Get The App

કર્ણાટકમાં 'મુખ્યમંત્રી પદ'ના વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, બદલ્યાં 2 શહેરના નામ

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
કર્ણાટકમાં 'મુખ્યમંત્રી પદ'ના વિવાદ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, બદલ્યાં 2 શહેરના નામ 1 - image

Karnataka News : કર્ણાટક કોંગ્રેસમાં 'મુખ્યમંત્રી પદ'ના વિવાદ વચ્ચે સિદ્ધારમૈયા સરકારે બુધવારે (2 જુલાઈ) બે શહેરોના નામ બદલવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બેંગલુરુ ગ્રામીણ જિલ્લાનું નામ બેંગલુરુ નોર્થ અને બાગેપલ્લીનું નામ ભાગ્યનગર કરવાની જાહેરાત કરી છે. આ પહેલા બીજી મે-2025માં રામનગર જિલ્લાનું નામબદલીને બેંગલુરુ દક્ષિણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે જ આ જિલ્લાનું નામ બદલવા માટે પ્રસ્તાવ મુક્યો હતો.

કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈ વિવાદ

છેલ્લા કેટલાક દિવસથી કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની ચાલી રહેલી ચર્ચાઓ પર બુધવારે (2 જુલાઈ) પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. સિદ્ધારમૈયા જ પાંચ વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહેશે, તે મુખ્યમંત્રીની રેસમાં સામેલ નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારના નિરાશાજનક નિવેદનથી ફાઈનલ થઈ ગયું છે. સિદ્ધારમૈયા (CM Siddaramaiah)એ દાવો કર્યો છે કે, ‘હું જ પાંચ વર્ષ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદ પર યથાવત્ રહીશ, તેમાં કોઈપણ અટકળો અને અફવાઓ અચડણો ઉભી કરી શકશે નહીં.’ સિદ્ધારમૈયાના આ નિવેદન બાદ ડી.કે.શિવકુમારે જાહેરમાં પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો : સિદ્ધારમૈયા જ પાંચ વર્ષ સુધી રહેશે મુખ્યમંત્રી, ડી.કે.શિવકુમારના નિરાશાજનક નિવેદનથી થઈ ગયું ફાઈનલ

મુખ્યમંત્રી પદ અંગે ડી.કે.શિવકુમારે શું કહ્યું ?

નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે (D.K.Shivakumar) મીડિયાના સવાલોનો જવાબ આપતા કહ્યું કે, ‘મારી પાસે અન્ય કોઈ રસ્તો નથી. મારી પાસે શું વિકલ્પ છે? મારે તેમની સાથે ઉભું રહેવાનું છે અને તેમને સાથ આપવાનો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે મારો કોઈ સવાજ ઉઠતો નથી. મેં મારા પક્ષમાં બોલવા કોઈને કહ્યું નથી. જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે, તો આવી કોઈ વાતનો સવાલ જ ઉઠતો નથી. સિદ્ધારમૈયા પાંચ વર્ષ સુધી મુખ્યમંત્રી રહે, તે પર મને કોઈ વાંધો નથી. પાર્ટી હાઈકમાન્ડ જે પણ કહેશે અને જે નિર્ણય કરશે, તેનું પાલન કરવામાં આવશે. હું હાલ કોઈપણ ચર્ચા કરવા માંગતો નથી. લાખો કાર્યકર્તાઓ પાર્ટીનું સમર્થન કરી રહ્યા છે.’

સિદ્ધારમૈયાએ શું કહ્યું હતું?

સિદ્ધારમૈયાએ બુધવારે (2 જુલાઈ)એ કહ્યું હતું કે, ‘હું જ મુખ્યમંત્રી રહેવાનો છું. તમને કોઈ આશંકા છે?’ તેમણે ભાજપ અને જેડીએસ મુખ્યમંત્રી બદલવાની અફવા ફેલાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય એચ.એ.ઈકબાલ હુસેને દાવો કર્યો હતો કે, ‘કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને આગામી બે-ત્રણ મહિનામાં રાજ્યના મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે.’ આ નિવેદન બાદ સિદ્ધારૈયાને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અટકળો શરુ થઈ ગઈ હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે સિદ્ધારમૈયા અને શિવકુમારના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે, કર્ણાટકમાં કોઈપણ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ વચ્ચે વિવાદ યથાવત્ ! ટૂંક સમમયાં મળશે CM યોગી અને CM ધામી, જાણો મામલો