દીપથૂન સ્તંભ પર દીપ પ્રાગટય કરવો જ પડશે : સુપ્રીમે તમિલનાડુ સરકારને ઝાટકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રાજ્ય સરકારે ઇરાદાપૂર્વક કોર્ટની અવમાનના કરી : સુપ્રીમ
- મંદિરનું ટ્રસ્ટ સ્થગિત, બે પૂર્વ જજોને જવાબદારી સોંપાઇ, આજે દીપ પ્રાગટય કરવા રાજ્ય સરકારને ટકોર
નવી દિલ્હી : તમિલનાડુમાં એક દરગાહ પાસે આવેલા હિન્દુઓના ધાર્મિક સ્થળે તહેવાર સમયે દીપ પ્રાગટય ના કરાતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને શનિવાર સુધીમાં દિપ પ્રાગટય કરવાનો આદેશ પણ કર્યો હતો. દીપ પ્રાગટયનો સુપ્રીમનો આદેશ છતા તેનો અમલ ના થતા રાજ્ય સરકારને કોર્ટની અવમાનના બદલ ફટકાર પણ લગાવી હતી. સાથે જ રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી અને કલેક્ટરને અવમાનનાની નોટિસ પણ પાઠવી છે.
આ સમગ્ર મામલો તમિલનાડુના મદુરાઇમાં તિરુપરંકુંદ્રમ પહાડી પર સ્થિત દીપથૂન સ્તંભ પર દીપ પ્રાગટય સાથે સંકળાયેલો છે. હિન્દુ સંગઠનો દ્વારા આ જગ્યાએ દીપ પ્રાગટયની માગ કરતી અરજી મદ્રાસ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી, જેને મંજૂર રાખતા સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. મંદિર પ્રશાસન અને રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશનો વિરોધ કર્યો હતો. જોકે સુપ્રીમે આદેશને માન્ય રાખ્યો હતો અને દીપ પ્રાગટયના તહેવાર સમયે આ સ્તંભ પર દીપ પ્રાગટય કરવા કહ્યું હતું. આદેશનું પાલન ના થતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. સાથે જ નિવૃત્ત જજો એસ. વૈદ્યનાથન, વી. પાર્થીબનની કમિટી રચીને મંદિરની જવાબદારી સોંપી હતી.
જ્યારે રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે આદેશ મુજબ ટીમની રચના કરાઇ હતી જેને દીપ પ્રાગટયની જવાબદારી સોંપવામાં આવી હતી, જોકે મંદિર પ્રશાસને ટીમને મંજૂરી નહોતી આપી. આ દલીલોને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. સુપ્રીમે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટીએ આ મામલો રાજ્ય સરકાર દ્વારા કોર્ટની અવમાનનાનો લાગી રહ્યો છે, ઇરાદાપૂર્વક અમારા આદેશનો અમલ કરવામાં નથી આવ્યો. આદેશનું પાલન કરવું ફરજિયાત છે, આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ વિવાદમાં સંકળાયેલા અરુલમિગુ સુબ્રમણ્યસ્વામી મંદિરના ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને સ્તંભ પર દીપ પ્રાગટય કરવા રાજ્ય સરકારના અધિકારીઓને આદેશ આપ્યો હતો. અરજદારો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઇએ રાજ્ય સરકારના પગલાને અવમાનના ગણાવી હતી. સુપ્રીમે હાલ આ મામલે રાજ્યના મુખ્ય સચિવને રૂબરૂમાં હાજર થવા માટે આદેશ કર્યો હતો. સાથે જ સીઆરપીએફને સુરક્ષા વ્યવસ્થા જાળવવા આદેશ કર્યો હતો.




