Karnataka Road Accident : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના જાણીતા ફીનિક્સ મોલ ઑફ એશિયાની બહાર એક કાર અચાનક બેકાબૂ થઈને ફૂટપાથ પર ચઢી ગઈ હતી. આ અકસ્માતમાં ફૂટપાથ પર ચાલી રહેલા સાત રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ફૂટપાથ પર ઊભેલા લોકોને બચવાની તક પણ ન મળી
બુધવારે બનેલી આ ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, કાર ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી ફૂટપાથ તરફ વળી ગઈ હતી. કારની ગતિ એટલી વધારે હતી કે ફૂટપાથ પર ઊભેલા લોકોને બચવાની તક પણ મળી ન હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.
કાર જપ્ત, ડ્રાઇવર સામે ગુનો દાખલ
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કારને જપ્ત કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ મામલો બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો હોવાનું જણાય છે, પરંતુ ડ્રાઇવર નશામાં હતો કે કેમ તે જાણવા માટે તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : શું વન-ડે મેચ રમાવાની બંધ થઈ જશે? પૂર્વ ભારતીય ખેલાડી આર. અશ્વિનના નિવેદને ચોંકાવ્યા


