India

કેજરીવાલની AAP પાર્ટીએ ચોંકાવ્યા, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોની પ્રથમ યાદીમાં કર્યો ખેલ!

By GS Team
31 Oct 20263 mins read
TukuTouch Logo
પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણી માટે AAPએ 40 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. મોટાભાગે જૂના ચહેરાઓ પર વિશ્વાસ મૂકાયો છે, જેમાં મુખ્યમંત્રી ભગવંત માન ધુરીથી ફરી લડશે. લુધિયાણા પશ્ચિમ, તરનતારન અને ચબ્બેવાલ જેવી 3 બેઠકો પર પેટાચૂંટણી જીતેલા ઉમેદવારોને ફરી ટિકિટ અપાઈ છે. ED કેસમાં જેલમાં હોવા છતાં સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમથી ફરી તક મળી છે. આ વહેલી યાદીથી AAPએ પ્રચાર માટે પૂરતો સમય આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેજરીવાલની AAP પાર્ટીએ ચોંકાવ્યા, પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોની પ્રથમ યાદીમાં કર્યો ખેલ!

AAP Punjab Election 2027 : પંજાબમાં 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ ચૂંટણીના મહિનાઓ પહેલાં જ 40 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ યાદીમાં પાર્ટીએ મોટા ભાગે જૂના ચહેરાઓ પર જ ફરી વિશ્વાસ મૂક્યો છે. જોકે, ત્રણ બેઠકો એવી છે, જ્યાં પેટાચૂંટણીમાં જીતનો રેકોર્ડ ઉમેદવારોની પસંદગીમાં મહત્ત્વનો સાબિત થયો છે. લુધિયાણા પશ્ચિમ, તરનતારન અને ચબ્બેવાલ બેઠક પર AAPએ પેટાચૂંટણી જીતી ચૂકેલા ઉમેદવારોને ફરી ટિકિટ આપી છે. આ ત્રણેય બેઠકો પર પેટાચૂંટણીની જીતને આધારે પાર્ટીએ આગામી ચૂંટણી માટે પણ ઉમેદવારો નક્કી કર્યા છે.

લુધિયાણા પશ્ચિમ: સંજીવ અરોરા ફરી મેદાનમાં

2022ની વિધાનસભા ચૂંટણીમાં લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAPના ગુરપ્રીત બસ્સી ગોગીએ કોંગ્રેસના ભારત ભૂષણ આશુને 7,512 મતથી હરાવ્યા હતા. ગોગીને 40,443 મત મળ્યા હતા. જોકે, જાન્યુઆરી 2025માં તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ જૂન 2025માં યોજાયેલી પેટાચૂંટણીમાં AAPએ સંજીવ અરોરાને ઉમેદવાર બનાવ્યા હતા. અરોરાએ ભારત ભૂષણ આશુને 10,637 મતથી હરાવીને બેઠક જાળવી રાખી હતી. તેમને 35,179 મત મળ્યા હતા, જ્યારે આશુને 24,542 મત મળ્યા હતા.

આ જીત બાદ સંજીવ અરોરાને ભગવંત માન સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, 9 મે 2026ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ તેમની ધરપકડ કરી હતી. EDના જણાવ્યા અનુસાર, અરોરા અને તેમની કંપની હેમ્પટન સ્કાય રિયાલિટી લિમિટેડ (HSRL) સાથે જોડાયેલા કેસમાં 100 કરોડ રૂપિયાથી વધુના કથિત ફર્જી GST બિલ અને મોબાઇલ ફોનની ખોટી ખરીદ-વેચાણનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં અરોરા જેલમાં છે, તેમ છતાં પાર્ટીએ તેમને ફરી ટિકિટ આપી છે.

તરનતારન: પેટાચૂંટણીમાં જીતેલા હરમીત સંધુ પર ફરી ભરોસો

2022માં તરનતારન બેઠક પરથી AAPના ડૉ. કાશ્મીર સિંહ સોહલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 27 જૂન 2025ના રોજ તેમના નિધન બાદ આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. નવેમ્બર 2025માં યોજાયેલી પેટાચૂંટણીમાં AAPએ હરમીત સિંહ સંધુને ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ જીત્યા હતા. હવે 2027ની ચૂંટણી માટે પાર્ટીએ ફરી તેમના નામ પર પસંદગી ઉતારી છે.

ચબ્બેવાલ: રાજકુમારના પુત્ર ઇશાંક કુમારને ફરી ટિકિટ

ચબ્બેવાલ બેઠકનો રાજકીય ઘટનાક્રમ અલગ રહ્યો છે. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના રાજકુમાર ચબ્બેવાલે AAPના હરમિન્દર સિંહ સંધુને 7,646 મતથી હરાવ્યા હતા. 15 માર્ચ 2024ના રોજ રાજકુમાર ચબ્બેવાલે કોંગ્રેસ છોડીને ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ AAPમાં જોડાયા હતા. 2024માં આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં AAPએ પોતાના જૂના ઉમેદવાર હરમિન્દર સિંહ સંધુને બદલે રાજકુમારના પુત્ર ડૉ. ઇશાંક કુમારને ટિકિટ આપી હતી. ઇશાંક કુમારે પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. હવે પાર્ટીએ તેમને ફરી ઉમેદવાર બનાવ્યા છે. દરમિયાન, હરમિન્દર સિંહ સંધુ જાન્યુઆરી 2026માં AAP છોડીને શિરોમણી અકાલી દળમાં જોડાઈ ગયા હતા.

CM ભગવંત માન સહિત 40 જૂના ચહેરાઓ પર દાવ

AAPની પહેલી યાદીમાં મુખ્યમંત્રી ભગવંત માન સહિત તમામ 40 બેઠકો પર જૂના ઉમેદવારોને ફરી તક આપવામાં આવી છે. ભગવંત માન ફરી ધુરી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ ઉપરાંત વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાં (કોટકપૂરા), મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ (અજનાલા), બ્રહ્મ શંકર જિમ્પા (હોશિયારપુર), બલકાર સિંહ (કર્તારપુર) અને અમનશેર સિંહ શેરી કલસી (બટાલા)ને પણ ફરી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીની આ યાદી પરથી સ્પષ્ટ થાય છે કે AAPએ હાલ ઉમેદવારો બદલવાનું ટાળીને જૂના ચહેરાઓ પર જ ભરોસો મૂક્યો છે. વહેલી યાદી જાહેર કરીને ઉમેદવારોને ચૂંટણી પ્રચાર માટે પૂરતો સમય આપવાની સાથે પાર્ટીએ સંભવિત સત્તાવિરોધી માહોલ વચ્ચે પણ જોખમ લેવાનું ટાળ્યું છે. હવે ટિકિટ ન મળનારા નેતાઓની નારાજગી અને પક્ષમાં સંભવિત બળવો AAP માટે કેટલો પડકાર બને છે તે જોવાનું રહેશે.