Get The App

સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ નદી પર બીજા પ્રોજેક્ટને આપી મંજૂરી

Updated: Dec 27th, 2025

GS TEAM

Google News
Google News
સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ ભારતનો બીજો મોટો નિર્ણય, ચિનાબ નદી પર બીજા પ્રોજેક્ટને આપી મંજૂરી 1 - image


Dulhasti Power Project : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ-2025ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, ત્યારબાદ ભારત આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન વિરુદ્ધ એક પછી એક કાર્યવાહી કરી રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પીઓકે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરી નાખ્યા હતા, એટલું જ નહીં ભારતે સિંધુ જળ સમજૂતી પણ રદ કરી દીધી હતી, જેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પાસે જઈને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની સાથે પાણી માટે ભીખ માગી રહ્યું છે. એટલું જ નહીં, બિલાવ ભુટ્ટો સહિતના પાકિસ્તાની નેતાઓ ભારત પર પરમાણુ હુમલો કરવાની પણ ધમકી આપતા રહ્યા છે. હવે ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો પાઠ ભણાવ્યો છે અને એક મોટા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેના કારણે પાકિસ્તાનના ટેન્શનમાં વધુ વધારો થયો છે.

ચિનાબ નદી પર વધુ 260 મેગાવોટના પ્રોજેક્ટને મંજૂરી

ભારતના પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા સ્થિત ચિનાબ નદી પર 260 મેગાવોટની ‘દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ’ના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. હવે આ 3200 કરોડ રૂપિયાના ‘રન ઑફ ધ રિવલ’ પ્રોજેક્ટ માટે ટેન્ડર જારી કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને દુલહસ્તી પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપવાનો નિર્ણય પાકિસ્તાન માટે અનેક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પ્રોજેક્ટની ખાસિયત

‘રન ઑફ ધ રિવલ’ જળવિદ્યુત પ્રોજેક્ટના ધ્યેય સાથે સંકળાયેલો બીજા તબક્કાનો પ્રોજેક્ટ એક એવો પ્રોજેક્ટ છે, જેમાં નદીઓના જળ પ્રવાહમાં કોઈપણ અડચણ ઊભી કર્યા વગર વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, નદીમાં કોઈપણ અચડણ કર્યા વગર કુદરતી પ્રવાહનો ઉપયોગ કરી શકાય છે.

વધુ 260 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે

દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ પર વર્તમાનમાં 390 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા પર કામ થઈ રહ્યું છે. વર્ષ 2007માં NHPCએ આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. હવે પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી મળ્યા બાદ વધુ 260 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે.

આ પણ વાંચો : ઝેલેન્સ્કી નહીં, હું છું બોસ... યુક્રેનના પ્રમુખની ટ્રમ્પે કરી મજાક; મહત્ત્વપૂર્ણ બેઠક પહેલા જ તણાવ

સિંધુ ખીણમાં અનેક પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે કામ

જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધી લાગુ હતી, ત્યાં સુધી પાકિસ્તાનનો સિંધુ, જેલમ અને ચિનાબ નદી પર અધિકાર હતો, જ્યારે રાવી, બ્યાસ અને સતલુજ નદી પર ભારતનો અધિકાર હતો. હવે સંધિ રદ કરી દેવાઈ છે, તેથી ભારત સરકારે સિંધુ બેસિન પર અનેક જળવિદ્યુત પ્રોજેક્ટની કામગીરી આગળ વધારી રહી છે. આ પ્રોજેક્ટો સાવલકોટ, રાતલે, બરસર, પાકલ દુલ, ક્કાર, કિરુ અને કીતઈના પ્રથમ તેમજ બીજા તબક્કા સામેલ છે.

...તો પાકિસ્તાનને થશે મોટું નુકસાન

  • અત્યાર સુધી સિંધુ જળ સંધિ મુજબ પશ્ચિમની નદીઓ જેમ કે સિંધુ, જેલમ અને ચિનાબના પાણી પર પાકિસ્તાનનો મુખ્ય હક હતો. સંધિ સ્થગિત થવાથી ભારત હવે આ નદીઓ પર મોટા ડેમ અને સંગ્રહ ક્ષમતા વધારી શકે છે. જો ભારત પાણીનો સંગ્રહ કરે અથવા તેના પ્રવાહની દિશામાં ફેરફાર કરે, તો પાકિસ્તાનને મળતા પાણીના જથ્થામાં સીધો ઘટાડો થઈ શકે છે.
  • પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખેતી પર નિર્ભર છે અને તેની ખેતીનો મોટો હિસ્સો ચિનાબ અને જેલમ નદીઓના પાણી પર આધારિત છે. જો ભારત દુલહસ્તી જેવા અનેક પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરે, તો પાકિસ્તાનના પંજાબ અને સિંધ પ્રાંતમાં સિંચાઈ માટે પાણીની અછત સર્જાઈ શકે છે. આનાથી ત્યાં પાકના ઉત્પાદનમાં ઘટાડો અને ખાદ્ય સુરક્ષાનું જોખમ ઊભું થઈ શકે છે.
  • પાકિસ્તાન પોતાની વીજળી જરૂરિયાતો માટે પણ આ નદીઓ પર બનેલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર આધાર રાખે છે. જો ભારત ઉપરવાસમાં પાણીનો પ્રવાહ રોકે અથવા નિયંત્રિત કરે, તો પાકિસ્તાનના નીચેના ભાગમાં આવેલા પાવર સ્ટેશનોની કાર્યક્ષમતા ઘટી શકે છે, જેના કારણે ત્યાં પહેલેથી જ ગંભીર એવી વીજળીની સમસ્યા વધુ વકરી શકે છે.
  • ભારત દ્વારા આ સંધિને સસ્પેન્ડ કરવી એ પાકિસ્તાન પર એક મોટું દબાણ છે. સંધિ વગર પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચ પર કાયદાકીય રક્ષણ ગુમાવી શકે છે. ભારત હવે નદીઓના પાણીનો ઉપયોગ એક વ્યૂહાત્મક હથિયાર તરીકે કરી શકે છે, જે પાકિસ્તાન માટે અસ્થિરતાનું કારણ બની શકે છે.
  • સિંધુ જળ સંધિ હેઠળ બંને દેશો ડેટા શેર કરતા હતા અને વિવાદોનું નિરાકરણ લાવતા હતા. હવે સંધિ સ્થગિત થવાથી પાકિસ્તાનને ભારતની પ્રવૃત્તિઓ વિશેની ટેકનિકલ માહિતી મળતી બંધ થઈ ગઈ છે.

આ પણ વાંચો : ભારત માટે પોતાના જ દેશના વિદેશ મંત્રી સાથે બાખડી પડ્યા ન્યૂઝીલેન્ડના PM, FTA મુદ્દે રોકડું પરખાવ્યું