હવે હાથમાં નહીં આવે લલિત મોદી? 3 લાખની વસતી ધરાવતા ટચૂકડા દેશની અપનાવી નાગરિકતા
Lalit Modi Surrender Indian Citizenship: ઈન્ડિય પ્રીમિયર લીગ (IPL) ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવાની અરજી કરી છે. હકીકતમાં લલિત મોદીને વનુઆતની નાગરિકતા મળી ગઈ છે. લલિત મોદી મની લોન્ડ્રિંગ અને વિદેશી મુદ્રા કાયદાનું ઉલ્લંઘન કરવાને લઈને ભારતનો આરોપી છે. ભારતીય એજન્સીઓથી બચવા માટે તે 2010માં જ ભારત છોડીને ભાગી ગયો હતો. હવે અન્ય દેશની નાગરિકતા મળી ગયા બાદ લલિત મોદીને ભારત પરત લાવવું વધારે અઘરૂ થઈ ગયું છે. જે દેશની નાગરિકતા મળવાનો દાવો કરવામાં આવ્યો છે, તે એક ખૂબ જ નાનકડો દેશ છે, જે પ્રશાંત મહાસાગરના એક દ્વીપમાં ફેલાયેલો છે અને પ્રત્યાર્પણ સંધિના મામલે આ દેશ પહેલાંથી જ કુખ્યાત છે.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, 'લલિત મોદીએ લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં પોતાનો પાસપોર્ટ જમા કરવા માટે અરજી કરી છે. કાયદા અનુસાર, શક્ય દરેક રીતે અમે તેમની સામે કાર્યવાહી કરીશું. લલિત મોદી પર 2009માં IPL માટે 425 કરોડની ટીવી કરાર કરવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તે સમયે આ કરાર વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપ સાથે કરવામાં આવ્યો હતો.'
કોણ છે લલિત મોદી?
લલિત મોદી પર 2009માં IPL માટે 425 કરોડની ટીવી કરાર કરવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. તે સમયે આ કરાર વર્લ્ડ સ્પોર્ટ્સ ગ્રુપ સાથે કરવામાં આવ્યો હતો. લલિત મોદી લાંબા સમયથી લંડનમાં જ રહે છે. જે પ્રકારે મેહુલ ચોકસીએ એંટીગુઆની નાગરિકતા લઈ લીધી હતી, લલિત મોદીએ પણ તે જ પ્રકારે ભારતીય એજન્સીઓથી બચવા ઉપાય અજમાવ્યો છે. આંતરરાષ્ટ્રીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લલિત મોદીને 30 ડિસેમ્બર, 2024ના દિવસે જ વનુઆતની નાગરિકતા મળી ગઈ હતી.
IPLના ટીવી કરારના ઉલ્લંખન મામલે આ મામલે એજન્સીઓ લલિત મોદીની ફક્ત એક જ વાર પૂછપરછ કરી શકી હતી. બાદમાં તે દેશ છોડીને જતો રહ્યો અને ત્યારથી યુકેમાં રહે છે. લલિત મોદીને જ ભારતમાં IPL શરૂ કરવાનો ક્રેડિટ આપવામાં આવે છે. 2008 માં તેણે IPL ની સમગ્ર ભૂમિકા નક્કી કરી હતી. આજે IPL નું ફોર્મેટ વિશ્વના અનેક દેશમાં પસંદ કરવામાં આવી રહ્યું છે. 2009માં ભારતમાં ચૂંટણીના કારણે IPL દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવી હતી. IPL 2010 બાદ BCCI એ લલિત મોદીને સસ્પેન્ડ કરી દીધા હતાં. પુણે અને કોચ્ચીના ફ્રેન્ચાઇઝી કરાર મામલે ગડબડ કરવાના આરોપમાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. BCCI એ લલિત મોદી સામે કાર્યવાહી કરાવી હતી અને ગુનેગાર સાબિત થતાં 2013માં તેની ઉપર આજીવન પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, લલિત મોદીએ અનેકવાર ઈન્ટરવ્યુમાં પોતાને નિર્દોષ જણાવ્યું છે. 2013માં લલિત મોદી સામે મુંબઈની એક સ્પેશિયલ કોર્ટમાં બિનજામીનપાત્ર વોરંટ રજૂ કરવામાં આવ્યું હતું.
કેવી રીતે મેળવી નાગરિકતા?
લલિત મોદી હવે જે દેશનો નાગરિક છે, તે દેશ પ્રશાંત મહાસાગરમાં આશરે 80 નાના-નાના દ્વીપોને મળીને બનેલો દેશ છે. આ દેશની વસતી આશરે 3 લાખ છે. 1980માં આ દેશ ફ્રાન્સ અને બ્રિટનથી સ્વતંત્ર થયો હતો. વનુઆત ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ નાગરિકતા આપે છે. અહીં એક અરજી પર આશરે 1.3 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે. એવામાં વનુઆતની નાગરિકતા મેળવવી ખૂબ જ સરળ છે.