Get The App

ગઢચિરોલીમાં પોલીસે ચાર નક્સલીને ઠાર કર્યા, વૉકી-ટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
ગઢચિરોલીમાં પોલીસે ચાર નક્સલીને ઠાર કર્યા, વૉકી-ટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત 1 - image


Naxalites Encounter : મહારાષ્ટ્ર-છત્તીસગઢ બોર્ડર સ્થિત ગઢચિરોલીમાં પોલીસ જવાનો અને નક્સલીઓ વચ્ચે આજે (23 મે) ભયાનક અથડામણ થયા બાદ ચાર નક્સલવાદીઓ ઠાર થયા છે. નક્સલીઓએ સીઆરપીએફના કમાન્ડો પર આડેધડ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન જવાનોએ વળતો જવાબ આપી ચારેય નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસની ટીમે ઘટનાસ્થળેથી વૉકીટોકી સહિત હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે. સુરક્ષા સત્તાધીશોને ગઢચિરોલીમાં નક્સલીઓ હોવાની ગુપ્ત માહિતી મળી હતી, ત્યારબાદ એડિશનલ એસપી રમેશ, 300 કમાન્ડોની 12C60 ટીમ અને સીઆરપીએફની ટીમ ત્યાં પહોંચી હતી અને ગુરુવારે (22 મે)એ કવાંડે અને નેલગુંડાથી ઈદ્રાવતી તરફ ભારે વરસાદ વચ્ચે સંયુક્ત અભિયાન શરૂ કર્યુ હતું.

નક્સલીઓનો કમાન્ડો પર આડેધડ ગોળીબાર

ગઢચિરોલી પોલીસે કહ્યું કે, ‘આજે (23 મે)ની સવારે નક્સલવાદીઓએ કમાન્ડો પર આડેધડ ગોળીબાર કર્યો હતો, તો કમાન્ડોએ પણ વળતો જવાબ આપી અસરકારક કાર્યવાહી કરી હતી. સામસામે લગભગ બે કલાક સુધી અથડામણ ચાલી હતી, જેમાં ચાર નક્સલીઓને ઠાર કરાયા છે. હાલ આખા વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. ઘટનાસ્થળેથી ચારેય નક્સલીઓના મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળ પરથી ઓટોમેટિક સેલ્ફ-લોડિંગ રાઈફલ, બે 303 રાઈફલ, એક ભારેભરખમ બંદૂક, વૉકી-ટૉકી, કેમ્પની સામગ્રી, નક્સલીઓના સાહિત્ય સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચો : આંધ્રપ્રદેશમાં કાર ચાલકને ઝોકું આવી જતા ટ્રક સાથે અથડાઈ, બે મહિલાઓ સહિત છ લોકોના કરૂણ મોત

ગઈકાલે સુકમા જિલ્લામાં થઈ હતી અથડામણ

આ પહેલા ગઈકાલે (22 મે) છત્તીસગઢના સુકમા જિલ્લામાં નક્સલ વિરોધી અભિયાન દરમિયાન CRPF અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સામે સામે થયેલા ગોળીબાર દરમિયાન સીઆરપીએફના એક જવાન શહીદ થયા છે અને બે જવાનો ઘાયલ થયા છે. આ દરમિયાન એક નક્સલીને પણ ઠાર કરવામાં આવ્યો છે. અથડામણમાં કોબરા કમાન્ડો શહીદ થયા છે. સુરક્ષાદળોએ એક નક્સલીને પણ ઠાર કર્યો છે.

નારાયણપુરામાં 27 નક્સલીઓ ઠાર

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (21 મે) છત્તસીગઢના નારાયણપુરમાં જવાનોએ મોટું અભિયાન પાર પાડી નક્સલીઓનો વડો બસવરાજૂ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા હતા. તમામ નક્સલીઓના મૃતદેહને હેલિકોપ્ટરથી લવાયા છે. છત્તીસગઢમાંથી નક્સલીઓનો સફાયો કરવા માટે સુરક્ષા દળના જવાનો જુદા જુદા વિસ્તારોમાં સર્ચ ઓપરેશન સહિતની કાર્યવાહી કરી રહ્યા છે.

આ પણ વાંચો : છત્તીસગઢ : સુકમામાં CRPF અને નક્સલીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ, એક નક્સલી ઠાર

Tags :