Get The App

3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
3 દાવેદારોમાંથી કોંગ્રેસે કેરળના મુખ્યમંત્રી ફાઇનલ કર્યાની ચર્ચા, જાણો ક્યારે થઈ શકે શપથ સમારોહ 1 - image

Keralam New CM: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ હવે સૌની નજર કેરલમ (Keralam) પર ટકેલી છે. કેરલમમાં કોંગ્રેસ ગઠબંધનની શાનદાર જીત બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ભારે ચર્ચાઓ જાગી છે. સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ કે.સી. વેણુગોપાલ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે અને તેમનું નામ લગભગ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે.

ખડગે પાસે પહોંચ્યો ધારાસભ્યોનો રિપોર્ટ

કેરલમમાં નવા મુખ્યમંત્રીની પસંદગી માટે કોંગ્રેસના નિરીક્ષકો અજય માકન અને મુકુલ વાસનિકે રવિવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ બંને નિરીક્ષકોએ દિલ્હી પહોંચી પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. અજય માકને જણાવ્યું હતું કે, અમે તમામ ધારાસભ્યો સાથે વ્યક્તિગત ચર્ચા કરી છે અને એક લાઇનનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. હાઇકમાન્ડ ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત કરશે.

કે. સી. વેણુગોપાલ પક્ષની પ્રથમ પસંદગી?

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી પદ માટે ત્રણ મુખ્ય દાવેદારો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી, પરંતુ કે. સી. વેણુગોપાલને બહુમતી ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે. કુલ 63 કોંગ્રેસ ધારાસભ્યોમાંથી અંદાજે 46 ધારાસભ્યોએ કે. સી. વેણુગોપાલના નામ પર મહોર મારી હોવાનું કહેવાય છે. વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાને 8 અને વિપક્ષના નેતા વી. ડી. સતીસનને માત્ર 6 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોવાના અહેવાલ છે. ધારાસભ્યોએ હાઇકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેને માન્ય રાખવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : બંગાળના નવા CMનું નામ નક્કી! ભાજપ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા લાવશે, ઔપચારિક જાહેરાત બાકી

ક્યારે થશે શપથગ્રહણ?

જો બધું પ્લાન મુજબ રહ્યું તો, શનિવારે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે અને સોમવાર, 11 મેના રોજ શપથગ્રહણ સમારોહ યોજાવાની શક્યતા છે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી ખાસ હાજરી આપી શકે છે. એટલું જ નહીં, તમિલનાડુમાં મોટી જીત નોંધાવનાર પાર્ટીના વડા વિજયને પણ આમંત્રણ મોકલવામાં આવે તેવી ચર્ચા છે.

રાજકીય ગણિત

કેરલમમાં કોંગ્રેસ માટે આ જીત અત્યંત મહત્ત્વની છે. જો કે. સી. વેણુગોપાલ મુખ્યમંત્રી બને છે, તો દિલ્હીના રાજકારણમાં તેમનું કદ તો વધશે જ, પરંતુ કેરલમમાં પણ સંગઠન વધુ મજબૂત બનશે. હવે જોવાનું એ રહેશે કે હાઇકમાન્ડ અન્ય નારાજ નેતાઓને કેવી રીતે મનાવે છે.