For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઓમ બિરલાએ સંસદીય સમિતિના ૧૦૦ વર્ષની ઉજવણીમાં પાક. સ્પીકરને આમંત્રણ આપ્યું

પાકિસ્તાન આતંકવાદ ફેલાવે છે ને જવાનો શહીદ થઈ રહ્યા છે ત્યારે

ઈમરાનના શપથ સમારોહમાં ગયેલા સિદ્ધુનો ભાજપે વિરોધ કર્યો હતો : પાકિસ્તાનના સ્પીકરને આમંત્રણ આપવાનો નિર્ણય નિંદનીય

Updated: Oct 11th, 2021


Article Content Image
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પાકિસ્તાનની સંસદના સ્પીકર સાજિક સંજરાનીને ભારતમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. એક તરફ પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી કરીને આતંકવાદીઓ ભારતીય જવાનોનો જીવ લે છે, ને બીજી તરફ ભારતના સ્પીકરે પાકિસ્તાનના સ્પીકરને આમંત્રણ તે બાબતે લોકોએ સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આગામી ૪થી ડિસેમ્બરે સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટીના ૧૦૦ વર્ષ થઈ રહ્યા છે. અખંડ ભારતમાં બ્રિટિશ શાસન વખતે આ કમિટીની રચના થઈ હતી. ૧૯૨૧ની ચોથી ડિસેમ્બરે પબ્લિક એકાઉન્ટ કમિટીની શરૃઆત થઈ હતી. સંસદની પ્રણાલી, સંસદના સિદ્ધાંતો, સંસદ લોકોની ઈચ્છા પ્રમાણે કાર્યરત છે કે કેમ એ બધી બાબતો આ કમિટીની દેખરેખમાં આવે છે. ટૂંકમાં, લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આ સંસદીય સમિતિનું કાર્ય ખૂબ જ મહત્વનું હોય છે.
એ કમિટી બની તેના ૧૦૦ વર્ષની ઉજવણી આગામી ૪-૫ ડિસેમ્બરે થશે. એમાં સામેલ થવા માટે સ્પીકર ઓમ બિરલાએ પાકિસ્તાન સેનેટના સ્પીકર સાદિક સંજરાનીને આમંત્રણ આપ્યું છે. અખંડ ભારત વખતે બંને દેશો માટે આ સમિતિ મહત્વની હોવાથી એ સંદર્ભમાં ઓમ બિરલાએ પાક. સ્પીકરને આમંત્રણ પાઠવ્યું છે, પરંતુ તેના કારણે વિવાદ સર્જાયો છે.
આ કાર્યક્રમનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. કાર્યક્રમમાં પાકિસ્તાનના સ્પીકરને બોલાવવા બાબતે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ પાકિસ્તાનના ઘૂસણખોર આતંકવાદીઓ ભારતના જવાનોનો જીવ લઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાનને આવું સન્માન આપવાનો કોઈ અર્થ નથી. પાકિસ્તાનમાં તો લોકશાહી જેવું કંઈ છે જ નહીં. વારંવાર લશ્કરી શાસન આવી જાય છે. દાયકાઓ સુધી લશ્કરી શાસનમાં રહેનારા દેશના સ્પીકરને લોકશાહીની રખેવાળ સંસદીય સમિતિની સ્થાપનાની ઉજવણીમાં બોલાવવાનું બિલકુલ અયોગ્ય છે. જે દેશમાં લોકશાહી નામની જ છે, તેના સ્પીકરને લાલ જાજમ બિછાવવું કેટલું યોગ્ય છે?એવો સવાલ પણ લોકોને થઈ રહ્યો છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથ સમારોહમાં ભાગ લેવા ગયેલા કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુની એ મુદ્દે ઝાટકણી કાઢનારા ભાજપના ટોચના નેતાઓએ સ્પીકર ઓમ બિરલાના નિર્ણય બાબતે ભેદી મૌન સેવ્યું છે.

Gujarat