‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે’ કેન્દ્રીય મંત્રીની સંસદમાં જાહેરાત
India Space Mission 2040 : વિપક્ષના સભ્યોએ બિહારમાં મતદાર યાદી સુધારણા (SIR) મામલે આજે પણ સંસદમાં ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો કર્યો હતો, ત્યારે આ હોબાળા વચ્ચે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના પ્રવાસ મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે મહત્ત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે.’
જિતેન્દ્ર સિંહે વિપક્ષ પર સાધ્યું નિશાન
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સંસદમાં એમ પણ કહ્યું કે, ‘આજે આખો દેશ શુભાંશુ શુક્લાની અંતરિક્ષ મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે વિપક્ષો હજુ પણ હોબાળો કરી રહ્યા છે અને ગૃહમાં ચર્ચા કરવા માટે તૈયાર નથી. વિપક્ષ અંતરિક્ષ યાત્રીથી કેવી રીતે નારાજ થઈ શકે?’
વિપક્ષનો ગૃહમાં હોબાળો
વિપક્ષના સભ્યોએ SIR મુદ્દે ગૃહમાં ભારે હોબાળો અને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત રહી હતી. બપોરે 2 કલાકે કાર્યવાહી શરૂ થયા બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ‘ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી - વિકસિત ભારત માટે 2047 સુધીમાં અંતરિક્ષ કાર્યક્રમની મહત્ત્વની ભૂમિકા’ વિષય પર ચર્ચાનો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન પણ વિપક્ષો ભારે હોબાળો કરી રહ્યા હતા. આ હોબાળા વચ્ચે જિતેન્દ્ર સિંહે શુભાંશુ શુક્લાના અંતરિક્ષ પ્રવાસ મુદ્દે ચર્ચાની શરૂઆત કરી હતી અને કહ્યું કે, ‘2040માં એક ભારતીય અંતરિક્ષ યાત્રી ચંદ્રની સપાટી પર ઉતરશે.’