For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'એક રિવોલ્વર, એક બંદૂક, 12 કિલો ચાંદી..' ભાજપના દિગ્ગજ નેતા અને સંરક્ષણ મંત્રી પાસે છે જંગી સંપત્તિ

Updated: Apr 30th, 2024

'એક રિવોલ્વર, એક બંદૂક, 12 કિલો ચાંદી..' ભાજપના દિગ્ગજ નેતા અને સંરક્ષણ મંત્રી પાસે છે જંગી સંપત્તિ

Lok Sabha Elections 2024: કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ સોમવારે (29મી એપ્રિલ) ઉત્તર પ્રદેશની લખનઉ (Lucknow) લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.  આ દરમિયાન તેમણે એફિડેવિટમાં પોતાની સંપત્તિ દર્શાવી છે. આ એફિડેવિટ અનુસાર, લખનઉ બેઠકથી ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ પાસે પાંચ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. 

રાજનાથ સિંહના બેન્ક ખાતામાં કેટલા રૂપિયા છે? 

72 વર્ષીય રાજનાથ સિંહે 29મી એપ્રિલે ઉમેદવારી પત્ર ભર્યું  હતું. આ સાથે તેમણે એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, તેમની પાસે 75,000 રૂપિયાની રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 45,000 રૂપિયાની રોકડ છે. તેમના બેન્ક ખાતાની વાત કરીએ તો લખનઉ અને દિલ્હીમાં રાજનાથ સિંહના અલગ-અલગ બેન્ક ખાતાઓમાં કુલ 3,11,32,962 રૂપિયા જમા છે. આ ઉપરાંત તેમની પત્નીના બેન્ક ખાતામાં 90,71,074 રૂપિયા જમા છે.

કેન્દ્રીય મંત્રીએ શેર કે બોન્ડમાં રોકાણ કર્યું નથી

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કોઈ શેર કે બોન્ડમાં કોઈ પૈસાનું રોકાણ કર્યું નથી અને ન તો કોઈ બચત યોજનામાં કોઈ રોકાણ કર્યું છે. જો કે, તેમની પત્નીએ પોસ્ટ ઓફિસના ખાતામાં 6.51 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. રાજનાથ સિંહ પાસે 60 ગ્રામ સોનું છે, જેની કિંમત 4.20 લાખ રૂપિયા કહેવાય છે, જ્યારે તેમની પાસે 4 લાખ રૂપિયાની કિંમતના ડાયમંડ પણ છે. તેમની પત્ની પાસે 750 ગ્રામ સોનાના દાગીના છે, જેની કિંમત 52,50,000 રૂપિયા છે, જ્યારે તેમની પાસે 12.5 કિલો ચાંદી પણ છે, જેની કિંમત 9,37,500 રૂપિયા છે.

32 બોરની રિવોલ્વર અને એક બંદૂક

રાજનાથ સિંહની સંપત્તિમાં હથિયારોનો પણ સમાવેશ થાય છે. એફિડેવિટ અનુસાર, તેમની પાસે 32 બોરની રિવોલ્વર છે જેની કિંમત 10,000 રૂપિયા હોવાનું કહેવાય છે. જ્યારે એક બંદૂક પણ છે, જેની કિંમત પણ 10,000 રૂપિયા છે. સ્થાવર સંપત્તિની વાત કરીએ તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નામે 1.47 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે, જ્યારે લખનઉમાં એક ઘર તેમના નામે છે જેની કિંમત 1.87 લાખ રૂપિયાથી વધુ છે. શિક્ષણની વાત કરીએ તો રાજનાથ સિંહે વર્ષ 1971માં ગોરખપુર યુનિવર્સિટીમાંથી એમએસસી કર્યું છે. નવાઈની વાત એ છે કે, કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં રાજનાથ સિંહના નામે એક પણ કાર નથી.

Article Content Image


Gujarat