Get The App

ક્રિકેટ બેટથી લઈને સેનેટરી પેડ અને જઠરથી લઈને જનનાંગોમાં સોનું છુપાવીને તસ્કરી કરતાં ઉસ્તાદો

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
ક્રિકેટ બેટથી લઈને સેનેટરી પેડ અને જઠરથી લઈને જનનાંગોમાં સોનું છુપાવીને તસ્કરી કરતાં ઉસ્તાદો 1 - image


Ranya Rao Case : બેલ્ટના બકલ અને જૂતાંના સોલ જૂના થયા, તસ્કરો સોનાના સ્મગલિંગ માટે અવનવા તિકડમો અજમાવે છે, ક્રિકેટ બેટથી લઈને સેનેટરી પેડ અને જઠરથી લઈને જનનાંગોમાં સોનું છુપાવીને દાણચોરી કરાય છે.

ભારતીયોનું સોના પ્રત્યેનું આકર્ષણ જગજાહેર છે. ચીન પછી ભારત દુનિયાનો બીજા નંબરનો સુવર્ણ-વપરાશકાર દેશ છે. વર્ષ 2023માં ભારતમાં સોનાનું વેચાણ 761 ટન હતું, જે 2024માં વધીને 800 ટન થઈ ગયું હતું. ભારતમાં સોનાની પુષ્કળ માંગ હોવાથી અને આયાતી સોના પર ભારે ટેક્સ ચૂકવવો પડતો હોવાથી સોનાની તસ્કરીનો ગેરકાનૂની ધંધો ખૂબ ફૂલ્યોફાલ્યો છે, અને એનું તાજું ઉદાહરણ છે કન્નડ અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ. કર્ણાટકના વરિષ્ઠ પોલીસ ઑફિસરની દીકરી એવી રાન્યા દુબઈથી સોનાની તસ્કરી કરીને આવી હતી ત્યારે બેંગલોર ઍરપોર્ટ પર પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. અહેવાલ છે કે રાન્યાએ પોતાના સાથળ અને શરીરના અન્ય ભાગો પર સેલો ટેપથી સોનાના બિસ્કિટો ચોંટાડ્યા હતા, જેનું કુલ વજન 14.8 કિલો થાય છે અને બજારમૂલ્ય 12 કરોડ રૂપિયાથી વધારે! આ તો હજુ કંઈ જ નથી, ગેરકાયદેસર સોનું લાવનાર એવા-એવા તિકડમો લગાવતા હોય છે કે જાણીને ચોંકી જવાય.  

બેલ્ટના બકલો અને જૂતાના સોલમાં સોનું છુપાવવાની તરકીબો તો આપણે ફિલ્મોમાં પણ બહુ જોઈ છે. તસ્કરો હવે સોનાના સ્મગલિંગ માટે અવનવા રસ્તા અપનાવવા લાગ્યા છે. કેટલાક ઉસ્તાદો લાકડાંના ક્રિકેટ બેટની અંદર સોનું છુપાવીને લઈ આવે છે. બહારથી નકરું બેટ જ દેખાય પણ એની અંદર સોનું છુપાવેલું હોય છે. 

અન્ડરગાર્મેન્ટ્સમાં સોનું છુપાવીને લાવનારા તસ્કરો પણ છે અને એનાથી એક કદમ આગળ વધીને જનનાંગોમાં સોનું છુપાવતા લોકો પણ પકડાયા છે. ડિસેમ્બર, 2023માં વારાણસીનો એક યુવાન 884 ગ્રામ સોનાની કેપ્સુલ બનાવીને એને પોતાના ગુદામાર્ગમાં છુપાવીને લાવ્યો હતો. તસ્કરો તો ઠીક એરલાઇનનો સ્ટાફ પણ સોનાની તસ્કરી કરતાં ઝડપાતો હોય છે. મે, 2024માં એર ઇન્ડિયા એક્સપ્રેસની એક મહિલા સ્ટાફ મેમ્બર પોતાના ગુદામાર્ગમાં 960 ગ્રામ સોનું છુપાવીને લાવી હતી. એ જ રીતે સોનાની નાની-નાની ગોળીઓ બનાવીને એને ગળી જઈને જઠરમાં છુપાવીને લાવતાં તસ્કરો પણ અવારનવાર ઝડપાતા રહે છે.

સોનું પીગાળીને તેને શર્ટના બટન, બોલપેન જેવા આકારોમાં ઢાળીને તસ્કરી કરવાના કિસ્સા પણ બનતા રહે છે. ઘણા ગિલિન્ડરો સોનું પીગાળીને એને મીણ અથવા સાબુ સાથે ભેળવી દે છે, તો ઘણા પીગાળેલા સોનાને ચોકલેટમાં ભેળવીને એને રેપરમાં લપેટીને એકદમ ચોકલેટ જેવો જ દેખાવ ઊભો કરે છે. 

ઘરમાં ઉપયોગમાં લેવાતાં ઇસ્ત્રી, ટૉર્ચ અને કોફી મેકર જેવા નિર્દોષ ઉપકરણોમાં સોનું છુપાવીને લાવનારા પણ પડ્યા છે અને દવાના પડીકામાં ખપાવીને સોનાની તસ્કરી કરનારા ખેપાનીઓ પણ પોલીસના હાથે ઝડપાયા છે.

સેનેટરી પેડ અને એડલ્ટ ડાયપરમાં છુપાવેલું સોનું પણ પોલીસની બાજનજરથી બચી નથી શકતું. માર્ચ, 2023માં પોલીસે મેંગ્લોર ઍરપોર્ટ પર એક માણસને ઝડપી પાડ્યો હતો, જે પોતાની 21 મહિનાની દીકરીના ડાયપરમાં પેસ્ટ રૂપે સોનું છુપાવીને લાવ્યો હતો. જાન્યુઆરી, 2025માં અબુધાબીથી આવેલી એક મહિલાની અમદાવાદ ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. મહિલા પોતાના સેનેટરી પેડમાં 763.36 ગ્રામ સોનું લઈને આવી હતી.    


Tags :