India

'અર્નબ' વાવાઝોડાનું લેન્ડફોલ : 10 જિલ્લામાં શાળાઓ બંધ, 22 રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અર્નબ' ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું છે. 75 કિમી/કલાકની ઝડપે પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો. ઓડિશામાં 5000 લોકોને સ્થળાંતર કરાયા, શાળાઓ બંધ કરાઈ. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'અર્નબ' વાવાઝોડાનું લેન્ડફોલ : 10 જિલ્લામાં શાળાઓ બંધ, 22 રાજ્યોમાં અતિ ભારે વરસાદની આગાહી

India Weather Updates : બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન 'અર્નબ' મોડી રાત્રે 11 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ત્રાટક્યું (લેન્ડફોલ થયું) છે. આ તોફાનના કારણે બંને રાજ્યોના તટીય વિસ્તારોમાં 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાથે ભીષણ મુસળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. વાવાઝોડાના પગલે ઓડિશા અને આંધ્રમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યારે હવામાન વિભાગે દિલ્હી-એનસીઆર સહિત દેશના 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કર્યું છે.

દેશના 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ ચક્રવાતી સિસ્ટમની વ્યાપક અસરને કારણે શુક્રવારે દેશના 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદ પડશે. ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારેથી અતિભારે વરસાદનું જોખમ છે. દિલ્હી-એનસીઆર, કર્ણાટક, પૂર્વોત્તર રાજ્યો, અંદમાન-નિકોબાર અને કેરળમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ઓડિશામાં ભારે તબાહી અને સ્થાનાંતરણ
ચક્રવાત 'અર્નબ'ના આગમન સાથે જ દક્ષિણ ઓડિશાના 10 જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને આશરે 5000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મલકાનગિરીમાં ચાર મહત્વપૂર્ણ પુલ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને નેશનલ હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત, ભદ્રક અને ચિલિકા સરોવર વિસ્તારમાં તીવ્ર પવનના કારણે માછીમારોની ૧૦ થી વધુ બોટો ડૂબી ગઈ છે અને અનેક નાવોને ભારે નુકસાન પહોંચ્યું છે.

વિવિધ જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે ઓડિશાના નબરંગપુર જિલ્લા માટે 'રેડ એલર્ટ' જારી કર્યું છે, જ્યાં ૨૦ સેન્ટીમીટર કરતાં વધુ અતિભારે વરસાદ પડવાની આશંકા છે. આ સિવાય બરગઢ, નુઆપાડા, બલાંગીર, કાલાહાંડી, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.

આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ પર અસર
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં 75 કિમી/કલાકની ઝડપે ફુંકાયેલા પવનોએ ભારે ખાનાખરાબી સર્જી છે. વિજયવાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે અને માછીમારોને સમુદ્રમાં ન જવાની સખત સૂચના અપાઈ છે. પશ્ચિમ બંગાળ, દાર્જિલિંગ અને કાલિમ્પચોંગના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.