India

જસ્ટિસ ચંદ્રચૂડ સરકારને પૂછીને જજોની નિમણૂક કરતા : જસ્ટિસ કૌલ

By GS Team
26 Oct 20264 mins read
TukuTouch Logo
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ સંજય કિશન કૌલે પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કૌલે દાવો કર્યો કે, ચંદ્રચૂડ જજોની નિમણૂક પહેલા સરકારની મંજૂરી લેતા હતા. નવી દિલ્હીમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, જ્યારે મેં જજોની નિમણૂકમાં સરકાર પર દબાણ વધાર્યું, ત્યારે મારો કેસ પાછો ખેંચી લેવાયો હતો. તેમણે PMLA કેસમાં પણ "વચગાળાનો રસ્તો" અપનાવવા દબાણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

જસ્ટિસ ચંદ્રચૂડ સરકારને પૂછીને જજોની નિમણૂક કરતા : જસ્ટિસ કૌલ
  • સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશે દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પર ગંભીર આરોપ લગાવ્યા
  • જજોની નિમણૂકને મંજૂરી ન મળતા મેં સરકાર પર દબાણ વધાર્યું તો મારી પાસેથી કેસ લઇ લેવાયો હતો : પૂર્વ ન્યાયાધીશ કૌલ
  • પૂર્વ સીજેઆઇ ચંદ્રચૂડે મની લોન્ડરિંગ કાયદાના કેસમાં વચ્ચેનો રસ્તો અપનાવવા કહ્યું હતું : સુપ્રીમના પૂર્વ ન્યાયાધીશ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડને લઇને સુપ્રીમના જ પૂર્વ ન્યાયાધીશ સંજય કિશન કૌલે મોટો દાવો કર્યો છે. જસ્ટિસ કૌલે કહ્યું છે કે હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોના પદ પર નામોની પસંદગી કરતા પહેલા પૂર્વ સીજેઆઇ જસ્ટિસ ચંદ્રચૂડ સરકારની મંજૂરી લેતા હતા. એક ઇન્ટરવ્યૂમાં જસ્ટિસ કૌલે આ દાવો કર્યો હતો અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડની ટિકા કરી તેમની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. એટલુ જ નહીં પોતાના પુસ્તકમાં પણ તેમણે અનેક ખુલાસા કર્યા છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પદેથી ૨૦૨૩માં નિવૃત થયેલા જસ્ટિસ સંજય કિશન કૌલે વધુમાં દાવો કર્યો હતો કે મારી પાસે જે કેસો સુનાવણી માટે હતા તેમાં કેટલાક કેસોમાં સરકાર પર દબાણ વધારવા પ્રયાસ થયો તો મારી પાસેથી આવા કેસો પરત લઇ લેવાયા હતા, આવો જ એક કેસ જજોની નિમણુંકમાં સરકાર દ્વારા થતા વિલંબ સાથે જોડાયેલો હતો, જ્યારે મે સરકાર પર વહેલા નિર્ણય લેવા માટે દબાણ કર્યું ત્યારે મારી પાસેથી મામલો જ પરત લઇ લેવાયો. એટલુ જ નહીં તત્કાલીક મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રચૂડ પર આ મામલાને હટાવવા માટે પણ દબાણ હતું. જોકે આ દબાણ કોનું હતું તે સ્પષ્ટતા જસ્ટિસ કૌલે નહોતી કરી.
જસ્ટિસ કૌલનું પુસ્તક વિદાઉટ ફિયર ફોર ફેવર લોન્ચ થવા જઇ રહી છે, જેમાં તેમણે અનેક દાવા કર્યા છે. જ્યારે વાયરને આપેલા ઇન્ટરવ્યૂમાં જસ્ટિસ કૌલે કહ્યું છે કે એક વખત પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે મને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો હતો, તેઓ મારી પાસે રહેલા પીએમએલએ મની લોન્ડરિંગ કેસને લઇને મળવા માગતા હતા, તેઓએ મને મની લોન્ડરિંગ કાયદાનો મામલો આગળ નહીં ચલાવવા મનાવવા પ્રયાસ કર્યો હતો. સાથે જ સાવધાની રાખવા અથવા વચગાળાનો રસ્તો અપનાવવા કહ્યું હતું. જોકે મે તેમની વાત નહોતી સ્વીકારી અને પાછીપાની કરવાના બદલે ઇમાનદારીથી સુનાવણી કરી હતી. આ ચર્ચા થઇ તે સમયે જસ્ટિસ સંજીવ ખન્ના પણ હાજર હતા. સરકાર આ કેસને મારી નિવૃત્તિ સુધી લંબાવવા માગતી હતી. અંતે હું નિવૃત્ત થયો અને અન્ય બેન્ચ પાસે મામલો પહોંચ્યો હતો. ૨૨ વર્ષ સુધી ન્યાયાધીશ તરીકે સેવા આપી ચુકેલા જસ્ટિસ કૌલે વધુમાં કહ્યું હતું કે એક વખત કોલેજિયમની બેઠક મળી રહી હતી, જે દરમિયાન જ જસ્ટિસ ચંદ્રચૂડે મારી સાથે અલગથી બેઠક કરી હતી અને કહ્યું હતું કે શું જજોની નિમણુંકના નિર્ણય મુદ્દે સરકારની સાથે સલાહ લેવી જોઇએ? જોકે મે આવુ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં કોલેજિયમ પાંચ નામો સાથે સંમત થઇ હતી, જોકે જસ્ટિસ ચંદ્રચૂડ છઠ્ઠુ નામ ઇચ્છતા હતા, જે અંતિમ સમયે પ્રસ્તાવમાં સામે આવ્યું હતું. જોકે મે અને કોલેજિયમના અન્ય સભ્યોએ આ નામનો સ્વીકાર કરવાની ના પાડી દીધી હતી. મને એવુ લાગે છે કે આ છઠ્ઠા નામ તેમજ અન્ય નામો માટે જસ્ટિસ ચંદ્રચૂડે સરકારની મંજૂરી લીધી હોઇ શકે છે.

