Get The App

વક્ફ વિવાદની વચ્ચે કેરળમાં ભાજપની 'ઐતિહાસિક' જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
Kerala Local Body Election Result


(IMAGE - x.com/AnoopKaippalli)

Kerala Local Body Election Result: કેરળના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો માત્ર બેઠકના આંકડાઓ સુધી જ સીમિત નથી, પરંતુ આ પરિણામોએ રાજ્યના રાજકારણમાં કેટલાક એવા મહત્ત્વના મુદ્દાઓને કેન્દ્રમાં લાવ્યા છે, જે કદાચ આગામી વિધાનસભા ચૂંટણીની દિશા પણ નક્કી કરી શકે છે. જ્યાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ(LDF)એ પોતાનો પરંપરાગત દબદબો જાળવી રાખ્યો છે અને કોંગ્રેસ પણ અનેક વિસ્તારોમાં મજબૂતીથી લડતી જોવા મળી છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી માટે આ ચૂંટણી વિશેષ મહત્ત્વ ધરાવે છે.

મુનંબમની જીત: ભાજપ માટે ઐતિહાસિક વળાંક

BJP એર્નાકુલમ જિલ્લાના મુનંબમ વિસ્તારમાં NDAની જીતને એક મહત્ત્વપૂર્ણ રાજકીય અને સામાજિક વળાંક તરીકે રજૂ કરી રહી છે. ભાજપના કેરળ મહાસચિવ અનૂપ એન્ટની જોસેફે મુનંબમ વોર્ડમાં NDAની આ જીતને 'ઐતિહાસિક' ગણાવી છે.

ભાજપના નેતા દાવો કરે છે કે, મુનંબમમાં લગભગ 500 ખ્રિસ્તી પરિવારો વક્ફ બોર્ડના કથિત ગેરકાયદેસર દાવાઓને કારણે તેમના ઘર ગુમાવવાની સ્થિતિમાં હતા. અનૂપ એન્ટનીના જણાવ્યા મુજબ, મોદી સરકાર અને ભાજપે આ પરિવારોને ટેકો આપ્યો છે. પરિણામે, સ્થાનિક લોકોએ આ ચૂંટણીમાં ભાજપને સમર્થન આપીને જીત અપાવી.

સાત દાયકા જૂનો છે વક્ફ વિવાદ

મુનંબમ વક્ફ વિવાદના મૂળ સાત દાયકા જૂના છે. સિદ્દીકી સૈત નામના વ્યક્તિએ આ જમીન ફરીદ કૉલેજને દાન કરી હતી. જોકે આ વિસ્તારોમાં લોકો પહેલાથી જ રહેતા હતા. તેમ છતાં કૉલેજ પ્રશાસને આ જમીનનો કેટલોક ભાગ સ્થાનિક રહેવાસીઓને વેચી દીધો. એવામાં કેરળ વક્ફ બોર્ડે આ સંપૂર્ણ જમીનને વક્ફ સંપત્તિ તરીકે રજિસ્ટર કરી દીધી, જેનાથી અગાઉ થયેલા તમામ ટ્રાન્ઝેક્શન્સ અમાન્ય ગણવામાં આવ્યા. આ નિર્ણય બાદ સેંકડો પરિવારો સામે જમીનનો કબજો છીનવી લેવોનું સંકટ ઊભું થયું.

410 પરિવારો પર કબજો છીનવાઈ જવાનો ભય

આ વકફ બોર્ડના નિર્ણયના વિરોધમાં, મુનંબમ અને ચેરાઈ વિસ્તારોના અસરગ્રસ્ત પરિવારોએ 410 દિવસથી વધુ સમય સુધી આંદોલન ચલાવ્યું હતું. તેમણે આ મુદ્દાને કોઝિકોડ વક્ફ ટ્રિબ્યુનલમાં ન્યાયિક પડકાર આપ્યો. રાજ્ય સરકારે પણ જમીનની માલિકીની તપાસ કરવા માટે સી.એન. રામચંદ્રન નાયર કમિશનની રચના કરી હતી. જોકે, 2025માં કેરળ હાઇકોર્ટની સિંગલ બેંચે શરુઆતમાં આ કમિશનને રદ કર્યું હતું, પરંતુ પાછળથી ડિવિઝન બેંચે તેને પુનઃસ્થાપિત કર્યું અને 2019ના વક્ફ રજિસ્ટ્રેશનને કાયદા અનુસાર ન હોવાનું ગણાવ્યું.

આ પણ વાંચો: ઈન્ડિગો સંકટ વચ્ચે પિતાએ રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો!

સુપ્રીમ કોર્ટનો સ્ટે

મીડિયા અહેવાલ મુજબ, 12 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના 'વક્ફ નથી' (Not Waqf)ના નિર્ણય પર રોક લગાવી છે અને જાન્યુઆરી 2026 સુધી યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો છે, જેના કારણે હાલમાં કોઈ પણ પરિવારનો કબજો છીનવાશે નહીં. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ લોકોને બળજબરીથી ન હટાવવાની ખાતરી આપી ચૂક્યા છે.

ભાજપ માટે ખ્રિસ્તી સમર્થનનો સંકેત

આ સમગ્ર વિવાદને ભાજપ 'ન્યાય વિરુદ્ધ અન્યાય'ની લડાઈ તરીકે પ્રસ્તુત કરી રહી છે. મુનંબમની જીતને પાર્ટી કેરળમાં ખ્રિસ્તી સમુદાય તરફથી વધી રહેલા સમર્થનનો સંકેત માને છે. આ જીત પ્રતીકાત્મક હોવા છતાં, વક્ફ જેવા સંવેદનશીલ મુદ્દે ભાજપની આક્રમક રાજનીતિ આગામી રાજ્ય ચૂંટણીની ચર્ચાને વેગ આપી શકે છે.

વક્ફ વિવાદની વચ્ચે કેરળમાં ભાજપની 'ઐતિહાસિક' જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા 2 - image

Tags :