John Brittas on Indian Currency: મનરેગા(MNREGA)નું નામ બદલવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે એક નવો વિવાદ ઊભો થયો છે. CPIના રાજ્યસભા સાંસદ જોન બ્રિટાસે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સરકાર ભારતીય ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર હટાવવાની તૈયારી કરી રહી છે.
ગાંધીજીને હટાવવાનું પ્લાનિંગ : જોન બ્રિટાસ
સાંસદ જોન બ્રિટાસે મીડિયા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે, કરન્સી નોટો પરથી ગાંધીજીની તસવીર હટાવવા માટેનું પ્રારંભિક પ્લાનિંગ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે, 'ઉચ્ચ સ્તરે આ અંગે પ્રથમ તબક્કાની ચર્ચા પણ થઈ ગઈ છે. આ માત્ર અટકળો નથી, પરંતુ દેશના પ્રતીકોને ફરીથી લખવાના એક મોટા ષડયંત્રનો ભાગ છે. સરકાર ગાંધીજીના બદલે ભારતની વિરાસત દર્શાવતા અન્ય પ્રતીકો લાવવા પર વિચાર કરી રહી છે.'
RBI શું કહે છે?
વર્ષ 1996માં જ્યારે 'મહાત્મા ગાંધી સિરીઝ'ની નોટો બહાર પાડવામાં આવી, ત્યારથી જ ગાંધીજીની તસવીર ભારતીય કરન્સી પર કાયમી બની ગઈ છે. જોકે, 2022માં જ્યારે એવી ચર્ચાઓ ઉઠી હતી કે નોટો પરથી ગાંધીજીનો ફોટો હટાવી દેવામાં આવશે, ત્યારે RBIએ આ અહેવાલોને સદંતર ફગાવી દીધા હતા.
સેન્ટ્રલ બૅન્કે ત્યારે સત્તાવાર નિવેદન આપતાં સ્પષ્ટ કર્યું હતું કે, ગાંધીજીની તસવીર બદલીને અન્ય કોઈ વ્યક્તિનો ફોટો મૂકવાનો કોઈ જ પ્રસ્તાવ નથી. આ સ્પષ્ટતા એવા સમયે કરવી પડી હતી જ્યારે મીડિયામાં એવા દાવા થયા હતા કે RBI અને નાણા મંત્રાલય કેટલીક નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અથવા એ. પી. જે. અબ્દુલ કલામની તસવીરો મૂકવા પર વિચાર કરી રહ્યા છે.
હવે આ વિવાદ ફરી એકવાર ત્યારે વકર્યો છે જ્યારે સરકારે 'મનરેગા'નું નામ બદલીને તેને 'રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ)' એટલે કે VB-G RAM G બિલમાં ફેરવી દીધું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર દરેક જગ્યાએથી ગાંધીજીનું નામ ભૂંસી નાખવા માટે જ આ બધું કરી રહી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ! BMC ચૂંટણી અંગે ઠાકરે બંધુઓ વચ્ચે ફરી પેચ ફસાયો
મનરેગાના નામ બદલવા સાથે કનેક્શન
આ વિવાદ એવા સમયે ઊભો થયો છે જ્યારે સરકારે 'મનરેગા'(MNREGA)નું નામ બદલીને 'રોજગાર અને આજીવિકા મિશન(ગ્રામીણ)' એટલે કે VB-G RAM G બિલ રજૂ કર્યું છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર દરેક જગ્યાએથી ગાંધીજીનું નામ હટાવવા માંગે છે.
પ્રિયંકા ગાંધી પર આકરા પ્રહાર
ચલણી નોટોના વિવાદની સાથે જોન બ્રિટાસે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ યોજેલી 'ટી પાર્ટી'માં પ્રિયંકા ગાંધીની હાજરીને તેમણે લોકશાહી માટે શરમજનક ગણાવી હતી. બ્રિટાસે સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે સરકાર ગરીબોને નુકસાન કરતો કાયદો પસાર કરી રહી છે, ત્યારે વિપક્ષી નેતાઓ સરકારના આવા કાર્યક્રમોમાં કેમ જાય છે? તેમણે વધુમાં પૂછ્યું કે, પ્રિયંકા ગાંધી પાસે કોંગ્રેસમાં કોઈ સત્તાવાર હોદ્દો નથી, તો પછી તેમને આ સમારોહમાં જવાની શું જરૂર હતી? અંતમાં તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે, કદાચ નોટો પરથી ગાંધીજીનો ફોટો હટી જશે તો પણ પ્રિયંકા અને તેમના મિત્રો સરકારના આવા સ્વાગતમાં જતા જ રહેશે. બ્રિટાસના આ નિવેદનથી હવે વિપક્ષની એકતા અને ગાંધીજીના વારસાને લઈને સોશિયલ મીડિયા પર નવી ચર્ચા છેડાઈ છે.


