VIDEO: મુંબઈના કોસ્ટલ રોડ પર લેમ્બોર્ગિનીના ફૂરચા ઊડ્યાં, માંડ-માંડ બચ્યો ડ્રાઈવર
Mumbai Lamborghini Accident: મુંબઈના કોસ્ટલ રોડ પર 21 સપ્ટેમ્બરની સવારે એક પૂર ઝડપે દોડતી લેમ્બોર્ગિની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 52 વર્ષીય કાર ચાલક અતીશ શાહ બચી ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહ કાર લઈને કોલાબા તરફ જઈ રહ્યા હતા, ત્યારે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ દુર્ઘટના બની હતી. આ ઘટનામાં કારના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ કારને ટોઈંગ કરીને ત્યાંથી ખસેડવામાં આવી હતી.
મુંબઈ પોલીસે જણાવ્યું કે, વરસાદને કારણે રસ્તો ભીનો હતો, જેના કારણે કાર લપસીને ડિવાઈડર સાથે અથડાઈ હતી. વર્લી પોલીસે આતિશ શાહ સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ કેસ દાખલ કર્યો છે. આ સાથે ક્ષેત્રીય પરિવહન કાર્યાલય (RTO) ને કોઈપણ ટેકનિકલ ખામીની પુષ્ટિ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કરીને કારનું ટેકનિકલ ખરાબીની પુષ્ટિ કરી શકાય.
આ પણ વાંચો: એર ઇન્ડિયા એક્સપ્રેસની વારાણસી ફ્લાઇટના કોકપિટમાં ઘૂસી જવાનો પ્રયાસ, 9ની અટકાયત
વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો
આ દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે રેમન્ડ લિમિટેડના ચેરમેન અને એમડી ગૌતમ સિંઘાનિયા, જેમને કારનો શોખ છે. તેમણે પણ X પર વીડિયો શેર કરીને લખ્યું, 'બીજા દિવસે, બીજો લેમ્બોર્ગિની કારનો અકસ્માત. શું આ કારમાં ટ્રેક્શનનો અભાવ છે? ક્યારેક તેમાં આગ લાગે છે, ક્યારેક તે પકડ ગુમાવી દે છે... લેમ્બોર્ગિનીની સાથે આ શું થઈ રહ્યું છે?' આ ટિપ્પણી બાદ મોંઘી અને હાઈ- પાવર્ડ કારોની સુરક્ષા અંગે ફરી ચર્ચાઓએ જોર પકડ્યું છે.