Get The App

લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ 1 - image


Leh News: કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બુધવારે અથડામણ સર્જાઈ હતી. લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગ સાથે પર્યાવરણવિદ્ સોનમ વાંગચુક ભૂખ હડતાળ કરી રહ્યા છે. સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગો પર ઊતરી આવ્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ ભાજપના કાર્યાલયને પણ આગચંપી કરી હતી. આ દરમિયાન દેખાવકારોની પોલીસ સાથે પણ અથડામણ થઈ હતી. પોલીસ પર પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સીઆરપીએફના વાહનને પણ આગચંપી કરાઈ હતી.  

દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ 

દેખાવકારોએ અનેક વાહનોને આગચંપી કરી હતી. સાથે જ અન્ય જાહેર સંપત્તિઓને પણ ફૂંકી મારી હતી. પોલીસ એક તરફ ભીડને વેરવિખેર કરવા માટે ટિયરગેસનો મારો ચલાવી રહી છે ત્યારે લાઠીચાર્જની પણ નોબત આવી હતી. જોકે દેખાવકારોએ પણ સામે પોલીસ પર પથ્થરમારો કરીને મુશ્કેલી વધારી હતી.


શું છે માગણી? 

વાંગચુકની આગેવાનીમાં લદાખની એપેક્સ બોડી લદાખ માટે રાજ્યનો દરજ્જો માગી રહી છે. સોનામ વાંગચુક તેના માટે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ કરી રહ્યા છે. આજે લદાખમા બંધ વચ્ચે મોટી સંખ્યામાં લોકો લેહમાં એકઠા થયા હતા. જોકે હાલ સ્થિતિ કાબૂમાં લેવાઈ હોવાના દાવા કરાઈ રહ્યા છે.

લદાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરાયો હતો 

વાંગચુકના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની ચાર માંગણીઓ કરી છે. આ સમયગાળા દરમિયાન એક રેલી પણ યોજાઈ હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ થયા પછી, જમ્મુ અને કાશ્મીરને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું. જમ્મુ અને કાશ્મીર એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો, જ્યારે લેહ અને કારગિલનો સમાવેશ કરતું લદાખ એક અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો. હવે, લદાખ માટે સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવવાની માંગ કરવામાં આવી રહી છે.

કઈ ચાર માંગણીઓ કરાઈ 

1) લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો

2) લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરો

3) લદાખ માટે બે લોકસભા બેઠકોની માંગ કરાઈ 

4) લદાખના આદિવાસીઓને આદિવાસી દરજ્જો આપો

લદાખ ભડકે બળ્યું, દેખાવકારોએ ભાજપ કાર્યાલય ફૂંકી માર્યું, સોનમ વાંગચુકની 15 દિવસથી ભૂખ હડતાળ 2 - image

Tags :