Sports News : ભારતીય ટીમના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને વન-ડે ક્રિકેટના ભવિષ્યને લઈને એક ગંભીર અને નવી થીયરી રજૂ કરી છે. અશ્વિનનું માનવું છે કે, 2027ના વન-ડે વર્લ્ડ કપ બાદ ‘વન-ડે ફોર્મેટ’ પર મોટું સંકટ આવી શકે છે. ખાસ કરીને જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીઓ ક્રિકેટને અલવિદા કહેશે, ત્યારે વન-ડે ક્રિકેટને જોનાર પ્રેક્ષકોની સંખ્યામાં મોટો ઘટાડો થઈ શકે છે.

કોહલી-રોહિત નિવૃત્ત થશે તો વન-ડે કોણ જોશે?
અશ્વિને ઘરેલું ક્રિકેટનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, ‘આમ તો અત્યાર સુધી વન-ડે ફોર્મેટ હેઠળ રમાતી વિજય હજારે ટ્રોફીમાં ક્રિકેટ રસિયાઓમાં ખાસ ઉત્સાહ જોવા મળતો નહોતો, પરંતુ જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્મા (Virat Kohli and Rohit Sharma) જેવા દિગ્ગજ ખેલાડીઓ તેમાં રમવા આવ્યા ત્યારે તેમાં લોકોનો ઉત્સાહ વધ્યો. મારુ માનવું છે કે, રમત હંમેશા ખેલાડી કરતા મોટી હોય છે, પરંતુ રમતને જીવંત રાખવા માટે આવા ખેલાડીઓ હોવા જરૂરી છે. જ્યારે આ બંને દિગ્ગજો નિવૃત્ત થશે, ત્યારે વન-ડે ક્રિકેટ કોણ જોશે?’

ટી20 અને ટેસ્ટ વચ્ચે વન-ડેની જગ્યા ઘટી
અશ્વિને (Ravichandran Ashwin) એમ પણ કહ્યું કે, ‘T20 લીગ મેચો વધુમાં વધુ રમાઈ રહી છે અને ક્રિકેટ રસિયાઓમાં ટેસ્ટ ક્રિકેટનું મહત્ત્વ પણ યથાવત્ છે, તેથી હવેના શેડ્યૂલમાં વન-ડેની જગ્યા બચી નથી. હું સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમાતી T20 મેચો ઉત્સાહથી જોઉં છું, પરંતુ વિજય હઝારે ટ્રોફી જોવામાં એટલો ઉત્સાહ રહેતો નથી. આપણે સમજવું પડશે કે પ્રેક્ષકો શું જોવા માંગે છે. ટેસ્ટ ક્રિકેટનો હજુ પણ ક્રેઝ છે, પરંતુ વન-ડે ફોર્મેટ સંઘર્ષ તરફ ધસી રહ્યું છે.’

ધોની જેવા ફિનિશર્સનો જમાનો ગયો
વન-ડે ક્રિકેટમાં આવેલા ફેરફારો પર ટિપ્પણી કરતા અશ્વિને કહ્યું કે, ‘એક સમયે વન-ડે ફોર્મેટ જોવામાં ખૂબ જ મજા આવતી હતી. આ ફોર્મેટે એમ.એસ. ધોની (MS Dhoni) જેવા ખેલાડીઓ આપ્યા છે, તેઓ 10-15 ઓવર સુધી માત્ર એક-એક રન લઈને ઈનિંગ્સને સંભાળતા અને અંતમાં વિસ્ફોટક બેટિંગ કરતા હતા. જોકે હવે આવા ખેલાડીઓ જોવા મળતા નથી અને વર્તમાનમાં આવી રીતે બેટિંગની પણ જરૂર નથી, કારણ કે, હવે બે નવી બોલ અને સર્કલની અંદર પાંચ ફિલ્ડરોના નિયમો લાગુ છે, જેના કારણે રમતની શૈલી બદલાઈ ગઈ છે.’
ભારત તરફથી 765 વિકેટ ઝડપનાર આ અનુભવી સ્પિનરની આ ચિંતા ક્રિકેટ જગતમાં નવી ચર્ચા છેડી શકે તેમ છે.


