ઝારખંડ આંદોલન : રાહુલ ગાંધી બાદ શત્રુઘ્ન સિન્હા વિદ્યાર્થીઓના સમર્થનમાં, કહ્યું, ‘સરકાર માંગ પૂરી કરે’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jharkhand Student Protest : ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC અને JSSC-CGL પરીક્ષામાં ગેરરીતિ તેમજ પેપર લીકની CBI તપાસની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન અત્યંત ઉગ્ર બની ગયું છે. વિધાનસભા ઘેરાવ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. TMC સાંસદ શત્રુઘ્ન સિન્હા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગની આકરા શબ્દોમાં નિંદા કરી તેમની માંગણીઓ સંતોષવા અપીલ કરી છે. સામે પક્ષે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના બેવડા વલણ પર સવાલો ઉઠાવ્યા છે, જ્યારે બીજી તરફ હેમંત સોરેન કેબિનેટના મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે, સરકાર વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહી છે અને CID તપાસ ચાલુ છે.
શત્રુઘ્ન સિન્હા વિદ્યાર્થીઓના સમર્થનમાં
TMC સાંસદ શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha)એ ઝારખંડમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જને ખોટો ગણાવતા કહ્યું કે, સરકાર તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે અને તેમની વાજબી માંગણીઓ પૂરી કરે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ અને તેમની પુત્રી સોનાક્ષી પણ આ શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં છે. જો વિદ્યાર્થીઓ CBI તપાસની માંગ કરી રહ્યા હોય તો સરકારને તપાસ સોંપવામાં શું વાંધો હોઈ શકે.
રાહુલ ગાંધીએ ઝારખંડ સરકારને આપી સલાહ
બીજી તરફ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા બળપ્રયોગની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે ઝારખંડમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ખોટો છે અને વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ દર્શાવવાનો સંપૂર્ણ અધિકાર છે. કોઈપણ સમસ્યાનો સાચો ઉકેલ માત્ર વાર્તાલાપથી જ નીકળી શકે છે, તેથી ઝારખંડ સરકારે આ યુવાનોની વાત સાંભળીને તેમની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવો જોઈએ.
તેજસ્વી સૂર્યાએ રાહુલ ગાંધી અને સરકાર પર પ્રહાર કર્યા
આ મુદ્દે ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા (Tejasvi Surya)એ રાંચીમાં JPSC-JSSCના વિરોધ પ્રદર્શન પર પ્રહાર કરતા કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી JPSCના ગેરવહીવટ સામે યુવાનો અવાજ ઉઠાવી રહ્યા છે. જેમ જ વિદ્યાર્થીઓએ વિધાનસભા ઘેરાવ શરૂ કર્યો, રાહુલ ગાંધી દ્વારા સમર્થિત સરકારે તેમના પર આકરો લાઠીચાર્જ કર્યો અને પાણીના ફુવારા છોડ્યા. એક તરફ રાહુલ ગાંધી સંસદ બાધિત કરીને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગે છે અને બીજી તરફ તેમની જ સમર્થિત સરકાર યુવાનો પર અત્યાચાર ગુજારી રહી છે. શું ઝારખંડના વિદ્યાર્થીઓને ન્યાય મેળવવાનો અધિકાર નથી.
હેમંત સોરેન કેબિનેટના મંત્રીનું નિવેદન
દરમિયાન, હેમંત સોરેન (CM Hemant Soren) કેબિનેટના ગ્રામીણ વિકાસ મંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ ચાલી રહ્યો છે અને મોટાભાગની વાતો સ્વીકારી લેવામાં આવી છે. CGL પરીક્ષા પર ગતિરોધ હતો અને તેમની CBI તપાસની માંગ સામે હાલ CID દ્વારા તપાસ ચાલી રહી છે, જેમાં કેટલીક અટકાયતો પણ થઈ છે. જો તપાસમાં કોઈ પુખ્તા પુરાવા મળશે તો આગળ યોગ્ય સંજ્ઞાન લેવાશે. સરકાર પરીક્ષા સુધારા માટે પણ આશ્વાસન આપી રહી છે, તેથી વાર્તાલાપ ચાલુ હોય ત્યારે ઉગ્ર આંદોલન કરવાની જરૂર નથી.
રાંચીમાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું, પોલીસ લાઠીચાર્જ
રાંચીમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન સેંકડોની સંખ્યામાં આક્રોશિત વિદ્યાર્થીઓએ સુરક્ષા બેરિકેડ્સ તોડીને ઝારખંડ વિધાનસભા પરિસરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ દ્વારા મુકાયેલા કાંટાળા તારોને હટાવીને વિદ્યાર્થીઓ ગેટ નંબર 1 પર એકઠા થયા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે ભીડને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ ઘર્ષણ વચ્ચે વિદ્યાર્થીઓએ રસ્તા પર સૂઈને અને રાષ્ટ્રગાન ગાઈને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સ્થિતિને જોતા પ્રશાસને વિધાનસભા પરિસરને ખાલી કરાવવા અને માત્ર સુરક્ષાકર્મીઓને તૈનાત રાખવાનો આદેશ આપ્યો હતો.
વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતોનું ભાવુક નિવેદન
આ આંદોલન વચ્ચે વિદ્યાર્થી નેતા દેવેન્દ્ર નાથ મહતો (Devendra Nath Mahato)એ ભાવુક નિવેદન આપતા જણાવ્યું કે, તેઓ છેલ્લા 9 દિવસથી ભૂખ હડતાલ પર છે અને આ લાખો યુવાનોના ભવિષ્યની લડાઈ છે. પોલીસે વોટર કેનન અને લાઠીચાર્જ કરીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હોવા છતાં આ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું છે. તેમણે કહ્યું કે 11 પરીક્ષાઓમાં શંકાસ્પદ ગેરરીતિઓ છે અને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે, જેના માટે જો તેઓ શહીદ પણ થઈ જાય તો તેમને અફસોસ નથી.









