોકે ટ્રમ્પે પોતાના નિવેદનમાં ભારતનું નામ લીધું નથી, પરંતુ ભારતે લાંબા સમયથી મોરિશસના આ પ્રયાસોને સમર્થન આપ્યું છે. ભારતે મોરિશસને 68 કરોડ ડૉલરનું પેકેજ પણ આપ્યું છે, જેમાં ચાગોસ વિસ્તારમાં મરીન પ્રોટેક્ટેડ એરિયા અને સેટેલાઇટ સ્ટેશન વિકસાવવાનો સમાવેશ થાય છે. ભારત હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અહીં સક્રિય છે. ટ્રમ્પના આ તાજેતરના નિવેદન અને ગ્રીનલૅન્ડથી લઈને ડિયેગો ગાર્સિયા સુધીના આક્રમક વલણને કારણે વૈશ્વિક સ્તરે ઉથલપાથલ મચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભારતને શું નુકસાન ?
ભારત હંમેશા મોરેશિયસના દાવાનું સમર્થન કરે છે. ભારતે મોરેશિયસને 80 મિલિયન ડૉલરની આર્થિક મદદ કરવાની સાથે પોર્ટ લુઈમાં પોર્ટનો વિકાસ અને ચાગોસ મરીન પ્રોટેક્ટેડ એરિયામાં રોકાણ કર્યું છે. ભારત અને મોરેશિયસ વચ્ચે ઐતિહાસિક સંબંધ છે. ભારત ઈચ્છતું નથી કે, અમેરિકા અથવા બ્રિટન હિંદ મહાસાગરમાં એકતરફી કબજો કરે. ચિંતાજનક વાત એ છે કે, જો ટાપુ પર અમેરિકાનો સ્થાયી કબજો હેશે તો તેનાથી ચિનનું ટેન્શન વધી શકે છે, જેનાથી આ ક્ષેત્રમાં તણાવ વધી શકે છે. બીજીતરફ ભારત હિંદ મહાસાગર વિસ્તારને શાંત રાખવા ઈચ્છે છે.
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) દાવોસ અને ટ્રુથ સોશિયલ પર આપેલા નિવેદનોથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેઓ ગ્રીલેન્ડ બાદ ડિએગો ગાર્સિયાને અમેરિકન સંપત્તિ માની રહ્યા છે. ડિએગો ગાર્સિયાનું વ્યૂહાત્મક મહત્ત્વ એટલું બધુ છે કે, તેનાથી આખા ઇન્ડો-પેસિફિકને અસર કરી શકે છે. તેથી ભારત માટે આ ચિંતાની વાત છે.
આ પણ વાંચો : ના ટેરિફ, ના સૈન્ય હુમલો... ગ્રીનલેન્ડ પર કબજો કરવા ડોનાલ્ડ ટ્રમ્પે બદલી ફોર્મ્યુલા!


