India

જમીનના દસ્તાવેજો નાગરિકતાનો પુરાવો નથી, ઘૂસણખોરીના કેસમાં કોલકાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
કોલકાતા હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે જમીનના દસ્તાવેજો ભારતીય નાગરિકતાનો પુરાવો નથી. પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાના આરોપમાં અટકાયત કરાયેલા નાસિર મોલ્લાહના કેસમાં કોર્ટે આ ટિપ્પણી કરી. કોર્ટે જણાવ્યું કે વિદેશી નાગરિક પણ ભારતમાં સંપત્તિ ખરીદી શકે છે. નાગરિકતા સાબિત કરવા 20 જુલાઈ સુધી નક્કર દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ અપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જમીનના દસ્તાવેજો નાગરિકતાનો પુરાવો નથી, ઘૂસણખોરીના કેસમાં કોલકાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Calcutta High Court : કોલકાતા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન મોટી ટિપ્પણી કરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જમીનના રેકોર્ડ કે દસ્તાવેજોને ભારતીય નાગરિકતાનો પુરાવો માની શકાય નહીં. પશ્ચિમ બંગાળમાં જૂન મહિનામાં બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાના આરોપમાં અટકાયત કરાયેલા નાસિર મોલ્લાહ નામના વ્યક્તિના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. હાલમાં તે ડિટેન્શન સેન્ટરમાં છે. સુનાવણી દરમિયાન આરોપીના વકીલે દાવો કર્યો હતો કે તે ભારતીય નાગરિક છે. જ્યારે રાજ્ય સરકારે જણાવ્યું કે સંબંધિત વ્યક્તિએ પોતે વિદેશી નાગરિક હોવાનું સ્વીકાર્યું છે.

જમીનના કાગળો પર કોર્ટનું કડક વલણ

જ્યારે કોર્ટે નાસિર ભારતીય નાગરિક છે તે સાબિત કરતા કાગળો માંગ્યા, ત્યારે વકીલે જમીનના દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેના પર કોર્ટે બે પાનાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે, 'કોઈ વિદેશી નાગરિક ભારતમાં સંપત્તિ ખરીદી શકે છે. કેવળ એ આધારે કે વિદેશી નાગરિકે ભારતમાં અચલ સંપત્તિ ખરીદી છે, એવું ન માની શકાય કે તે ભારતીય નાગરિક છે.' હાઈકોર્ટે ભારતીય નાગરિકતા સાબિત કરતા નક્કર દસ્તાવેજો રજૂ કરવા માટે આગામી 20 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

માત્ર પાસપોર્ટ પણ નાગરિકતાનો આખરી પુરાવો નથી

આ દરમિયાન તાજેતરમાં કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટતા કરી હતી કે પાસપોર્ટને ભારતીય નાગરિકતાનો અંતિમ અને પાકો પુરાવો ન ગણી શકાય. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, કાયદો અમુક પરિસ્થિતિઓમાં બિન-નાગરિકોને પણ પાસપોર્ટ જાહેર કરવાની મંજૂરી આપે છે. આ બાબતે વર્ષ 2013 ના બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેમાં કહેવાયું હતું કે માત્ર પાસપોર્ટ હોવો એ ભારતીય નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નથી.

પશ્ચિમ બંગાળમાં NRC મુદ્દે રાજકારણ ગરમાયું

આ કાનૂની વિવાદ વચ્ચે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) ને લઈને રાજકીય નિવેદનબાજી તેજ થઈ છે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં અસમની જેમ NRC લાગુ કરવાના સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે આગામી સમયમાં જમીન અતિક્રમણ અને જબરન ધર્માંતરણ જેવા મુદ્દાઓ સામે કડક કાયદો લાવવામાં આવશે તેમજ યુનિફોર્મ સિવિલ કોડ (UCC) પણ લાગુ કરાશે.