'અમે ખોટા કાયદાઓને વીણી-વીણીને ખતમ કરીશું', દિલ્હીની જનસભામાં બોલ્યા વડાપ્રધાન મોદી
PM Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-II) અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી ભાગનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે દિલ્હીને વિકાસનું મોડેલ બનાવવું જરૂરી છે, જેથી દુનિયામાં ભારતની રાજધાની તરીકે તેની ઓળખ પ્રસ્થાપિત થાય.
સફાઈકર્મીઓ માટેના જૂના કાયદાઓ પર પ્રહાર
પીએમ મોદીએ દિલ્હીના સફાઈકર્મીઓની પ્રશંસા કરતા કહ્યું કે, 'અગાઉની સરકારોએ તેમને ગુલામ સમજ્યા હતા. તેમણે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટમાં રહેલા એક ખતરનાક કાયદાનો ઉલ્લેખ કર્યો, જે મુજબ સફાઈમિત્ર જાણ કર્યા વગર ગેરહાજર રહે તો તેને એક મહિનાની જેલ થઈ શકતી હતી.' પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે, 'ભાજપ સરકારે આવા અનેક ખોટા કાયદાઓ શોધીને રદ કર્યા છે અને આ અભિયાન ચાલુ રહેશે.'
મુખ્યમંત્રી રેખા ગુપ્તાના કાર્યોની પ્રશંસા
પ્રધાનમંત્રીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં ચાલી રહેલા કાર્યોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, 'ભાજપ સરકાર યમુના નદીની સફાઈમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં 16 લાખ મેટ્રિક ટન કાંપ હટાવવામાં આવ્યો છે. ઉપરાંત, દિલ્હીમાં ટૂંકા સમયમાં 650 DEVI ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવી છે, જે ભવિષ્યમાં 2000 નો આંકડો પાર કરશે અને 'ગ્રીન દિલ્હી-ક્લીન દિલ્હી' મંત્રને મજબૂત બનાવશે.
અગાઉની સરકારો પર નિશાન સાધ્યું
પીએમ મોદીએ અગાઉની સરકારો પર દિલ્હીને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વર્તમાન ભાજપ સરકાર, લોકો દ્વારા પસંદ કરાયેલી ટીમ સાથે, દિલ્હીને દાયકાઓની સમસ્યાઓમાંથી બહાર લાવશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર હોવાથી, આખા ક્ષેત્રનો આશીર્વાદ ભાજપ પર છે અને તેઓ દિલ્હી-NCRના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
'ડબલ બોનસ' અને GST રિફોર્મ
પીએમ મોદીએ જણાવ્યું કે, 'ભાજપ સરકાર માટે રિફોર્મનો અર્થ સુશાસનનો વિસ્તાર છે.' તેમણે આગામી સમયમાં મોટા રિફોર્મ્સ કરવાની વાત કરી, જેથી જીવન અને વ્યવસાય બંને સરળ બને. દિવાળીથી GSTમાં 'નેક્સ્ટ જનરેશન રિફોર્મ' આવશે, જેનાથી દેશવાસીઓને 'ડબલ બોનસ' મળશે. તેમનો ઉદ્દેશ્ય GSTને વધુ સરળ બનાવવાનો અને ટેક્સ રેટ્સને સુધારવાનો છે, જેનો ફાયદો દરેક પરિવાર, ગરીબ, મધ્યમ વર્ગ, ઉદ્યોગપતિઓ અને વેપારીઓને થશે.