Secrets of Longevity in Blood : જીવમાત્રના શરીરને ટકાવી રાખતું તત્ત્વ એટલે લોહી. હાલના વૈજ્ઞાનિક સંશોધનો સૂચવે છે કે આપણા શરીરમાં વહેતા લોહીમાં લાંબું અને સ્વસ્થ જીવન જીવવાના સંકેતો છુપાયેલા છે. 100 વર્ષથી વધુ ઉંમર સુધી જીવતા ‘સેન્ટેનેરિયન્સ’ (શતકવીરો) અને 110 વર્ષથી વધુ ઉંમર સુધી જીવતા ‘સુપર સેન્ટેનેરિયન્સ’ના રક્તનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ આ સંકેતોને ડિકોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને રસપ્રદ તારણો મેળવી રહ્યા છે.
સેન્ટેનેરિયન્સના લોહીમાં છુપાઈ છે અનોખી 'બાયોલોજિકલ સિગ્નેચર'
સંશોધનો દર્શાવે છે કે સો વર્ષ સુધી જીવતા લોકોના લોહીમાં અન્ય લોકો કરતાં સ્પષ્ટ અને અનોખા ‘બાયોમાર્કર્સ’ (જૈવિક ચિહ્નો) હોય છે. આ વિશિષ્ટતાઓ તેમના લાંબા આયુષ્યનું રહસ્ય સમજાવવામાં મદદરૂપ થઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે આવા ચિહ્નો વ્યક્તિ 65 વર્ષની હોય ત્યારે પણ શોધી શકાય છે, એટલે કે વ્યક્તિ ખૂબ જ વૃદ્ધ થાય એના ઘણા વર્ષો પહેલાં. આ એવા ચિહ્નો છે જે હૃદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર જેવી ઉંમર સાથે સંકળાયેલી બીમારીઓ સામે રક્ષણ આપતા હોય છે.
117 વર્ષ જીવેલી સ્ત્રીના લોહીના અભ્યાસના તારણો શું કહે છે?
આ વર્ષની શરૂઆતમાં સ્પેનના વિજ્ઞાનીઓએ 117 વર્ષ સુધી જીવેલી મારિયા બ્રાન્યાસ (Maria Branyas) નામની સુપરસેન્ટેનરિયન મહિલાના લોહીનો વિગતવાર અભ્યાસ કર્યો, જેના તારણો નીચે મુજબ મળ્યાં.
- મારિયાના લોહીમાં 'ખરાબ કોલેસ્ટ્રોલ’નું પ્રમાણ ખૂબ જ નીચું હતું. 'ખરાબ કોલેસ્ટ્રોલ’નું પ્રમાણ જેટલું નીચું એટલું હૃદય વધુ સ્વસ્થ.
- મારિયાની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુન સિસ્ટમ) ખૂબ મજબૂત હતી, જેને લીધે તેમને બિમારીઓ બહુ ઓછી અસર કરતી.
- મારિયાના શરીરના કોષો પણ તેમની વાસ્તવિક ઉંમર કરતાં ઘણાં યુવાન હોય એવું વર્તન કરતા હતા.
- આશ્ચર્યજનક તથ્ય એ છે કે મારિયાના રંગસૂત્રોના 'ટેલોમેર્સ' (રંગસૂત્રોના છેડા પર રહેલા રક્ષણાત્મક ઢાંકણ) ખૂબ જ ટૂંકા હતા. વિજ્ઞાનીઓ માને છે કે, આવા ટૂંકા ટેલોમેર્સ કદાચ કોષોના અનિયંત્રિત વિકાસને અટકાવીને કેન્સરથી બચાવમાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો : નવા વર્ષના પહેલા જ દિવસે ભારત-પાકિસ્તાને નિભાવી 35 વર્ષ જૂની પરંપરા
ચયાપચય (મેટાબોલિઝમ)ને લાંબી ઉંમર સાથે સીધો સંબંધ છે
ચીનમાં થયેલા એક અન્ય અભ્યાસમાં 65 સેન્ટેનેરિયન્સના રક્તના નમૂનાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એમાં એક મહત્ત્વપૂર્ણ તફાવત એ જોવા મળ્યો હતો કે, સેન્ટેનેરિયન્સના લોહીમાં ચરબી (ફેટી એસિડ) અને ચયાપચય સંબંધિત અન્ય તત્ત્વો (ગ્લુટામેટ, ટાયરોસિન, ફીનાઇલએલાનિન જેવા એમિનો એસિડ્સ તથા કાર્બોક્સિલિક એસિડ્સ)નું પ્રમાણ યુવાનો કરતાં પણ ઓછું હતું. આ સૂચવે છે કે તેમનું શરીર ઊર્જા માટે ખોરાકનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરે છે. વિજ્ઞાનીઓ માને છે કે, આ પ્રકારની 'મેટાબોલિક પેટર્ન' નજીકના ભવિષ્યમાં 'દીર્ઘાાાયુષ્ય ઘડિયાળ' તરીકે કામ આપશે, એટલે કે એને આધારે વ્યક્તિના સ્વાસ્થ્ય અને આયુષ્યની સંભાવનાનો અંદાજ આપી શકાશે.
આહાર અને જીવનશૈલીનું મહત્ત્વ
જોકે, હજુ એવું કોઈ એક જડબેસલાક રક્ત પરીક્ષણ નથી શોધાયું કે જે કોઈ વ્યક્તિ કેટલું જીવશે એની ચોક્કસ આગાહી કરી શકે. પરંતુ, સંશોધકો એ બાબતે એકમત છે કે, આહાર અને જીવનશૈલી આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. 117 વર્ષ જીવેલાં મારિયા બ્રાન્યાસ આદર્શ ગણાતો ‘મેડિટેરેનિયન ડાયેટ’ (ભૂમધ્યસાગરીય આહાર) લેતાં હતાં, જેમાં તાજા ફળ, શાકભાજી, આખું અનાજ, ઓલિવ ઑઇલ અને મધ્યમ માત્રામાં માછલીનું સેવન કરવાનું હોય છે. લાંબી ઉંમર સાથે જોડાયેલા ઘણા બાયોમાર્કર્સ આવા સંતુલિત પોષક આહાર સાથે સીધો સંબંધ ધરાવે છે.
ભવિષ્યમાં દરેકની વૃદ્ધાવસ્થા સ્વસ્થ અને સક્રિય હશે?
વિજ્ઞાનીઓ એ બાબતે આશાવાદી છે કે સેન્ટેનેરિયન્સના લોહી પરના સંશોધનોમાંથી જે કંઈ શીખવા મળી રહ્યું છે એ ભવિષ્યમાં એવી દવાઓ, સારવારો અને જીવનશૈલીમાં ફેરફાર તરફ દોરી જશે, કે જે દરેક વ્યક્તિને લાંબું અને સ્વસ્થ જીવન જીવવામાં મદદરૂપ થશે. હેતુ ફક્ત ઉંમર વધારવાનો નહીં, પણ 'આરોગ્યપૂર્ણ આયુષ્ય' (Healthy Longevity) પ્રાપ્ત કરવાનો છે, જેથી દરેક જણ વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ અને સક્રિય રહી શકે.
આ પણ વાંચો : નેપાળ, બાંગ્લાદેશ બાદ હવે ઈરાનમાં ઠેર ઠેર હિંસા, ઈમારતોમાં તોડફોડના પ્રયાસ


