કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા

MP Crime: મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અંધશ્રદ્ધામાં વહી ગયેલા એક પુત્રએ પોતાની જ સગી માતાની નિર્મમ હત્યા કરી નાખી. પુત્રએ હત્યાનો ગુનો છુપાવવા માટે માતાના મૃતદેહને ખેતરમાં દાટી દીધો હતો, જેમાં તેને તેના કાકાના દીકરાએ મદદ કરી હતી. જોકે, આ ગુનો લાંબો સમય છૂપો ન રહેતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચોઃ 'ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે..', ભાજપના કદાવર નેતાએ મુંઝવણ દૂર કરી
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ ખૌફનાક ઘટના શહડોલ જિલ્લાના છત્તીસગઢ બોર્ડર પર સ્થિત ઝિકબિજુરી પોલીસ ચોકી વિસ્તારના કુટેલા ગામની છે. 25 વર્ષીય આરોપી સત્યેન્દ્ર સિંહે તેના કાકાના પુત્ર ઓમપ્રકાશ સાથે મળીને પોતાની માતા પ્રેમબાઈની કુહાડી અને ડંડા વડે ક્રૂરતાથી માર મારીને હત્યા કરી દીધી હતી. માતા પીડાથી તડપતી રહી ત્યારે આરોપીએ તેનું ગળું દબાવીને મોતની ખાતરી કરી હતી. હત્યા બાદ તેણે પિતરાઇ ભાઈ અને પરિવારના અન્ય સભ્યો ગુલાબ સિંહ, અમન સિંહ અને અમોદ સિંહની મદદથી માતાના મૃતદેહને ખેતરમાં દાટી દીધો. પોલીસે જ્યારે ખેતરમાંથી મૃતદેહને ખોદીને બહાર કાઢ્યો ત્યારે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. હાલ પોલીસે તમામ પાંચેય આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી છે.
કાળા જાદૂનો વહેમ બન્યો હત્યાનું કારણ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી સત્યેન્દ્ર તેના કાકાનું મૃત્યુ અને તેના બાળકોની બીમારીનું કારણ તેની માતાને માનતો હતો. કાળા જાદૂની શંકામાં તેણે પોતાના જ લોહીના સંબંધનો અંત લાવી દીધો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે માતા પોતાના જીવની ભીખ માંગી રહી હતી અને કહી રહી હતી કે 'બેટા મને મારીશ નહીં', ત્યારે પણ પુત્રએ ત્યાં સુધી માર મારવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી માતાના શ્વાસ થંભી ન ગયા.
અંધશ્રદ્ધાના ઊંડા મૂળ:
પોલીસે જણાવ્યું કે, આરોપી પુત્રએ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને ખેતરમાં દાટ્યો હતો. પોલીસે મૃતદેહ બહાર કઢાવી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

