કર્ણાટકમાં બે-ત્રણ મહિનામાં જ CM બદલાશે, શિવકુમારને સોંપાશે સત્તા: કોંગ્રેસ ધારાસભ્યના દાવાથી રાજકારણ ગરમાયું
Karnataka Political News : કર્ણાટક કોંગ્રેસમાં સત્તા પરિવર્તન થવાની અટકળો તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કે.એલ.રાજન્નાએ સપ્ટેમ્બર બાદ રાજ્યના રાજકારણમાં પરિવર્તનના સંકેત આપ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યએ પણ આવા સંકેત આપતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ ધારાસભ્ય એચ.એ.ઈકબાલ હુસેને આજે (29 જૂન) દાવો કર્યો છે કે, ‘આગામી બે ત્રણ મહિનાની અંદર નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે.’
‘મુખ્યમંત્રી અંગે બે-ત્રણ મહિનામાં નિર્ણય લેવાશે’
પીટીઆઈના રિપોર્ટ મુજબ કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે, ‘તમામ લોકો જાણો છે કે, રાજ્યમાં કોંગ્રેસની જીત માટે કોણે સંઘર્ષ કર્યો અને કોણે પરસેવો વહાવ્યો છે. તેમની (શિવકુમારની) રણનીતિ અને કાર્યક્રમ ઈતિહાસ બની ગયા છે.’ જ્યારે હુસેનને પૂછવામાં આવ્યું છે કે, શું શિવકુમાર પાસે સીએમ બનવાની તક હતી, તો તેમણે કહ્યું કે, ‘હું અટકળો પર વિશ્વાસ રાખતો નથી. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, હાઈકમાન્ડ સ્થિતિ જાણે છે અને શિવકુમારને તક આપવા માટે યોગ્ય સમયે નિર્ણય લેશે.’ આ વર્ષે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા અંગે પૂછવામાં આવતા હુસેને કહ્યું કે, ‘કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે આગામી બે-ત્રણ મહિનાની અંદર નિર્ણય લઈ લેવાશે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્રએ અટકળો ફગાવ્યા
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસ એમએલસી યતીન્દ્ર સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી બદલવાની અટકળોને રદીયો આપ્યો હતો. ત્યારે આ મુદ્દે હુસેને કહ્યું કે, ‘કોંગ્રેસ હાઈકમાન્ડે 2023 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે અમે બધા દિલ્હીમાં એક સાથે બેઠા હતા. આ દરમિયાન સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ નિર્ણય લીધો હતો, જે સૌકોઈ જાણે છે. તેઓ આગામી ફેંસલો પણ લેશે, ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે.’
આ પણ વાંચો : બે દિવસની છોકરીને ફૂટપાથ પર છોડી ગયા મા-બાપ, પત્રમાં વર્ણવી વેદના