ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

Indigo Travel Advisory: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ શનિવારે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ઇન્ડિગોએ માહિતી આપી કે એરપોર્ટ સંચાલક અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ટીમ પ્રાથમિકતાના ધોરણે સિસ્ટમને સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા અને સંચાલનને સ્થિર કરવા માટે કામ કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. કંપનીએ સ્વીકાર કર્યો કે ટેક્નિકલ ખામીને કારણે ઘણી ફ્લાઇટ લેઈટ તેમજ કેન્સલ થઈ રહી છે, તેમ છતાં આગામી થોડા કલાકોમાં પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે.
થોડા કલાકોમાં કામગીરી સામાન્ય થવાની આશા
ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરતા ઇન્ડીગોએ લખ્યું છે કે, એરપોર્ટ સંચાલકો અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની ટીમ સિસ્ટમને ફરીથી સંપૂર્ણપણે ચાલુ કરવા અને કામગીરીને સ્થિર કરવા માટે સૌથી પહેલા આ કામ કરી રહી છે. આશા છે કે આગામી થોડા કલાકોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. જોકે, આ સમય દરમિયાન, કેટલીક ફ્લાઇટના આવવા-જવાના સમયમાં ફેરફાર થઈ શકે છે.
અમારી ટીમ એરપોર્ટ પર હાજર છે અને મુસાફરોને નવા ટાઈમટેબલ, આગળના કનેક્શન અને રીઅલ-ટાઇમ માહિતી આપીને મદદ કરી રહી છે, જેથી જો રાહ જોવી પડે તો તે તમારા માટે વધુ સરળ બની શકે. જો તમે આજે મુસાફરી કરી રહ્યા હોય, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમારી ફ્લાઇટનું લેટેસ્ટ સ્ટેટસ અહીં: http://bit.ly/2EjJGGT પર જોતા રહો અને એરપોર્ટ પર પહોંચવા માટે થોડો વધુ સમય લઈને નીકળો.
અમે તમારા ધૈર્ય અને સહકારની ખરેખર પ્રશંસા કરીએ છીએ. અમે તમને પૂરો સહકાર આપવા અને તમારી મુસાફરી શક્ય તેટલી આરામદાયક અને સરળ રહે તેની ખાતરી કરવા માટે અહીં છીએ.'
આ પણ વાંચો: નોટબંધીના 9 વર્ષ પૂરાં, 1000 રૂપિયાની નોટ લોકો ભૂલ્યાં! 2000ની નોટ આવી અને જતી પણ રહી
સમસ્યાની શરૂઆત અને અસર
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમસ્યા શુક્રવારે રાતથી શરૂ થઈ, જ્યારે ઇન્ડિગોની બુકિંગ અને ચેક-ઇન સિસ્ટમમાં અચાનક ખામી આવી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને કોલકાતા જેવા મુખ્ય એરપોર્ટ પર મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. સોશિયલ મીડિયા પર ઘણા મુસાફરોએ ફરિયાદ કરી કે ફ્લાઇટ સ્ટેટસ અપડેટ થઈ રહ્યું નથી અને કાઉન્ટર પર લાંબી લાઈન લાગી છે.

