Get The App

'મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ...' રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખાયો

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
'મોડી રાત સુધી દારુની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ...' રાજસ્થાનમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોમાં સંપ દેખાયો 1 - image


Rajasthan News: રાજસ્થાનમાં દારૂની દુકાનો રાત્રે 8 વાગ્યે બંધ ન થાય અને 10-11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવે તે માટે 8 ભાજપ ધારાસભ્યોએ સરકાર પાસે માંગ કરી છે. રસપ્રદ વાત એ છે કે, કોંગ્રેસના પણ અમુક ધારાસભ્યોએ આવી જ માંગ કરી છે. વિધાનસભામાં ભાજપના ચીફ વ્હિપ જોગેશ્વર ગર્ગ સહિત ભાજપના 8 ધારાસભ્યો, કોંગ્રેસના 2 હાલના ધારાસભ્ય અને એક પૂર્વ ધારાસભ્ય દ્વારા આવી માંગ કરવામાં આવી છે. અમુક લોકો ઇચ્છે છે કે, દારૂની દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહે, તો અમુક ઇચ્છે છે કે, તેને 11 વાગ્યા સુધીની મંજૂરી મળવી જોઈએ. નોંધનીય છે કે, હાલ રાજસ્થાનમાં દારૂની દુકાન સવારે 10 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી જ ખુલ્લી રહે છે. 

આ પણ વાંચોઃ દિવાળી પહેલા જ IRCTCની વેબસાઇટ અને એપ ઠપ! લાખો રેલવે મુસાફરો હેરાન-પરેશાન

મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ભાજપે જે ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પત્ર લખ્યો છે, તેમાં અર્જુન લાલ જિંગર, રાધેશ્યામ બૈરવા, પુષ્પેન્દ્ર સિંહ, શોભા ચૌહાણ, હમીર સિંહ ભયાલ, સામારામ ગરાસિયા, ગોવિંદ્ર પ્રસાદ સામેલ છે. વળી, કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ ગુર્જર અને દીન દયાલ બૈરવા પણ આવું જ ઇચ્છે છે. પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય હગામી લાલ મેવાડાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ વિશે અપીલ કરી છે.

આ પણ વાંચોઃ 'હું મળું કે ના મળું... પરિવારને ન્યાય તો આપો...' હરિઓમ વાલ્મિકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન

10 વાગ્યા સુધી દારૂની દુકાન ખુલ્લી રાખવાની માંગી મંજૂરી 

મળતી માહિતી મુજબ, જોગેશ્વર ગર્ગે પત્રમાં લખ્યું કે, 'દારૂની દુકાનો રાત્રે 8 વાગ્યે બંધ થઈ જાય છે. જ્યારે લોકો ઑફિસ અને દુકાનમાંથી કામ પતાવીને નીકળે છે, ત્યાં સુધીમાં તો દુકાનો બંધ થઈ જાય છે. તેથી, આ સમય દરમિયાન દુકાનની બહાર ભારે ભીડ થાય છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય છે. જે લોકો રાત્રે 8 વાગ્યા સુધીમાં દારૂ નથી ખરીદી શકતા, તે ગેરકાયદે, ભેળસેળવાળું અથવા ખરાબ ગુણવત્તાનું દારૂ ખરીદે છે. તેઓ ડ્રગ્સ વગેરેની લતમાં પણ ફસાઈ જાય છે, જે ખતરનાક છે. આ કારણોસર દારૂની દુકાનોને પણ નુકસાન થાય છે અને રાજ્ય સરકારને પણ આવક નથી મળતી. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ દારૂની દુકાન રાત્રે 11:30 અથવા 12 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. તેથી રાજસ્થાનમાં પણ તેને 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી મળવી જોઈએ.'


Tags :