શું કોલેજિયમની બેઠક પહેલા પણ સરકારની મંજૂરી લેવામાં આવી હતી તેવા સવાલના જવાબમાં જસ્ટિસ કૌલે કહ્યું હતું કે આ તો ઘણા સમયથી થતુ આવ્યું છે. નિર્ણય લેતા પહેલા જ સરકારની મંજૂરી લેવી અને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવી આ બન્ને અલગ બાબતો છે. જસ્ટિસ સંજય કિશન કૌલ ૨૦૧૭થી ૨૦૨૩ સુધી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહ્યા હતા. કાશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલા સંજય કિશન કૌલ ૨૦૦૧માં દિલ્હી હાઇકોર્ટમાં જજ બન્યા હતા. તેઓએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ૧૬૭ ચુકાદા લખ્યા હતા.

જસ્ટિસ ચંદ્રચૂડના ચર્ચાસ્પદ ચુકાદાઓ

નવી દિલ્હી :

  • ૨૦૧૯માં અયોધ્યાનમાં રામ મંદિરનો ચુકાદો આપનારી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચમાં જસ્ટિસ ચંદ્રચૂડ પણ સામેલ હતા. હાઇકોર્ટે રામ જન્મભૂમિને ત્રણ હિસ્સામાં વિભાજીત કરવા કહેલું જેમાં વકફ પણ સામેલ હતું, સુપ્રીમે આ ચુકાદાને પલટી નાખ્યો હતો.
  • જમ્મુ કાશ્મીરમાંથી કેન્દ્ર સરકાર દ્વારા આર્ટિકલ ૩૭૦ રદ કરવામાં આવી હતી, જેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ થઇ હતી, મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ ચંદ્રચૂડે અને તેમની બેંચે આ અપીલ ફગાવી હતી અને કેન્દ્રના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
  • અનામતમાં પણ પેટા અનામતનો ચુકાદો ચર્ચામાં રહ્યો હતો, ૧ ઓગસ્ટ ૨૦૨૪ના સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે એસસી, એસટી અનામતમાં નબળા વર્ગને પેટા અનામત આપવાની રાજ્યોને સત્તા હોવાનો ચુકાદો આપ્યો હતો. આ બેંચમાં સીજેઆઇ તરીકે ચંદ્રચૂડ સામેલ હતા.
  • કેન્દ્ર સરકાર દ્વારા પક્ષોના ફન્ડિંગ માટેના ઇલેક્ટોરલ બોન્ડ લાવવામાં આવ્યા હતા, જેને જસ્ટિસ ચંદ્રચૂડની બેંચે રદ કરી દીધા હતા. આ મુદ્દે બાદમાં સ્વતંત્ર તપાસ કરવાની માગ સાથે અનેક અરજીઓ થઇ હતી જેને જસ્ટિસ ચંદ્રચૂડની બેંચે ફગાવી દીધી હતી.