નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત, કોર્ટે પૂછ્યું- CBIએ ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ?

National Herald Case: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દાખલ કરવામાં આવેલી મની લોન્ડરિંગની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે.
સુનાવણીમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દા
સુનાવણીની શરુઆતમાં કોર્ટે આર્થિક ગુના નિવારણ સેલ(EOW)ની ફરિયાદ સંબંધિત રિવિઝન અરજી પર આદેશ આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે 'EOW FIRની નકલ હાલ માટે સોનિયા ગાંધી સહિતના આરોપીઓને પૂરી પાડવામાં આવશે નહીં.' ત્યારબાદ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસના તથ્યોને રૅકોર્ડમાં વાંચ્યા અને પછી EDની ચાર્જશીટ પર પોતાનો આદેશ સંભળાવ્યો. આ આદેશમાં કોર્ટે EDની ચાર્જશીટ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
આ પણ વાંચો: ભારતની તમામ કૉલેજ-યુનિવર્સિટીઓ પર 'નજર' રખાશે! નવા નિયમોથી કોને કેટલો લાભ?
કોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન
દિલ્હી કોર્ટે EDની તપાસની કાયદેસરતા પર એક મહત્ત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે નોંધ્યું કે, 'CBI એ હજી સુધી કોઈ 'પ્રિડિકેટ ગુનો' (મૂળ ગુનો) નોંધ્યો નથી, તેમ છતાં ED શેની તપાસ ચાલુ રાખે છે.'
કોર્ટે પ્રશ્ન કર્યો કે જ્યારે મૂળ ગુનો (પ્રિડિકેટ ગુનો) નોંધાયેલો જ ન હોય, ત્યારે મની લોન્ડરિંગ તપાસ (Prevention of Money Laundering Act - PMLA હેઠળ) કેવી રીતે આગળ વધી શકે. આ કાયદાકીય આધાર પર કોર્ટે EDની ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇન્કાર કર્યો હતો.
ગાંધી પરિવાર માટે મોટી જીત!
ઉલ્લેખનીય છે કે, ગાંધી પરિવાર માટે નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટનો આ નિર્ણયને એક મોટી કાનૂની જીત તરીકે જોવામાં આવે છે, કારણ કે તે ટ્રાયલ પ્રક્રિયાને આગળ વધતાં અટકાવશે. EDએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે નેશનલ હેરાલ્ડ અખબારના પ્રકાશક એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(AJL)ની સંપત્તિ યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગેરકાયદે રીતે હસ્તગત કરવામાં આવી હતી અને મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેને રાજકીય રીતે પ્રેરિત કેસ ગણાવ્યો છે અને કહ્યું છે કે 'આમાં કોઈ વ્યક્તિગત નાણાકીય લાભ લેવામાં આવ્યો નથી.'

