જમ્મુ પોલીસના અંગ્રેજી સમાચાર પત્રની ઓફિસ પર દરોડા, AK-47 અને પિસ્તોલ સહિતના હથિયાર જપ્ત

Jammu and Kashmir SIA Raid : જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ આજે (20 નવેમ્બર) કાશ્મીર ટાઈમ્સ સમાચાર પત્રની જમ્મુ સ્થિત ઓફિસ પર દરોડો પાડ્યો છે. આ દરોડા દરમિયાન સમાચાર પત્રની ઓફિસમાંથી એકે રાઈફલ્સના કારતૂસ, પિસ્તોલની ગોળીઓ અને હેન્ડ ગ્રેનેડની પિન મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.
દેશ વિરોધી પ્રવૃત્તિ મામલે દરોડો પડાયો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સમાચાર પત્ર અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ દેશ વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આરોપમાં નોંધાયેલા કેસના સંબંધમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. SIAની ટીમોએ કોમ્પ્યુટર્સ સહિત ઓફિસની સંપૂર્ણ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં અખબારના પ્રમોટર્સની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.
દરોડા મામલે ઉપમુખ્યમંત્રીએ શું કહ્યું?
જમ્મુ-કાશ્મીરના ઉપમુખ્યમંત્રી સુરિંદર સિંહ ચૌધરીએ દરોડા મામલે કહ્યું કે, ‘કાર્યવાહી ફક્ત ત્યારે જ થવી જોઈએ જ્યારે કંઈક ગેરકાયદે જણાય. જો તેમણે કંઈ ખોટું કર્યું હોય તો કાર્યવાહી થવી જોઈએ, પરંતુ જો માત્ર દબાણ બનાવવા માટે આવું કરવામાં આવી રહ્યું હોય, તો તે ખોટું ગણાશે.’
આ પણ વાંચો : દિલ્હી વિસ્ફોટ કેસ : NIAએ જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી વધુ ચાર આરોપીની ધરપકડ કરી
સ્વતંત્ર પત્રકારત્વને ચૂપ કરાવવાનો પ્રયાસ : સંપાદકો
અખબારના સંપાદકો અનુરાધા ભસીન જામવાલ અને પ્રબોધ જામવાલે દરોડાની કાર્યવાહીની નિંદા કરી હતી. તેમણે સ્વતંત્ર પત્રકારત્વને ચૂપ કરાવવાનો સુનિયોજિત પ્રયાસ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, સરકારની ટીકા કરવી એ દેશ વિરોધી હોવું નથી. અમારા પર લગાવવામાં આવેલા આરોપો ડરાવવા, બદનામ કરવા અને અમને મૌન કરાવવા માટે ઘડવામાં આવ્યા છે.

