Explainer: લદાખ ભડકે બળવાનું કારણ છે છઠ્ઠી અનુસૂચિનું સુરક્ષા કવચ, જાણો શું છે આ જોગવાઈ
Why Ladakh Demands Sixth Schedule Status? : લદાખના લેહ નગરની શાંત શેરીઓમાં બુધવારે હજારો યુવાનો લેહના રસ્તા પર ઉતરી આવ્યા. પરિણામે નારા બાજી, આગચંપી અને હિંસક અથડામણો થઈ, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનામાં પાંચેક લોકોના મૃત્યુ થયા અને 80થી વધુ ઘાયલ થયા. ત્યાર પછી અહીં સુરક્ષા દળો દ્વારા કર્ફ્યૂ લાગુ કરાયો અને 50 જેટલા લોકોની અટકાયત કરાઈ. મોટા ભાગે શાંત રહેતા આ પ્રદેશની જનતામાં અસંતોષની લહેર કયા કારણસર દોડી ગઈ, ચાલો એ વિશે વિગતવાર વાત કરીએ.
લદાખમાં શેની માંગ ઊઠી છે?
લદાખની અશાંતિના કેન્દ્રમાં નીચે મુજબની ચાર માંગ રહેલી છે.
1. લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપો.
2. બંધારણની છઠ્ઠી અનુસૂચિનું વિસ્તરણ કરો.
3. લોકસભાની બેઠકો વધારીને બે કરો.
4. લદાખી જાતિઓને આદિવાસીનો દરજ્જો આપો.
શું છે છઠ્ઠી અનુસૂચિ?
ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિ એ એક વિશેષ જોગવાઈ છે, જેનો મુખ્ય હેતુ દેશના ઉત્તર-પૂર્વીય ભાગમાં રહેતા આદિવાસી સમુદાયોની અનન્ય સંસ્કૃતિ, પરંપરાગત જમીન અને સ્થાનિક સંસાધનોનું રક્ષણ કરવાનો છે. આ અનુસૂચિ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જેવા રાજ્યોમાં લાગુ છે. છઠ્ઠી અનુસૂચિ આ ભૌગોલિક વિસ્તારોમાં સ્વ-શાસનની શક્તિ પ્રદાન કરે છે. તે અંતર્ગત 'સ્વાયત્ત જિલ્લા પરિષદો' (Autonomous District Councils - ADCs) ની રચના થાય છે, જેને સ્થાનિક સ્તરે જમીન, જંગલો, શિક્ષણ, સાંસ્કૃતિક પ્રથાઓ અને કર વસૂલવા જેવા મુદ્દા પર કાયદા બનાવવાની છૂટ મળે છે.
પરિષદોની સત્તા અને કાર્યો
છઠ્ઠી અનુસૂચિ હેઠળ રચાયેલી સ્વાયત્ત જિલ્લા પરિષદમાં મહત્તમ 30 સભ્યો હોય છે. તે પૈકી ચાર સભ્ય રાજ્યપાલ દ્વારા નિયુક્ત થાય છે, જ્યારે બાકીના 26 મતદાન દ્વારા ચૂંટાય છે. આ પરિષદોને નીચેની સત્તા પ્રાપ્ત છે:
1. વિધાયક સત્તા: જમીનનો વહીવટ, જંગલો, પાણીના સ્ત્રોતો, ખેતી, ગ્રામપંચાયતો, સ્થળાંતર અને સામાજિક રિવાજો પર કાયદા બનાવવાની છૂટ મળે છે.
2. નાણાકીય સત્તા: જમીન મહેસૂલ અને અન્ય સ્થાનિક કર લગાવવા અને વસૂલ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.
3. ન્યાયિક સત્તા: અમુક પ્રકારના નાગરિક અને ફોજદારી મુદ્દાની સુનાવણી અને નિર્ણય લેવાની સત્તા મળે છે.
આ સમગ્ર માળખું બંધારણના અનુચ્છેદ 244(2) અને 275(1) હેઠળ કાર્યરત છે.
લદાખનો ભય: સાંસ્કૃતિક અને આર્થિક સ્વાયત્તતા પર ખતરો
લદાખમાં છઠ્ઠી અનુસૂચિની માંગ નવી નથી. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિ (કલમ 370) રદ થયા બાદ, જ્યારે લદાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો હતો. ત્યારથી લદાખના લોકોને એક ડર સતાવે છે કે તેમની વિશિષ્ટ સાંસ્કૃતિક ઓળખ અને જમીનના અધિકારો ખતરામાં છે. લદાખની 97% થી વધુ વસ્તી અનુસૂચિત જનજાતિ (ST)ની છે, જેની પોતાની સદીઓથી ચાલી આવતી બૌદ્ધ અને મુસ્લિમ પરંપરા છે. છઠ્ઠી અનુસૂચિ ન મળવાથી તેમને ભય છે કે દેશના અન્ય ભાગોના લોકો આવીને લદાખમાં જમીન ખરીદશે, સંસાધનો પર કબજો મેળવશે અને સ્થાનિક રોજગારના અવસરો પર પ્રભુત્વ સ્થાપિત કરશે, જેને લીધે સ્થાનિક લોકો હાંસિયામાં ધકેલાઈ જશે.
છઠ્ઠી અનુસૂચિ લાગુ કરાતાં શું બદલાશે?
જો લદાખને છઠ્ઠી અનુસૂચિ હેઠળ લવાય, તો નીચેના મહત્ત્વના ફેરફારો થવાની સંભાવના છે.
1. જમીન અને સંસાધનોનું રક્ષણઃ સ્વાયત્ત જિલ્લા પરિષદને જમીનના હસ્તાંતરણ અને ખરીદી-વેચાણ પર નિયંત્રણ રાખવાની સત્તા મળશે. આથી બહારના લોકો દ્વારા જમીન ખરીદી શકાશે નહીં અને સ્થાનિક સંસાધનો પર સમુદાયનો અંકુશ રહેશે.
2. સાંસ્કૃતિક સંરક્ષણ: સ્થાનિક રિવાજો, પરંપરા, સામાજિક પ્રથા અને ઐતિહાસિક વારસાનું સંરક્ષણ સુનિશ્ચિત બનશે.
3. રોજગારમાં અનામત: સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં સ્થાનિક યુવાનો માટે અનામતની જોગવાઈ કરી શકાશે.
4. સ્થાનિક નિર્ણય લેવાની શક્તિ: સ્થાનિક લોકોને પોતાના વિકાસ અને પ્રશાસન સંબંધિત નિર્ણયો લેવાની સ્વાયત્તતા મળશે.
સંવેદનશીલતા અને સંવાદની જરૂર
લદાખના લોકોની મુખ્ય ચિંતા તેમનો સાંસ્કૃતિક વારસો, આર્થિક સુરક્ષા અને ભવિષ્યના વિકાસને લઈને છે. છઠ્ઠી અનુસૂચિ તેમના માટે એક સુરક્ષા કવચનું કામ કરશે, જે તેમને બાહ્ય હસ્તક્ષેપથી બચાવીને સ્વ-નિર્ધારણનો અધિકાર આપશે. આ સંકટનો સમાધાનપૂર્ણ ઉકેલ લાવવા માટે કેન્દ્ર સરકાર અને સ્થાનિક નેતાઓ વચ્ચે વિશ્વાસપૂર્ણ સંવાદ જરૂરી છે.