'નરાધમોને ફાંસી આપો...', કોલકાતા ગેંગરેપ કેસના મુખ્ય આરોપીની જૂની ફેસબુક પોસ્ટ વાઈરલ
Kolkata Crime News: પશ્ચિમ બંગાળના કોલકાતા લૉ કોલેજમાં થયેલા સામૂહિક દુષ્કર્મે એક વર્ષ પહેલાં કોલકાતાના આરજી કર દુષ્કર્મ અને હત્યાકાંડ યાદ અપાવી દીધી છે. જેમાં 8 અને 9 ઓગસ્ટ, 2024ની રાત્રે મેડિકલ કોલેજ અને હોસ્પિટલની અંદર બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, હાલ લૉ કોલેજ દુષ્કર્મના મામલે મુખ્ય આરોપી મનોજીત મિશ્રાએ આરજી કર દુષ્કર્મ મામલે ગુનેગારોને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી.
પીડિતા માટે માંગ્યો ન્યાય
લૉ કોલેજ દુષ્કર્મ કેસના મામલે મુખ્ય આરોપી મનોજીત મિશ્રાની એક જૂની ફેસબુક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં તેણે ગત વર્ષે થયેલી દુષ્કર્મની ઘટના વિશે પોસ્ટ કરીને તાત્કાલિક ન્યાય અને દુષ્કર્મી માટે મોતની સજાની માંગ કરી હતી. તેણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, 'દુષ્કર્મીને ફાંસીની સજા આપવામાં આવે, અમને ન્યાય જોઈએ છે, નાટક નહીં, તુરંત ન્યાય જોઈએ, હું ઈચ્છું છું કે, ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે.'
ચાર આરોપીની ધરપકડ
કોલકાતાની લૉ કોલેજમાં 25 જૂને થયેલી આ સામુહિક દુષ્કર્મની ઘટનામાં અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી અને મુખ્ય આરોપી મનોજીત મિશ્રા સિવાય બે વિદ્યાર્થી પ્રોમિત મુખર્જી અને ઝૈદ અહેમદ પણ સામેલ છે. આ સિવાય એક ગાર્ડની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે, મનોજીતે દુષ્કર્મ કર્યું હતું અને અન્ય લોકોએ તેને સાથ આપ્યો હતો.
આ પણ વાંચોઃ 1 જુલાઈથી રેલવેનો આ નિયમ બદલાઈ જશે, આજે જ IRCTC એપ પર આ કામ પતાવી લો
આ પહેલાં પણ દાખલ થઈ ચુકી છે છેડતીની ફરિયાદ
આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. કારણ કે, મુખ્ય આરોપી મનોજીત સત્તાધારી ટીએમસીની સ્ટુડન્ટ વિંગ સાથે જોડાયેલો હતો. આ સિવાય તેના મિત્ર તિતાસ મન્નાએ ખુલાસો કર્યો કે, મનોજીતે પહેલાં પણ કોલેજમાં છેડતી અને મારપીટ કરી હતી. આ પહેલાં પણ છેડતીના મામલે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના મિત્રએ એવો પણ દાવો કર્યો છે કે, ખરાબ આચરણના કારણે સ્ટુડન્ટ યુનિયને તેના પર કોલેજ દરમિયાન પ્રતિબંધ લગાવી દીધો હતો. તેમ છતા તે કેમ્પસની બહાર ગુંડાગીરી કરતો અને વિદ્યાર્થિનીઓની છેડતી કરતો. જોકે, વિદ્યાર્થિનીઓ ત્યારે તેની સામે ફરિયાદ કરતા ડરતી હતી.