Get The App

'બિહારમાં મોટાભાગના ઓબ્ઝર્વર-અર્ધસૈનિક દળ ભાજપ શાસિત રાજ્યોના...' તેજસ્વીનો ગંભીર આરોપ

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
Bihar Elections


Bihar Elections: આરજેડી નેતા તેજસ્વી યાદવે બિહારમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ અગાઉ યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં એનડીએ સરકાર પર નિશાન સાધ્યું અને અનેક આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, '20 વર્ષ સુધી ચાલેલી સરકાર દરમિયાન બિહારમાં ગરીબી, બેરોજગારી અને સ્થળાંતર ચરમસીમાએ પહોંચ્યું છે. આટલા લાંબા સમયમાં અહીં નવી ફેક્ટરીઓ કે ઉદ્યોગોની સ્થાપના થઈ નથી, જેના કારણે લોકોને રોજગાર મળી શક્યો નથી.' તેજસ્વીએ દાવો કર્યો કે જો ડબલ એન્જિન સરકારની ઇચ્છા હોત તો બિહાર 20 વર્ષમાં દેશમાં પ્રથમ ક્રમાંક પર આવી શક્યું હોત.

તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે, 'અમિત શાહ બિહારને વસાહતી રાજ્ય બનાવવા માંગે છે, જ્યાં બહારના લોકો કબજો કરી લે. પરંતુ, અમે બિહારીઓ આ થવા નહીં દઈએ. આ ચૂંટણીમાં જનતા દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવશે.'

તેજસ્વી યાદવે વડાપ્રધાન મોદી પર પણ આકરા પ્રહાર કર્યા 

તેજસ્વી યાદવે ટિપ્પણી કરી કે, 'પીએમ મોદી બિહારમાં જે વાતો કરી રહ્યા છે, તે જો તેમણે ગુજરાતમાં કરી હોત તો વધુ યોગ્ય ગણાત. તેમની પાસે ન કોઈ વિઝન છે, ન કોઈ રોડમેપ. તેઓ માત્ર ખોટા વચનો આપી રહ્યા છે. વડાપ્રધાન પાસે આટલો બધો ફુરસતનો સમય ક્યાંથી આવ્યો? તેઓ હાલમાં કઈ વેબ સિરીઝ જોઈ રહ્યા છે?'

વધુમાં તેમણે કહ્યું, 'મેં બિહારમાં લાખો પેન (શિક્ષણ માટે) અને નોકરીઓ વહેંચી, પરંતુ વડાપ્રધાનને તે દેખાયું નથી. તેમને દિલીપ જયસ્વાલ, સમ્રાટ ચૌધરી અને મંગલ પાંડેનો કૌભાંડ પણ દેખાતો નથી.' પીએમ પર સીધો હુમલો કરતા તેમણે સવાલ કર્યો, 'તમે કુખ્યાત ગુનેગારો સાથે મંચ શેર કરો છો, શું તેઓ તમને સાધુ-મહાત્મા જેવા લાગે છે?'

ભાજપના 'પાપ' ધોવાનું કામ કરી રહ્યું છે ચૂંટણી પંચ

તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે 'વડાપ્રધાન દ્વારા સૃજન કૌભાંડના આરોપી બિપિન શર્માને એરપોર્ટ પર બોલાવીને તેમની પીઠ થપથપાવવામાં આવી હતી. તમારા કહેવામાં અને કરવામાં મોટું અંતર છે. આ ઘટનાઓને કારણે, તમને બિહાર આવતા શરમ આવવી જોઈએ.'

તેજસ્વીએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો  ઉઠાવતા કહ્યું કે, 'કુલ પોલીસ ઓબ્ઝર્વરમાંથી 68 ટકા નિરીક્ષકો ભાજપ શાસિત રાજ્યોમાંથી છે. આ ઉપરાંત, સ્ટ્રોંગ રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ વારંવાર બંધ થઈ રહ્યા છે. ચૂંટણીની સુરક્ષા માટે આવેલી 208 કંપનીઓ પણ ભાજપ શાસિત રાજ્યોમાંથી જ લાવવામાં આવી છે. એવું લાગે છે કે ભાજપ જેટલું પાપ કરશે, ચૂંટણી પંચ તે બધાને ધોઈ નાખવાનું કામ કરશે.'

આ પણ વાંચો: 2900 કિલો IED મટિરિયલ જપ્ત, બે ડોક્ટર સહિત 7ની ધરપકડ; કાશ્મીરમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ

મતદાનના આંકડા છુપાવવા પર પંચને સવાલ

ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા તેજસ્વી યાદવે પૂછ્યું કે, મતદાનના આંકડા કેમ છુપાવવામાં આવી રહ્યા છે અને કેટલા પુરુષો-મહિલાઓએ મતદાન કર્યું તેની માહિતી જાહેર કેમ થતી નથી? તેમણે કટાક્ષ કર્યો કે, 'શું આ મજાક છે? પીએમ મોદી અને અમિત શાહના જમાનામાં ચૂંટણી પંચ ઠપ થઈ ગયું છે.'

તેમણે વધુ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'સીએમ હાઉસમાંથી રેન્જ અધિકારીઓ સુધી નિર્દેશો મોકલાઈ રહ્યા છે, જેમાં મોટા અધિકારીઓને બોલાવીને ચોક્કસ વિસ્તારોમાં ગડબડી કરવા અને લોકોને ઉઠાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. મને આ માહિતી એ જ અધિકારીઓ પાસેથી મળી છે.' અંતે, તેમણે તમામ અધિકારીઓને દબાણમાં કામ ન કરવા અને જનતાને જવાબ આપવા માટે તૈયાર રહેવા જણાવ્યું.

જનતા પરિવર્તનના મૂડમાં છે

તેજસ્વી યાદવે કહ્યું, 'આ વખતે બિહારના લોકો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. હવે નોકરીવાળી સરકાર આવવાની છે. બિહારને ગરીબી, પલાયન અને બેરોજગારીમાંથી મુક્તિ અપાવવા માટે જનતા પરિવર્તનના મૂડમાં છે.' તેમણે કહ્યું, 'અમે આ ચૂંટણીમાં 171 રેલીઓ અને જનસભાઓ કરી. દરેક જગ્યાએ જનતાનો મૂડ સ્પષ્ટ દેખાયો, લોકો બદલાવ ઈચ્છે છે. ભલે કોઈ પણ જાત કે ધર્મનો હોય, બધાનો અવાજ એક છે - આ વખતે બદલાવ જરૂરી છે.'

Tags :