Get The App

3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં... GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન

Updated: Aug 18th, 2025

GS TEAM

Google News
Google News
3 જ દિવસમાં રજિસ્ટ્રેશન, રિફંડમાં પણ વિલંબ નહીં... GST સુધારા માટે સરકારનો માસ્ટર પ્લાન 1 - image


GST Tax Slab : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નવા સુધારાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી કે, આ નવા સુધારા આ દિવાળી પર લાગુ થઈ શકે છે. સરકારે ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી તેને સરળ બનાવવા તેમજ ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી બનાવી લોકોના ખિસ્સા પરથી બોજો ઘટાડવાનો સંકેત આપ્યો છે. જીએસટીના નવા સુધારામાં મહત્ત્વની ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરાઈ છે. આમાં માળખાકીય સુધારા, ટેક્સ રેટ ઘટાડવા અને GSTને સરળ બનાવવાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ આ મહત્ત્વની જાહેરાત કર્યા બાદ હવે નાણામંત્રાલય તરફથી પણ ફાયદાકારક વાત સામે આવી છે. સૂત્રોનું કહેવું છે કે, વેપારીઓ માત્ર ત્રણ દિવસમાં જ જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકશે, મોટાભાગની રિફંડ પ્રક્રિયા ઓટોમેડેટ થઈ શકે તે માટે નાણા મંત્રાલયે પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

95 ટકા વેપારીઓને ત્રણ દિવસમાં મંજૂરી મળી જશે 

મીડિયા રિપોર્ટ મુજબ, નાણા મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, વેપારીઓ માત્ર ત્રણ દિવસની અંદર જીએસટી રજિસ્ટ્રેશન મેળવી શકશે અને 95 ટકા વેપારીઓને માત્ર ત્રણ દિવસમાં રજિસ્ટ્રેશન મંજૂરી મળવાની આશા છે. સૂત્રોએ એમ પણ કહ્યું છે કે, જીએસટી પ્રક્રિયા ઝડપી બનાવવાની સાથે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અને ઇનવર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર સંબંધિત રિફંડ ઓટોમેટેડ મળી જાય, તે માટેનો પણ પ્રસ્તાવ તૈયાર કરાયો છે. આ રિફંડ પ્રક્રિયાથી મેન્યુઅલી કામગીરીમાં ઘટાડો થશે અને ડિલિવરીમાં લાગતા સમયમાં પણ ઘટાડો થશે. નિકાસકારો માટે ઓટોમેટિક રિફંડની સિસ્ટમનો પણ પ્રસ્તાવ છે.

આ પણ વાંચો : UPI ટ્રાન્ઝેક્શન પર ફીસ વસૂલવાની તૈયારી? સંસદમાં સરકારની સ્પષ્ટતા

MSMEને રાહત મળશે

મીડિયા રિપોર્ટમાં નાણાં મંત્રાલયને ટાંકીને કહેવાયું છે કે, ઘણી વખત એવું બનતું હતું કે, રિફંડમાં વિલંબ થવાથી અનેક કરદાતાઓ મૂડીની અછતનો સામનો કરી રહ્યા છે. જોકે હવે જીએસટીમાં નવા ફેરફારના કારણે કરદાતાઓની આ ચિંતા દૂર થશે. આ ઉપરાંત રિફંડ ઓટોમેડેટ કરવાથી અને તાત્કાલિક રજિસ્ટ્રેશન સુનિશ્ચિત કરવાની પ્રક્રિયાના કારણે એન્ટરપ્રાઇઝિસનો સમય બચવાની સાથે રોકડ પ્રવાહમાં સુધારો થશે.

GSTમાં નવા ફેરફારના પ્રસ્તાવ માટે બેઠક યોજાશે

નાણામંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, જીએસટી દરોને તર્કસંગત બનાવવા અને અનુપાલનનો બોજ ઘટાડવા એટલે કે ટેક્સની આખી વ્યવસ્થાને વધુ સરળ, સ્પષ્ટ અને કાર્યક્ષમ બનાવવા માટે રચાયેલી મંત્રી જૂથ (GoM) જીએસટીમાં નવા ફેરફાર માટેના પ્રસ્તાવને અંતિમ રૂપ આપવા માટે 20-21 ઑગસ્ટે બેઠક યોજશે. ત્યારબાદ તમામ પ્રસ્તાવોને જીએસટી પરિષદ સમક્ષ રજૂ કરાશે. પરિષદની બેઠક સપ્ટેમ્બરના ત્રીજા અથવા ચોથા સપ્તાહમાં યોજાવાની આશા છે, જેમાં નવા સુધારાઓને અંતિમરૂપ આપવામાં આવશે.

આ પણ વાંચો : દિવાળીની ડબલ ગિફ્ટમાં શું મળશે? આવી કાર અને ટુવ્હીલર પર ઘટી શકે GST

Tags :