Get The App

કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર, કેરળ સરકાર થઈ ગુસ્સે

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે 400 મુસ્લિમોના ઘરો પર ચલાવ્યું બુલડોઝર, કેરળ સરકાર થઈ ગુસ્સે 1 - image


Karnataka Political News : કર્ણાટક સરકારે બેંગલુરુમાં 400થી વધુ ઘરો પર બુલડોઝર ફેરવી નાખ્યા બાદ ભારે વિવાદ ઉભો થયો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં મકાનો તોડી પડાતા અનેક લોકો, જેમાં મોટાભાગે મુસ્લિમ સમાદના લોકો છે, તેઓ બેઘર થઈ ગયા છે. આ કાર્યવાહી બાદ સત્તાધારી કોંગ્રેસ અને કેરળ લેફ્ટ ફ્રન્ટ યુનિટ વચ્ચે શાબ્દિક પ્રહારો શરૂ થઈ ગયા છે.

કડકડતી ઠંડીમાં ઘરો પર જેસીબી ફેરવી નખાયું

રિપોર્ટ મુજબ, શહેરમાં વર્ષની સૌથી વધુ ઠંડી પડી રહી છે, ત્યારે બેંગલુરુ સૉલિડ વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડની ટીમ ચાર જેસીબી અને 150થી વધુ પોલીસ કર્મચારીઓને લઈને 22 સપ્ટેમ્બરે સવારે 4.00 કલાકે કોગિલુ ગામના ફકીર કૉલોની અને વસીમ લેઆઉટમાં પહોંચી ગઈ હતી, જ્યાં તેમણે અનેક મકાનો તોડી નાખતા 400 પરિવારો બેઘર થઈ ગયા છે. 

પોલીસે બળજબરીથી ઘરમાંથી કાઢ્યા હોવાનો દાવો

કર્ણાટક સરકારે કહ્યું કે, જે ઘરો તોડી પાડવામાં આવ્યા છે, તે ઉર્દૂ ગર્વમેન્ટ શાળા પાસે એક સરકારી જમીન પર ગેરકાયદે ઘરો બનાવવામાં આવ્યા હતા. જોકે ત્યાંના રહેવાસીઓએ દાવો કર્યો છે કે, તેમને કોઈપણ નોટિસ આપવામાં આવી નથી અને પોલીસે તેમને ઘરમાંથઈ બળજબરીથી કાઢ્યા છે. આ કારણે સેંકડો લોકોએ કડકડતી ઠંડીમાં રસ્તા પર અને કામચલાઉ શેલ્ટર હોમમાં રાત વિતાવવી પડી રહી છે.

રહેવાસીઓ પાસે આધાર અને મતદાર કાર્ડ

મીડિયા રિપોર્ટમાં કેટલાક રહેવાસીઓને ટાંકીને કહેવાયું છે કે, તેઓ 25 વર્ષથી તે વિસ્તારમાં રહેતા હતા અને તેમની પાસે આધાર કાર્ડ અને મતદાર આઈડી કાર્ડ પણ છે. હવે આ મુદ્દે કોંગ્રેસ સરકાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. બુલડોઝર કાર્યવાહીના કારણે લોકો સરકારના વિરોધમાં દેખાવો અને પ્રદર્શનો કરી રહ્યા છે. કેટલાક લોકો મહેસૂલ મંત્રી કૃષ્ણા બાગરે ગોડના ઘર પાસે પણ પહોંચી ગયા છે અને દેખાવો કર્યા છે. એટલું જ નહીં દલિત સંઘર્ષ સહિત અનેક સંગઠનો પણ વિરોધમાં જોડાયા છે.

આ પણ વાંચો : ભારતે ફરી વધાર્યું પાકિસ્તાનનું ટેન્શન, જાણો શું લીધો મોટો નિર્ણય

કેરળના સીએમએ કોંગ્રેસની કરી ટીકા

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ટીકા કરી, બુલડોઝર કાર્યવાહીને કોંગ્રેસની લઘુમતી વિરોધી નીતિ ગણાવી છે. જ્યારે કેરળના મંત્રી વી.શિવનકુટ્ટીએ કહ્યું કે, કોંગ્રેસે અમાનવીય કાર્યવાહી કરી છે, જે ઈમરજન્સીની યાદ અપાવે છે. જે લોકો ધર્મનિરપેક્ષતા અને લોકશાહીના નામે સત્તામાં આવ્યા છે, તેઓ ગરીબ લોકોના ઘરો તોડીને ફરી પોતાનો પાખંડ દેખાડી રહ્યા છે. બીજીતરફ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રીએ કેરળના મુખ્યમંત્રીની પ્રતિક્રિયાનો જવાબ આપતા કહ્યું કે, કબજે કરાયેલા જે વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે, તે કચરો ફેકવાની જગ્યા હતી, પરંતુ જમીન માફિયાઓએ તે વિસ્તારને ઝૂંપડપટ્ટીમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. અને લોકોને નવા સ્થળે જવાનો સમય આપ્યો હતો. અમે બુલડોઝર ચલાવવામાં વિશ્વાસ રાખતા નથી. નેતાઓએ તથ્ય જાણ્યા વગર ટિપ્પણી ન કરવી જોઈએ.’

આ પણ વાંચો : કોંગ્રેસના જૂના જોગીએ PM મોદી-RSSના વખાણ કરતાં ખળભળાટ