VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મોત
Uttar Pradesh Bus Accident : ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે ભાયનક અકસ્માત થયો હતો, જેમાં મદદ કરવાના બદલે લોકો વીડિયો ઉતારવા લાગ્યા હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં રાજ્યના બારાબંકીમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો હતો, ત્યારે મુસાફરો ભરેલી એક રોડવેઝ બસ પર એક મહાકાય ઝાડ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાંથી બેની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. વૃક્ષ ધરાશાયી થયા બાદ કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, બાદમાં પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રૂટ ક્લિઅર કરવામાં આવ્યો હતો.
બસમાં ફસાયેલી મહિલા વીડિયો બનાવના યુવક પર ગુસ્સે થઈ
ઘટનાને લઈને એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બસમાં ફસાયેલી એક મહિલા વીડિયો બનાવી રહેલા યુવક પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલા કહી રહી છે કે, ‘અમે મરી રહ્યા છે અને તમે વીડિયો બનાવી રહ્યા છો. જો તમે આવીને ઝાડની ડાળી કાઢવામાં મદદ કરી હોત, તો અમે બહાર આવ્યા હોત.’
મુસાફરો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા
મળતા અહેવાલો મુજબ બારાબંકી-હૈદરગઢ માર્ગ પર હરખ રાજા બજાર પાસે આ અકસ્માત સર્જાયો હતો. અહીં 60 મુસાફરોથી ભરેલી બસ પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના પર ઝાડ પડ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને બસમાં સવાર મુસાફરો ડરના માર્યા બૂમો પાડીને જીવ બચાવવા મદદ માંગી રહ્યા હતા. ઘણાં લોકો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીથી કૂદતા જોવા મળ્યા હતા. આ દુર્ધટનામાં અનેક ઈજાગ્રસ્ત પણ થયા હતા. જોકે, સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કતરી હતી.