ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી પ્રવેશ
FIR Against Nishikant Dubey And Manoj Tiwari : દેવઘર સ્થિત બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કથિત રીતે બળજબરીપૂર્વક પ્રવેશ કરવા બદલ ભાજપના સાંસદો નિશિકાંત દુબે અને મનોજ તિવારી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મંદિરના પૂજારી કાર્તિક નાથ ઠાકુરની ફરિયાદ મુજબ, બે ઓગસ્ટ-2025ના રોજ શ્રાવણ મહિના દરમિયાન VIP-VVIPના પ્રવેશ પર પ્રતિબંધ હતો, ત્યારે આ બંને સાંસદો અને અન્ય કેટલાક લોકોએ બળજબરીપૂર્વક ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો.
બળજબરીપૂર્વક પ્રવેશ કરતા મંદિરમાં અફરાતફરી મચી હતી
ગોડ્ડાથી ભાજપ સાંસદ ડૉ.નિશિકાંત દુબે અને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી સામે એવો પણ આક્ષેપ કરાવામાં આવ્યો છે કે, તેમના બળજબરીપૂર્વકના પ્રવેશને કારણે મંદિર પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી અને હજારો ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ સાથે પણ તેમની ધક્કામુક્કી થઈ હતી. આ મામલે ઝારખંડ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. સાંસદ દુબે અને તિવારી સાથે કનિષ્કાંત દુબે, શેષાદ્રી દુબે, અભયાનંદ ઝા પણ હતા.
નિશિકાંત દુબેએ અગાઉ ATCના રૂમમાં બળજબરી પ્રવેશ કર્યો હતો
નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આક્ષેપોને રદીયો આપ્યો છે અને કહ્યું કે, પૂજા કરવા બદલ તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ ધરપકડ માટે સીધા દેવઘર એરપોર્ટથી પોલીસ સ્ટેશન જશે. નોંધનીય છે કે 2022માં પણ દેવઘર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) રૂમમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવા બદલ તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે બાદમાં તે એફઆઈઆર રદ કરી હતી.