India

કેતનની હત્યારી સિયાનું નવું તરકટ, ચેતન સાથે પ્રેમાલાપ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
પૂણેના રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારી હત્યા કરાઈ હતી. પોલીસે જણાવ્યું કે, કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કાવતરું ઘડ્યું હતું. હત્યા પહેલા બંને વચ્ચે 2,004 કોલ અને 238 કલાક વાતચીત થઈ હતી. આરોપીઓએ ગૂગલ પર હત્યાના આઇડિયા પણ શોધ્યા હતા. કોર્ટે બંનેની કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેતનની હત્યારી સિયાનું નવું તરકટ, ચેતન સાથે પ્રેમાલાપ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો

Pune Real Estate Businessman Murder : પૂણેના 25 વર્ષીય રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ કેતન અગ્રવાલની લોહગઢ કિલ્લા પરથી નીચે ફેંકીને કરાયેલી કથિત હત્યાના મામલામાં પોલીસ તપાસમાં અનેક નવા અને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી 20 વર્ષીય સિયા ગોયલે તેના પરિવારને એવું કહીને ગેરમાર્ગે દોર્યો હતો કે, કેતન સાથે સગાઈ થયા પછી તેણે ચેતન ચૌધરી સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યા છે. પરિવારને પણ આ વાત પર વિશ્વાસ હતો, પરંતુ તપાસમાં કંઈક અલગ જ બહાર આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસને ડિજિટલ પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે, સગાઈના થોડા સમય પછી ચેતન ફરીથી સિયાની જિંદગીમાં પાછો આવ્યો હતો. સિયા માટે કેતન સાથે લગ્ન સ્વીકારવા મુશ્કેલ બની રહ્યા હતા, અને તે આ સંબંધમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધી રહી હતી. આ દરમિયાન સિયા ગોયલ અને ચેતન ચૌધરીએ મળીને કેતન અગ્રવાલની હત્યાનું કથિત કાવતરું ઘડી કાઢ્યું હતું.

હત્યા પહેલા 2,004 કોલ અને 238 કલાકની વાતચીત!
આ મામલો 18 જૂનનો છે, જ્યારે પૂણેના રહેવાસી કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પરથી પડવાને કારણે મોત થયું હતું. પોલીસે દાવો કર્યો છે કે, આ અકસ્માત નહીં પરંતુ કાવતરું હતું, જેમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીને આરોપી બનાવવામાં આવ્યા છે. બંનેના લગ્ન આ જ વર્ષે નવેમ્બરમાં નક્કી થયા હતા. લગ્ન નક્કી થતાં પહેલા જાન્યુઆરીમાં બંનેની કુંડળી મેળવવામાં આવી હતી, જેમાં 27 ગુણ મળ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સગાઈ પછીના લગભગ 2 મહિના સુધી સિયાએ સંબંધ નિભાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચેતનના સંપર્કમાં આવ્યા પછી સ્થિતિ બદલાઈ ગઈ. બંને સતત એકબીજાના સંપર્કમાં હતા. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હત્યા પહેલા બંને વચ્ચે 2,004 ફોન કોલ્સ થયા હતા અને બંનેએ લગભગ 238 કલાક સુધી વાતચીત કરી હતી.

ગૂગલ પર સર્ચ કર્યો હત્યાનો આઇડિયા, 14 જૂને પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો

પોલીસ તપાસમાં આરોપીઓની ઓનલાઇન સર્ચ હિસ્ટ્રી અને ડિજિટલ પ્રવૃત્તિઓમાંથી પણ ઘણા પુરાવા મળ્યા છે. આરોપીઓએ ઈન્ટરનેટ પર હત્યા કરવાની રીતો શોધી હતી, અને ઘણા વીડિયો પણ જોયા હતા. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે, લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારવો, એ સૌથી ઓછું જોખમી રહેશે. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે, 14 જૂને પણ હત્યાનો એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો. ત્યારબાદ બંનેએ ઘટનાસ્થળની રેકી કરીને આખી યોજના ફરીથી તૈયાર કરી હતી.

કેવો હતો મર્ડરનો પ્લાન?
યોજના મુજબ ટ્રેકિંગ દરમિયાન સિયાએ કેતન સાથે રહેવાનું હતું. નક્કી થયા મુજબ સિયાનું કિલ્લા પર એક જગ્યાએ બેસવું એ ચેતન માટે સંકેત હતો. સિયા બેસતાની સાથે જ ચેતને ત્યાં પહોંચીને કેતનને ખડક પરથી નીચે ધક્કો મારી દીધો હતો. આ દરમિયાન કેતનને કોઈ શંકા ગઈ ન હતી.

મોત પહેલા કેતને સિયાના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી

તપાસમાં સામે આવ્યું છે કે, મોતના થોડા દિવસો પહેલા કેતને તેના પરિવાર સામે સિયાના બદલાયેલા વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. 6 જૂને બાલી ટુર કેન્સલ થયા પછી, કેતને ફરિયાદ કરી હતી કે, સિયા નાની-નાની વાતો પર ઝઘડો કરે છે, અને વાતચીત દરમિયાન વારંવાર ચેતનનો ઉલ્લેખ કરે છે. કેતને એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, લગ્ન નક્કી કરતાં પહેલા સિયા વિશે પૂરી તપાસ કરવામાં આવી હતી કે નહીં.

પુરાવા ભૂંસવા ચેટ્સ ડિલીટ કરી, 3 જુલાઈ સુધી પોલીસ કસ્ટડી વધી

પોલીસના જણાવ્યા અનુસાર, 18 જૂન પહેલા અને ઘટના પછી, બંને આરોપીઓએ પુરાવા નાશ કરવા માટે તેમના મોબાઇલ ફોનમાંથી ઘણી ચેટ્સ ડિલીટ કરી નાખી હતી. હાલમાં બંનેના ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને લોહગઢ કિલ્લા પર ક્રાઇમ સીન પણ રી-ક્રિએટ કર્યો છે. કોર્ટે સિયા ગોયલ અને ચેતન ચૌધરીની પોલીસ કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવી દીધી છે.