Get The App

સ્વચ્છ શહેરમાં ‘પ્રદૂષિત પાણી’ પીતા 7 લોકોના મોત, મંત્રીએ કહ્યું, ‘અધિકારીઓની બેદરકારી, કાર્યવાહી કરાશે’

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
સ્વચ્છ શહેરમાં ‘પ્રદૂષિત પાણી’ પીતા 7 લોકોના મોત, મંત્રીએ કહ્યું, ‘અધિકારીઓની બેદરકારી, કાર્યવાહી કરાશે’ 1 - image


Toxic Water in Indore : દેશના સૌથી સ્વચ્છ શહેર ઈન્દોરમાં દૂષિત પાણીએ હાહાકાર મચાવ્યો છે. શહેરના ભગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાને કારણે ગંભીર બીમારીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. આ મામલે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે તપાસના આદેશ આપી વળતરની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં જઈને અસરગ્રસ્તોની મુલાકાત પણ લીધી છે. જ્યારે મંત્રી કૈલાશ વિજયવર્ગીએ કહ્યું છે કે, અધિકારીઓની બેદરકારીના કારણે લોકોના મોત થયા છે. વહીવટીતંત્રે એક સપ્તાહમાં અત્યાર સુધીમાં સાત વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી છે, જ્યારે 100થી વધુ લોકોને ગંભીર હાલતમાં હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે : મંત્રી વિજયવર્ગી

ઈન્દોર-1નું ભગીરથપુરા શહેરી વિકાસ અને આવાસ મંત્રી વિજયવર્ગીના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. તેમણે કહ્યું છે કે, ‘પ્રદૂષિત પાણી મામલે કોઈ ભૂલ થઈ છે, જોકે આપણે તેના પર ચર્ચા કરવાના બદલે પહેલા સુનિશ્ચિત કરવું જોઈએ કે, તમામ દર્દીઓ સાજા થઈ જાય અને એક સકારાત્મક માહોલ ઉભો થાય. આ મામલે જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, ભલે તે ઊંચા પદ પરનો અધિકારી હોય.’

ભગીરથપુરામાં એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ તહેનાત

વિજયવર્ગીએ મોતના આંકડા મામલે કહ્યું છે કે, ‘આમાં કેટલાક લોકોનું મોત સ્વાભિવક રીતે થયું છે, જ્યારે કેટલાકનું પ્રદૂષિત પાણી પીવાથી મોત થયું છે. તેથી ડૉક્ટરો અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ આંકડા જાહેર કરીશું. ભાગીરથપુરામાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, જોકે હોસ્પિટલો અને આરોગ્ય તંત્રમાં દર્દીઓ હજુ આવી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં ચાર એમ્બ્યુલન્સ અને મેડિકલ કર્મચારીઓની જુદી જુદી ટીમો તહેનાત કરવામાં આવી છે.’

અનેક ફરિયાદો થયા બાદ મામલો સામે આવ્યો

ઉલ્લેખનિય છે કે, ઈન્દોરના ભગીરથપુરા વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો ઊભી થઈ હતી. આ પાણી પીવાથી અચાનક મોટી સંખ્યામાં લોકોને ઉલટી અને દસ્તની અસર થવા લાગી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 70 વર્ષીય નંદલાલ પાલ, 60 વર્ષીય ઉર્મિલા યાદવ અને 65 વર્ષીય તારા કોરીનું દૂષિત પાણી પીવાને કારણે મૃત્યુ થયા છે. જો કે, સ્થાનિકોનો દાવો છે કે વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલમાં 111 દર્દીઓ વિવિધ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આરોગ્ય વિભાગ દ્વારા 12,000 લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો : બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું બે વખત સફળ પરીક્ષણ

બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ

મુખ્યમંત્રી મોહન યાદવના કડક નિર્દેશ બાદ નગર નિગમના જવાબદાર અધિકારીઓ સામે ગાજ પડી છે. એક ઝોનલ ઑફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક સબ-એન્જિનિયરની સેવાઓ સમાપ્ત કરી દેવામાં આવી છે. સમગ્ર કૌભાંડની તપાસ માટે IAS અધિકારીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવી છે.

સરકાર દ્વારા સહાયની જાહેરાત

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઈન્દોર કલેક્ટર અને મહાનગરપાલિકાને દરેક દર્દીને ઉત્તમ સારવાર પૂરી પાડવા અને પાણીની લાઇનોમાં થયેલા ભંગાણ અથવા પ્રદૂષણના સ્ત્રોતને તાત્કાલિક શોધવા આદેશ આપ્યા છે.

પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળ્યું હોવાની આશંકા

ભગીરથપુરાના રહેવાસીઓ મુજબ, નર્મદાનું પાણી પૂરું પાડતી પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળ્યું હોવાની આશંકા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કે સ્વચ્છતામાં નંબર 1 ગણાતા શહેરમાં પીવાના પાણીની સુરક્ષા બાબતે આટલી મોટી લાપરવાહી કેવી રીતે થઈ શકે.

આ પણ વાંચો : રણની વચ્ચે 500 વર્ષ જૂનો ખજાનો, સોના ભરેલું જહાજ દરિયામાંથી અહીં કેવી રીતે પહોંચ્યું?