સેલ્ફીના બહાને કબડ્ડી સ્ટારની ચાલુ મેચમાં ગોળી મારી હત્યા! 11 દિવસ પહેલા જ કર્યા હતા લવ મેરેજ

Image: Instagram @ranabalachaur777 |
Kabaddi Player Shot: પંજાબના મોહાલીમાં કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મેદાનમાં તાળીઓ અને ભારે અવાજની વચ્ચે અચાનક ગોળીઓનો અવાજ આવ્યો અને એક કબડ્ડી ખેલાડીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. રાણા બલાચૌરિયાના નામથી ઓળખાતા 30 વર્ષીય કબડ્ડી ખેલાડી કંવર દિગ્વિજય સિંહની અજાણ્યા હુમલાવરોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ હુમલાની જવાબદારી ઘનશ્યામપુરિયા ગેંગે લીધી છે. નોંધનીય છે કે, કંવર દિગ્વિજય સિંહના 11 દિવસ પહેલાં જ પ્રેમ લગ્ન થયા હતા.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ ઘટના મોહાલીના સોહાના વિસ્તારમાં બની હતી, જ્યાં એક ખાનગી કબડ્ડી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે (15 ડિસેમ્બર) જ્યારે દર્શકોની ભીડ મેદાનમાં હાજર હતી અને મેચ પોતાની પીક પર હતી, ત્યારે 2 થી 3 અજાણ યુવકો મેદાનમાં પહોંચ્યા. હુમલાવરોએ ખુદને રાણાના ફેન હોવાનું કહી સેલ્ફી લેવાના બહાને તેમની પાસે પહોંચ્યા. ત્યારબાદ દિગ્વિજય સિંહ જેવું સેલ્ફી માટે આગળ આવ્યા ત્યારે આ શખસોએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધી.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, પહેલાં એવું લાગ્યું કે, ફટાકડા ફૂટી રહ્યા છે. પરંતુ, જ્યારે લોકો જમીન પર પડવા લાગ્યા ત્યારે સમજ પડી કે, અહીં ગોળીબાર થયો છે. હુમલાવરોએ લોકોને ડરાવવા માટે હવામાં પણ ફાયરિંગ અને અને બાદમાં બાઇક પર ફરાર થઈ ગયા.
હોસ્પિટલમાં મૃત્યુ
ગંભીર રૂપે ઈજાગ્રસ્ત રાણા બલાચૌરિયાને તાત્કાલિક માહોલીની ફોર્ટિસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડૉક્ટરોએ તેમને બચાવવાનો તમામ પ્રયાસ કર્યો પરંતુ, તેમ છતાં જીવ બચાવી શક્યા નહીં અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું.
કોણ છે રાણા બલાચૌરિયા ઉર્ફે કંવર દિગ્વિજય સિંહ?
કંવર દિગ્વજિય સિંહ, જેને રાણા બલાચૌરિયા અથવા બલરાજ રાણાના નામમે ઓળખવામાં આવે છે. તેઓ ફક્ત કબડ્ડીના ખેલાડી જ નહતા પરંતુ, ટૂર્નામેન્ટના પ્રમોટર પણ હતા. તેઓ પ્રોફેશનલ કબડ્ડી ખેલાડી, ટૂર્નામેન્ટના આયોજક, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડેલ તેમજ એક્ટર હતા. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના 25 હજારથી વધુ ફોલોઅર્સ છે, તેઓ યુવા વર્ગમાં ખૂબ લોકપ્રિયા હતા અને કબડ્ડીના પ્રોફેશનલ સ્તરે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચોઃ રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો; વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી
શું રાણાનો કોઈ ગેંગ સાથે સંબંધ હતો?
હાલ, એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું આ હત્યા કોઈ ગેંગવોરનું પરિણામ હતી? જેના વિશે માહિતી આપતા SSP હરમનદીપ સિંહ હંસે સ્પષ્ટપણે કહ્યું કે, આ મામલો તપાસ હેઠળ છે. હજુ સુધી કોઈ ગેંગ કે વ્યક્તિ સાથેની દુશ્મનાવટની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. જોકે, પંજાબમાં પહેલા પણ કબડ્ડી ખેલાડીઓની હત્યા થઈ ચુકી છે, જેના કારણે આ એંગલને અવગણી ન શકાય.
નોંધનીય છે કે, આ પહેલાં 2022માં જલંધરના મલ્લિયાં કલાંમાં કબડ્ડી ખેલાડી સંદીપ નાંગલ અંબિયાનની હત્યા કરવામાં આવી હતી. ઓક્ટોબર 2024માં જગરાંવમાં ખેલાડી તેજા સિંહની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરાઈ હતી.

