લદાખ હિંસા: 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ
Ladakh Violence: લદાખમાં પૂર્ણ રાજ્ય અને છઠ્ઠા અનુસુચીના વિસ્તારની માગ કરતાં થયેલા હિંસક આંદોલનમાં પોલીસે 50 આંદોલનકારીની અટકાયત કરી છે. આંદોલનકારીઓને ઉશ્કેરવાના આરોપસર કોંગ્રેસ કાઉન્સિલર વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધી છે. આ હિંસક આંદોલનમાં ચાર લોકોના મોત અને 50 ઘાયલ થયા હતાં.
આંદોલન ઉગ્ર બનતાં પોલીસે કર્યું હતું ફાયરિંગ
લેહમાં આંદોલન કરી રહેલાં આંદોલનકારીઓ ઉગ્ર બનતાં પોલીસ ફાયરિંગ કરવા મજબૂર બની હતી. આ ફાયરિંગમાં થયેલા મોત માટે પોલીસે આંદોલનકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બુધવારની સાંજે લદાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચાર લોકોની મોત માટે આંદોલનકારીઓ જવાબદાર છે. આ હિંસામાં સંડોવાયેલા વ્યક્તિએ પરિણામ ભોગવવુ પડશે. અમે ઉગ્રવાદીઓ અને તેમને ઉશ્કેરનારાઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. અત્યારસુધીમાં અમે 50થી વધુ લોકોની અટકાયત કરી છે.
ગવર્નરે તપાસના આદેશ આપ્યા
બુધવારે સાંજે લદાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ જણાવ્યું હતું કે, આંદોલનકારીઓ ચાર લોકોના મોત માટે જવાબદાર હતા. અમને આશા છે કે, આ હિંસક આંદોલન પાછળ સંડોવાયેલા લોકો વિરૂદ્ધ ઝડપથી તપાસ હાથ ધરાશે. અમે વિસ્તારમાં કર્ફ્યુ લાદ્યો છે. શાંત માહોલમાં કાંકરીચાળો કરનારાઓને છોડવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ છઠ્ઠી અનુસૂચિ એવું શું છે? જેની માંગ સાથે લદાખમાં હિંસક અથડામણ અને આગચંપી
આ પણ વાંચોઃ લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ
કોંગ્રેસ કાઉન્સિલર વિરૂદ્ધ ફરિયાદ
પોલીસે જણાવ્યા પ્રમાણે, આ હિંસક આંદોલન માટે Gen Z ને ઉશ્કેરવા પાછળ કોંગ્રેસ કાઉન્સિલર સ્ટેઝિન ત્સેપેગનો હાથ હતો. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં મોઢે માસ્ક બાંધી લાકડી સાથે એક વ્યક્તિ દેખાય છે. આ વ્યક્તિ સ્ટેઝિન હોવાનો ભાજપે દાવો કર્યો છે.
સોનમ વાંગચુક પણ હિંસા માટે જવાબદાર
આ હિંસક આંદોલન અને પોલીસ દ્વારા ફાયરિંગના કલાકો બાદ કેન્દ્ર સરકારે આ હિંસા માટે સમાજ સેવક સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, વાંગચુકે ઉશ્કેરણીજનક નિવેદનો દ્વારા ટોળાને ઉશ્કેર્યો હતો. કેટલાક રાજકારણીઓ સરકાર અને લદાખ જૂથોના પ્રતિનિધિઓ વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોથી નારાજ છે. તેમણે ચાલી રહેલી વાતચીતમાં હિંસા કરવાનો પ્રયાસ કર્યો છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, વાંગચુક જે માગણીઓ સાથે ભૂખ હડતાળ પર હતા. તે HPC (હાઈ પાવર્ડ કમિટી)માં ચર્ચાનું એક અભિન્ન અંગ છે. ઘણા નેતાઓએ ભૂખ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હોવા છતાં વાંગચુક અડગ રહ્યા... આરબ સ્પ્રિંગ-શૈલીના વિરોધનો ઉશ્કેરણીજનક ઉલ્લેખ અને નેપાળમાં Gen Z હિંસાનો ઉલ્લેખ કરી લોકોને ગેરમાર્ગે દોરવાનું ચાલુ રાખ્યું છે.