લાલુના દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો, ચૂંટણી ટાણે મહાગઠબંધનનું ટેન્શન વધાર્યું
Bihar News : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ની હવે ગમે ત્યારે મતદાનની તારીખો જાહેર થવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસ-રાજદના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન માટે ચિંતાનો વિષય ઊભો થયો છે. રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) ના પૂર્વ નેતા અને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે.
તેજ પ્રતાપે નવી પાર્ટીની કરી જાહેરાત
તેજ પ્રતાપની પાર્ટીનું નામ 'જનશક્તિ જનતા દળ' છે. તેનું ચૂંટણી પ્રતીક 'બ્લેકબોર્ડ' છે. તેજ પ્રતાપ યાદવે તેમના સત્તાવાર X હેન્ડલ પર ચૂંટણી પ્રતીક સાથે નવી પાર્ટીનું પોસ્ટર બહાર પાડ્યું છે.
નવી પાર્ટી બિહારના વિકાસ માટે સમર્પિત
તેજ પ્રતાપ યાદવે તેમના X હેન્ડલ પર તેમની નવી પાર્ટીનું પોસ્ટર અપલોડ કર્યું અને તેને કેપ્શન આપ્યું કે, 'હું અને મારી પાર્ટી બિહારના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રૂપે સમર્પિત છું. મારો અને મારી પાર્ટીનો હેતુ બિહારમાં સંપૂર્ણ બદલાવ માટે એક નવી વ્યવસ્થાનું નિર્માણ કરવાનો છે. જનશક્તિ જનતા દળ દ્વારા બિહારના સંપૂર્ણ વિકાસ માટે સંઘર્ષ કરીશું અને આગામી ચૂંટણીના મેદાનમાં ઉતરીને વિરોધીઓને ટક્કર આપીશું.'
તેજ પ્રતાપની જાહેરાતથી આરજેડીમાં ખળભળાટ
તેજ પ્રતાપ યાદવે પોતાની પાર્ટી, જનશક્તિ જનતા દળ માટે જે પોસ્ટર લોન્ચ કર્યું છે તેમાં પાંચ મહાપુરુષોની તસવીરો છે: મહાત્મા ગાંધી, બીઆર આંબેડકર, રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ અને કર્પૂરી ઠાકુર. આ દરમિયાન, તેજ પ્રતાપ યાદવે નવી પાર્ટીની જાહેરાતથી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)માં ખળભળાટ મચી ગયો છે, કારણ કે તેમનો નવો પક્ષ તેજસ્વી યાદવને સીધો પડકાર ફેંકી રહ્યો છે, જે I.N.D.I.A એલાયન્સનો મુખ્ય મંત્રીનો ચહેરો છે.
તેજ પ્રતાપ આરજેડી માટે સમસ્યા બનશે
તેજ પ્રતાપ યાદવ ગઠબંધનના મતમાં વિભાજન કરી શકે છે. ટિકિટ ન મળવાથી નારાજ આરજેડી નેતાઓ અને ધારાસભ્યોને વિભાજીત કરીને તેઓ તેજસ્વી યાદવને પણ ફટકો આપી શકે છે. તેજ પ્રતાપની પાર્ટીને બિહારમાં કેટલું જન સમર્થન મળે છે અને તે બિહારના રાજકારણમાં કેટલી જગ્યા મેળવી શકે છે તે જોવાનું બાકી છે, પરંતુ તેજ પ્રતાપ યાદવ પરિવાર અને આરજેડી વચ્ચે તણાવને વધુ તીવ્ર બનાવી શકે છે.