Get The App

'ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે...', જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
Omar Abdullah Slams BJP


Omar Abdullah Slams BJP: લદાખમાં તાજેતરમાં થયેલી હિંસા માટે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસનો બચાવ કરતાં કહ્યું કે, ભાજપને પોતાની નિષ્ફળતાઓનો દોષ હંમેશા બીજાના માથે ઢોળવાની આદત છે અને લેહની હિંસા અંગેનો આ આરોપ પણ તેનું જ એક ઉદાહરણ છે.

ઓમર અબ્દુલ્લાએ લદાખ પ્રશાસનને ઘેર્યું

પૂરગ્રસ્ત રિયાસી જિલ્લાના ગામોની મુલાકાત લીધા પછી, પત્રકારો સાથે વાત કરતાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'ઉપરાજ્યપાલના નેતૃત્વવાળા લદાખ પ્રશાસને એ વિચારવું જોઈએ કે તે વિસ્તારમાં શાંતિ જાળવવામાં અને યોગ્ય પગલાં લેવામાં કેમ નિષ્ફળ ગયું?' વાસ્તવમાં, બુધવારે લેહમાં થયેલી હિંસા માટે ભાજપે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી. આ અંગેના સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, 'જ્યારે લદાખમાં ભાજપની સરકાર છે અને તેઓ પોતે શાસન આપવામાં નિષ્ફળ ગયા છે, તો પછી દોષ બીજા કોઈના માથે કેમ ઢોળી રહ્યા છો?'

કોંગ્રેસમાં એટલી તાકાત નથી કે...

આ સાથે જ અબ્દુલ્લાએ સ્પષ્ટ સ્વરમાં કહ્યું, 'કોંગ્રેસમાં એટલી તાકાત નથી કે તે લદાખમાં હિંસા ભડકાવી શકે. જો કોંગ્રેસ એટલી શક્તિશાળી હોત કે તે લદાખમાં હિંસા ભડકાવી શકે, તો તે પાર્ટીએ ત્યાં પરિષદની રચના કેમ ન કરી? લદાખમાં છેલ્લી પરિષદની ચૂંટણી કોણ જીત્યું? ભાજપ, જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જ્યારે કંઈ ખોટું થાય છે, ત્યારે ભાજપના લોકો હંમેશા બહાના શોધવા લાગે છે અને તે પોતાની નિષ્ફળતાનું ઠીકરું બીજાના માથે ફોડે છે.'

લેહ હિંસામાં ચારનાં મોત, 80થી વધુ ઘાયલ

બુધવારે લદાખમાં થયેલી હિંસામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા. લદાખને રાજ્યનો દરજ્જો આપવા અને બંધારણની છઠ્ઠી અનુસૂચિના વિસ્તરણની માંગના આંદોલનને સમર્થન આપતા સેંકડો પ્રદર્શનકારીઓએ લેહમાં ભાજપ કાર્યાલય તેમજ અનેક વાહનોને આગ લગાવી હતી.

આ પણ વાંચો: બિહાર ચૂંટણી ટાણે મહાગઠબંધન ટેન્શનમાં, લાલુના દીકરા તેજ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો

અહીં એ નોંધવું જરૂરી છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું. ત્યારથી લદાખ એક નવો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે, જ્યાં હાલમાં ઉપરાજ્યપાલનું શાસન છે. હાલમાં ભાજપના પૂર્વ નેતા કવિન્દર ગુપ્તા ત્યાં ઉપરાજ્યપાલ તરીકે કાર્યરત છે. બુધવારે જ્યારે સેંકડો યુવાનો અને વિદ્યાર્થીઓએ લેહમાં હિંસક વિરોધ પ્રદર્શન કર્યું, ત્યારે ભાજપે કોંગ્રેસ પર આ હિંસા ભડકાવવાનો આરોપ મૂક્યો હતો.

'ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે...', જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર 2 - image

Tags :