કોંગ્રેસના ધારાસભ્યને ‘CM બદલવાની’ વાત ફેલાવવી ભારે પડી, પક્ષે ફટકારી નોટિસ
Karnataka Political News : કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસનો વિજય થયો હતો. આ પરિણામ મે-2023માં જાહેર થયું હતું. ત્યારબાદ પાર્ટીએ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે અઢી-અઢી વર્ષની ટર્મ નક્કી કરી હતી. આ દરમિયાન પહેલી ટર્મ માટે સિદ્ધારમૈયા (CM Siddaramaiah)ને અને બીજી ટર્મ માટે ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રથમ ટર્મ ડિસેમ્બરમાં પુરી થઈ રહી હોવાની અને હવે ડી.કે.શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક ધારાસભ્યએ મુખ્યમંત્રી બદલવા મામલે નિવેદન આપ્યું હતું, જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ નારાજ થયા છે અને ધારાસભ્ય સામે કાર્યવાહી કરી છે.
શું હતો મામલો?
કોંગ્રેસ ધારાસભ્ય બસવરાજૂ વી. શિવગંગા (Basavaraju Shivaganga)એ દાવો કર્યો હતો કે, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર (DK Shivakumar) ડિસેમ્બર બાદ રાજ્યના મુખ્યમંત્રી બનશે. ત્યારબાદ શિવકુમારે શિવગંગાના નિવેદનને પક્ષની શિસ્તતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, તેમને નોટિસ ફટકારાશે. ચન્નાગિરીના ધારાસભ્ય શિવગંગાએ દાવણગેરેમાં કહ્યું હતું કે, ‘ડિસેમ્બ બાદ શિવકુમાર મુખ્યમંત્રી બનશે.’ શિવગંગાએ અગાઉ પણ મીડિયા સામે આવું નિવેદન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે, આગામી સમયમાં શિવકુમાર જ મુખ્યમંત્રી પદ સંભાળશે.
શિવગંગાના નિવેદનથી શિવકુમાર નારાજ
શિવગંગાના દાવા બાદ શિવકુમારે કહ્યું હતું કે, ‘શિવગંગાને અનેક ચેતવણી આપવા છતાં તેઓ આવા નિવેદન કરી રહ્યા છે, તેમને નોટિસ ફટકારવામાં આવશે. પાર્ટીના કોઈપણ વ્યક્તિએ મુખ્યમંત્રી પદ અને અન્ય મુદ્દાઓ પર વાત ન કરવી જોઈએ. ધારાસભ્યોએ પક્ષની શિસ્તતાનું પાલન કરવું જોઈએ, તેમણે પોતાની હદ ન વટાવવી જોઈએ.’
આ પણ વાંચો : 'અમે ખોટા કાયદાઓને વીણી-વીણીને ખતમ કરીશું', દિલ્હીની જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી