'કર્મોના ફળ ભોગવી રહ્યા છે...', લદાખ હિંસામાં 4ના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન
Ladakh Violence: પૂર્ણ રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનો સમાવેશ કરવાની માંગ સાથે ચાલી રહેલું આંદોલન હિંસક બન્યું છે. હિંસામાં ઓછામાં ઓછા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. પીપલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ ગની લોનએ આંદોલન દરમિયાન મોતને ભેટલા લોકો અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, લદ્દાખના લોકો તેમના કર્મોનું પરિણામ ભોગવી રહ્યા છે.'
સજ્જાદ લોને કહ્યું કે, 'હું કોઈ પણ શરત વગર સત્ય કહેવા માંગુ છું. અહીં જે કંઈ થઈ રહ્યું છે તે પોતાના જ કર્મોનું ફળ છે. જે વ્યક્તિ વિચાર્યા વિના સોદો કરે છે તેને પાછળથી પસ્તાવો થાય છે, તેવી જ રીતે દરેકને પોતાના કર્મોનું પરિણામ ભોગવવું પડે છે. આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તેનાથી તેઓ એવા ખરીદદાર બની ગયા છે.
અનામત અને કાશ્મીર પર નિયંત્રણના મુદ્દા
જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું ત્યારે પોતે ખુશ હતા એમ કહીને લોને પોતાની ખુશીનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું, 'અનામતના નામે તેઓ (લદ્દાખના લોકો) અમારી નોકરીઓ લઈ લેશે. તેઓ અમને પરેશાન કરશે. વળી, તેઓ અમારા લોકોને લદ્દાખમાં કામ પણ નહીં કરવા દે. તેમની પાસે હિલ કાઉન્સિલ છે, જ્યારે જમ્મુ-કાશ્મીર તરીકે અમારું તેમના પર કોઈ નિયંત્રણ જ નથી. લદ્દાખ એક ખૂબ નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જ્યાં ફક્ત ચાર વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક છે, તેમ છતાં લદ્દાખ સમસ્યા ઊભી કરનારું છે. કેન્દ્ર સરકાર લદ્દાખનો ઉપયોગ કાશ્મીરીઓને પરેશાન કરવા માટે કરે છે.'
આંદોલન અને હિંસાનો માહોલ
ઉલ્લેખનીય છે કે, સરકારે લદ્દાખમાં થયેલી હિંસા માટે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચૂકને જવાબદાર ઠેરવ્યા છે. ઉપરાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે આ એક પૂર્વઆયોજિત કાવતરું હતું. 10 સપ્ટેમ્બરે સોનમ વાંગચૂક અને લદ્દાખ એપેક્સ બોડીના 15 કાર્યકર્તાઓ ભૂખ હડતાળ પર બેઠા હતા. મંગળવારે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ મોટી સંખ્યામાં યુવાનો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને પ્રદર્શનકારીઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રદર્શનકારીઓએ ભાજપ કાર્યાલયને આગ ચાંપી દીધી હતી.